Tue Jul 28 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસ: શું ધૂમ્રપાનના વિકલ્પ ખરેખર સલામત છે?

2026-06-09 08:27:00
Author: Rajesh Yagnik
Article Image

-રાજેશ યાજ્ઞિક

હમણાં જ સંપન્ન થયેલી ઈંઙકમાં ક્રિકેટર રિયાન પરાગ એક વિવાદમાં ફસાયો હતો. ટીમના ડ્રેસિંગ રૂમમાં તે વેપિંગ કરતાં કૅમેરામાં કેદ થઈ ગયો હતો. 

આ ઘટના એટલે યાદ આવી કેમકે આપણે છેલ્લાં બે સપ્તાહથી ધૂમ્રપાન પર ચર્ચા કરી રહ્યા છીએ અને હમણાં 31 મેના દિવસે વિશ્ર્વભરમાં ‘નો ટોબેકો ડે’ મનાવવામાં આવ્યો. આપણે ધુમ્રપાનની આદત અને પૅસિવ સ્મોકિંગની વાત કરી હતી. અનેક કંપનીઓ ધૂમ્રપાનના બંધાણીઓને ધુમ્રપાનના બંધાણીઓને તેની ‘આડઅસરથી બચવા’ બજારમાં અનેક પ્રકારના વિકલ્પો આપે છે. તેમનો ઇરાદો ધંધો કરવાનો જ હોય, એ કહેવાની જરૂર નથી, પણ આપણો પ્રશ્ર્ન એ છે કે શું ખરેખર ધૂમ્રપાનના વિકલ્પો સલામત છે?

શું છે ધૂમ્રપાનના કહેવાતા વિકલ્પ?

ધૂમ્રપાન રહિત તમાકુના ઘણા પ્રકારો છે જેમાં ડિપ, સ્નફ, સ્નસ અને ચ્યુઇંગ તમાકુનો સમાવેશ થાય છે. નિકોટિન પાઉચ, રિક્રિએશનલ લોઝેન્જ, સ્ટ્રીપ્સ, લાકડીઓ અને તમાકુના નાના પાઉચને પણ ધૂમ્રપાન રહિત તમાકુ ગણવામાં આવે છે. તે ઉપરાંત ઈ-સિગારેટ પણ બજારમાં મળતી હોય છે.

આવાં બધાં ઉત્પાદન શું છે?

સ્મોકલેસ સિગારેટ કે અન્ય કોઈપણ નામે ધૂમ્રપાનની ‘આદત છોડાવવા’ના નામે જે કોઈ  પણ ઉત્પાદન ઉપલબ્ધ હોય તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે તે બધા નિકોટિનથી યુક્ત હોય છે. ધુમાડા રહિત તમાકુ ઉત્પાદનોમાંથી નિકોટિન તમારા મોં અથવા નાક દ્વારા તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. ત્યાંથી, તે તમારા શરીરમાં ફેલાય છે.

અલબત, ધુમાડા રહિત વિવિધ ઉત્પાદનોમાં નિકોટિનનું પ્રમાણ વધતું-ઓછું હોઈ શકે. તેનો આધાર ધુમાડા રહિત વસ્તુનો પ્રકાર, તેની બ્રાન્ડ, ઉત્પાદનનું પીએચ સ્તર (તે કેટલું એસિડિક છે), તમે કેટલી માત્રામાં ઉપયોગ કરો છો વગેરે પર રહેલો છે.

અભ્યાસો દર્શાવે છે કે ધુમાડા રહિત તમાકુનો ઉપયોગ કરતા લોકોમાં નિકોટિનનું લોહીનું સ્તર સિગારેટ પીનારા લોકોના સ્તર જેવું અને જેટલું જ હોય છે.

શું છે ઈ-સિગારેટ?

ઇલેક્ટ્રૉનિક સિગારેટ (ઈ-સિગારેટ) એ એક ઉપકરણ છે જે પ્રવાહી નિકોટિન અને ફ્લેવર્સને ગરમ કરે છે જેથી તમે શ્વાસમાં લઈ શકો. ઇ-વેપ્સ, વેપ પેન અથવા સ્ટિક્સ, ઈ-હુક્કા, હુક્કા સ્ટિક્સ, મોડ્સ અને પર્સનલ વેપોરાઇઝર્સ (ઙટત) વગેરે અલગ-અલગ નામ અને પ્રકારે આવા પદાર્થ વેચતા હોય છે. તેમને સામૂહિક રીતે ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (ઊગઉજ) પણ કહે છે.

વેપિંગ અને સિગારેટ પીવામાં શું તફાવત છે?

વેપિંગ અને ધૂમ્રપાન બંનેમાં નિકોટિન અને અન્ય પદાર્થો શ્વાસમાં લેવાથી ફેફસાંમાં પ્રવેશ કરે છે. ઈ-સિગારેટ પ્રવાહીને ગરમ કરીને એરોસોલ બનાવે છે- સિગારેટ તમાકુને બાળે છે, જે ધુમાડો બનાવે છે.

