Tue Oct 06 2026

Logo

મોદીને મળવા નિકળેલાં ગુજરાતનાં 90 વર્ષનાં મા્જી ગુડગાંવ પહોંચી ગયાં પછી શું થયું ? મોદી મળ્યા કે નહીં ?

2026-09-28 11:06:00
Author: Mumbai Samachar Team
મોદીને મળવા નિકળેલાં ગુજરાતનાં 90 વર્ષનાં મા્જી ગુડગાંવ પહોંચી ગયાં પછી શું થયું ? મોદી મળ્યા કે નહીં ?

નવસારીના વિજલપોરના સંભાજીનગરમાં એકલા રહેતા 90 વર્ષીય હીરાબાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની ઈચ્છા થઈ. આ ઈચ્છા પૂરી કરવા તેઓ એકલા જ ટ્રેનમાં બેસીને નવસારીથી દિલ્હી જવા નીકળી પડ્યા. જોકે, મુસાફરી દરમિયાન મૂંઝવણ થતાં તેઓ દિલ્હી પહોંચવાને બદલે હરિયાણાના ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા. અજાણ્યા શહેરમાં એકલા પડી ગયેલા હીરાબા પાસે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના પીએનો નંબર હતો. તેમણે તાત્કાલિક સંપર્ક કરતાં સમગ્ર મામલો જિલ્લા વહીવટી તંત્રના ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે સંકલન કરીને હીરાબાને સુરક્ષિત રીતે પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. ગુડગાંવથી ટ્રેન મારફતે પહેલા અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત ક્વીન ટ્રેનથી તેઓ મોડી રાત્રે નવસારી પરત ફર્યા હતા. હીરા બા નવસારીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. તેમણે કહ્યુ કે, "આ મુખ્યમંત્રી તો મારા દીકરા જેવા છે."

'મોદી મારા દીકરા જેવા છે, તેમને આશીર્વાદ આપવા છે' - હીરાબાએ વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા અંગે જણાવ્યું હતું કે, “મારે નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે એક વાર મળવું છે. તેઓ જ્યારે નવસારી આવે છે ત્યારે સ્ટેજ પર મળવાનો મોકો મળતો નથી. એટલે મને વિચાર આવ્યો કે હું તેમને મળવા દિલ્હી જાઉં.” હીરાબા કહે છે કે, “મોદી મારા દીકરા જેવા છે.” તેઓ અગાઉ પણ નવસારીમાં કોઈ મોટા નેતા કે મંત્રીનો કાર્યક્રમ હોય ત્યારે ઉત્સાહપૂર્વક ત્યાં પહોંચી જતા હોવાનું જણાવે છે.

“આ મુખ્યમંત્રી તો મારા દીકરા જેવા” - થોડા સમય પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવ્યા ત્યારે પણ હીરાબા તેમને મળવા પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, “આ મુખ્યમંત્રી તો મારા દીકરા જેવા છે.”

'નરેન્દ્ર મોદીની બાનું નામ પણ હીરાબા હતું' - હીરાબાને જ્યારે તેમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “નરેન્દ્ર મોદીની બાનું નામ પણ હીરાબા હતું અને મારું નામ પણ હીરાબા જ છે.” દિલ્હી જવા માટે તેમણે ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું નહોતું અને ટિકિટ પણ લીધી નહોતી. હીરાબાના જણાવ્યા પ્રમાણે, મુસાફરી દરમિયાન ટીટી તેમને ચા-નાસ્તો કરાવતા હતા.

પરિવારનો સહારો નથી, એકલા જ રહે છે - હીરાબાએ ગુજરાતી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં કોઈ નથી અને તેઓ એકલા રહે છે. તેમની પાસે કોઈ કમાણી કરનાર વ્યક્તિ પણ નથી. કોઈ મદદ કરે તેમાંથી તેઓ જમવાનું બનાવે છે અને ઘરખર્ચ ચલાવે છે.