ગૌરવ મશરૂવાળા
એક દિવસ મારી દીકરી સવારનું છાપું લઈને મારી પાસે દોડતી આવી. અખબારમાં એક જાહેરખબર હતી જે ભગવાને છપાવી હતી. મથાળું હતું. `જોઈએ છે- એક માણસ જે મારા વતી સંપત્તિ વહેંચી શકે.' આગળ લખ્યું હતું. : `લાયકાત-અપેક્ષા રાખ્યા વિના સારાં કર્મ કર્યાં હોવાં જોઈએ. સ્વભાવે શાંત અને સરળ, ચારિત્ર્યવાન અને નીતિમૂલ્યોમાં માનતો હોવો જોઈએ.' દીકરી જાણવા માગતી હતી કે ભગવાનને શા માટે આવી વિજ્ઞાપન આપવાની જરૂર પડી. લોકોમાં સંપત્તિ વહેંચવાનું કામ તેઓ જાતે કેમ કરતા નથી? અને સારો માણસ આ કામ કેવી રીતે કરી શકે?
ભગવાન પાસે અઢળક સંપત્તિ છે. એણે સુનિશ્ચિત કરવું પડે એની સંપત્તિ લાયક લોકો સુધી પહોંચે. દુનિયામાં ઘણા બધા લોકોને ખૂબ બધી વસ્તુઓ જોઈએ છે. ભગવાન એકલો આ કામ ન કરી શકે. તેથી એ બીજાઓની મદદ લે છે. સૌથી પહેલાં તો એ વિશ્વાસુ માણસોને સંપત્તિ આપે છે કે જેથી તેઓ જરૂરતમંદ લોકો સાથે તે શેર કરી શકે.
જેણે ભૂતકાળમાં કોઈ જ અપેક્ષા વિના પૂરી ઈમાનદારીથી સારાં કર્મો કર્યાં હશે એને સંપત્તિ મળશે. ભગવાન ઉપર બેઠોબેઠો આ બધાનું નિરીક્ષણ કરતો રહે છે. જો આ લોકો નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરતા રહેશે તો ભગવાન એમને સંપત્તિ આપતો રહે છે.
જો તેઓ સંપત્તિનો ઉપયોગ પોતાનો અહમ્ સંતોષવામાં, દેખાડો કરવામાં, બીજાઓને નીચા પાડવામાં કરે અને પૈસાના જોરે અન્યો સાથે ખરાબ વ્યવહાર કરે, તો ભગવાન ધીમેધીમે એમની પાસેથી સંપત્તિ પાછી લઈ લે છે.
ઉપરવાળો ધ્યાન રાખે છે કે માણસ સારાં કામ ભગવાનનાં નામે કરે છે કે પોતે જ જશ ખાટી જવાની કોશિશ કરે છે? જમણા હાથે દાન કરો તો ડાબા હાથનેય ખબર ન પડવી જોઈએ એવું જ્યારે કહેવાય છે ત્યારે એનો અર્થ એ હોય છે કે તમારાં સારાં કર્મો વિશે બીજાઓને ખબર ન પડવી જોઈએ. જેવી એકાદ માણસને પણ ખબર પડશે કે તરત આપણા મનમાં મદ ભરાવા લાગશે- આ આપણો અહમ્ છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે સારાં કામ કરીને ભૂલી જઈએ. તે એટલાં માટે કે સારાં કામ આપણે ભગવાન વતી કરી રહ્યા છીએ. આપણે તેનો હિસાબ રાખવાની જરૂર નથી, ભગવાન પોતે જ હિસાબ રાખશે.
એક પ્રયોગ કરી જોઈએ. કોઈ પણ અપેક્ષા વગર એક સારું કામ કરો. પછી એને યાદ સુધ્ધાં ન કરો. આને તમારી આદત બનાવી દો. ખાતરી રાખો કે જો આ પ્રમાણે કરતા રહેશો તો સંપત્તિ તમારા સુધી પહોંચશે જ. સંપત્તિ આવશે ત્યારે આપણને અહેસાસ પણ નહીં થાય કે આપણાં સારાં કર્મોનું ફળ છે કેમ કે આપણે આપણાં સારાં કર્મોને ભૂલી ચુકયા હોઈશું. આથી કૃપા વરસાવવા બદલ અને આપણને સંપત્તિવાન બનાવવા બદલ આપણે ઈશ્વરને હૃદયપૂર્વક આભાર પણ માનીશું.
યોગિક વેલ્થ
આપણને સૌને પુષ્કળ પૈસા જોઈએ છે. આ `પુષ્કળ' એટલે ચોક્કસ કેટલી રકમ તે ભાગ્યે જ કોઈ જાણે છે અને પછી સલામતીના અહેસાસની લાયમાં આપણે જિંદગીભર આ અજાણ્યા આંકડાની પાછળ ભાગતાં રહીએ છીએ.