શું સિગારેટ કરતાં વેપિંગ વધુ સુરક્ષિત ગણાય?

વેપિંગને ઘણીવાર સિગારેટ પીવા કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ વેપિંગ પણ આરોગ્ય માટે જોખમકારક બને છે.

વેપિંગ અને ધૂમ્રપાન બંને તમારા શરીરમાં સંભવિત ખતરનાક રસાયણો ઉમેરે છે. જ્યારે તમે તમાકુ બાળો છો ત્યારે આમાંના ઘણાં રસાયણોનું સ્તર વધારે હોય છે. નામ તેવું હોવા છતાં, વેપિંગ પાણીની વરાળ બનાવતું નથી. તે વાસ્તવમાં એક એરોસોલ (અથવા ઝાકળ) બનાવે છે જેમાં નિકોટિન, ધાતુ અને અન્ય હાનિકારક પદાર્થોના નાના કણો હોય છે. જોકે વેપિંગ પણ હજુ સુધી જોઈએ એટલા શોધન થયા નથી.

વેપિંગનાં જોખમ શું છે ?

વેપિંગને કારણે અસ્થમા થઈ શકે છે. કેટલાક ફ્લેવરિંગમાં વપરાતું ડાયસેટિલ રસાયણ, બ્રોન્કિઓલાઇટિસ ઓબ્લિટેરન્સનું કારણ બની શકે છે. બ્રોન્કિઓલાઇટિસ ઓબ્લિટેરન્સ તમારા ફેફસાંમાં કાયમી ડાઘનું કારણ બને છે.

ઈ-લિક્વિડમાં રહેલ નિકોટિન અને અન્ય પદાર્થો  હૃદય અને મગજને નુકસાન પહોંચાડી શકે છે. આપણે જાણીએ છીએ કે નિકોટિન મગજના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે, તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે અને તમારી ધમનીઓને સાંકડી કરી શકે છે.

ઈવાલી એ ફેફસાંની એક ગંભીર બીમારી છે જે વેપિંગથી થાય છે. તે  ફેફસાંને વ્યાપક નુકસાન પહોંચાડે છે અને  ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો જેવાં લક્ષણો એમાં દેખાય છે. ઈવાલી જીવલેણ બની શકે છે.  ઉપરાંત ઈ-સિગારેટનું વ્યસન થઈ શકે છે. કેટલાક ઈ-સિગારેટનું સેવન કરવામાંથી સિગારેટ પીવા તરફ વળી શકે છે.

હવે એક નવું તુત શરૂ થયું છે  : ‘હર્બલ સિગારેટ’નું. હર્બલ નામ આવે એટલે આપણે તેને સલામત માની લઈએ. આ પદાર્થોનું વેચાણ પણ એવાં જ ઓઠાં હેઠળ, પણ શું એ ખરેખર સલામત છે?

તમાકુને બદલે, હર્બલ સિગારેટમાં વિવિધ ઔષધિઓ અને ક્યારેક વનસ્પતિ સામગ્રીનું મિશ્રણ હોય છે. ઉપરાંત, હર્બલ સિગારેટમાં તમાકુ હોતું નથી, તેથી કોઈપણ ઉંમરના ધૂમ્રપાન કરનારાઓ તેને કાયદેસર રીતે ખરીદી શકે છે. તેમાં વપરાતી ઔષધિઓ બિનહાનિકારક લાગે છે, પરંતુ એકવાર એ જલે, સળગે તો તે ખતરનાક આડપેદાશો ઉત્પન્ન કરી શકે છે.

અમેરિકાના ‘ફેડરલ ટ્રેડ કમિશન-એફટીસી’દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે ઘણા હર્બલ સિગારેટ ઉત્પાદકોએ ખોટા દાવા કર્યા હતા કે તેમનાં  ઉત્પાદનો તમાકુનો સ્વસ્થ વિકલ્પ છે.’ ‘એફટીસી’એ શોધી કાઢ્યું કે હર્બલ સિગારેટના ધુમાડામાં, તમાકુ સિગારેટના ધુમાડાની જેમ ટાર અને કાર્બન મોનોક્સાઇડ જેવાં અસંખ્ય કાર્સિનોજેન્સ અને ઝેરી તત્ત્વો હોય છે. 

આ ઉપરાંત, અમેરિકન કેમિસ્ટ્રી સોસાયટીના ‘ઓમેગા જર્નલ’ તથા  તાજેતરના કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ડેમિયાના સહિત કેટલાક બળી ગયેલા હર્બલ ઘટકો નોંધપાત્ર મેટાબોલિક સમસ્યાઓ પેદા કરી શકે છે. આનાથી હૃદય રોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસ જેવી વિવિધ પ્રકારની ક્રોનિક સ્થિતિઓ થવાનું જોખમ વધી શકે છે. 

ટૂંકમાં સો વાતની એક વાત એ છે કે ‘સલામત ધૂમ્રપાન’ જેવી કોઈ જણસ આ જગતમાં નથી!