Sat Mar 07 2026

Logo

ટ્રાફિક જામ ગ્લોબલ સમસ્યાઃ ભારતના આ શહેરોમાં નાગરિકો 150 કલાક ટ્રાફિક જામમાં ફસાય છે...

2 weeks ago
Author: Darshana Visaria
Article Image

સવારનો સમય હોય, ઓફિસ પહોંચવાની ઉતાવળ અને રસ્તા પર વાહનોની લાંબી લાંબી લાઈનો... આ દ્રશ્ય હવે માત્ર કોઈ એક શહેર પૂરતું મર્યાદિત નથી રહ્યું. દુનિયાના મોટાભાગના મેટ્રો સિટીઝમાં આ ખૂબ જ સામાન્ય પરંતુ કંટાળાજનક સ્થિતિ સામાન્ય બની ચૂકી છે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા ટ્રાફિક સ્ટડીમાં સામે આવેલા આંકડાઓ પર નજક કરીએ તો ખ્યાલ આવે છે કે ટ્રાફિક જામ હવે માત્ર અગવડ જ નથી, પણ એક ગંભીર આર્થિક અને માનસિક બોજ બની ગયો છે. દુનિયાના અનેક શહેરોમાં તો નાગરિકો વર્ષના 100થી 200 કલાક માત્ર જામમાં ફસાઈને જ વેડફી નાખે છે. ચાલો આજે જાણીએ આ તમામ શહેરોમાં ભારતની સ્થિતિ શું છે... 

મેક્સિકોમાં છે સ્થિતિ ગંભીર
મેક્સિકો સિટીને દુનિયાનું સૌથી વધુ ટ્રાફિક વાળું શહેર માનવામાં આવે છે. અહીંની વસ્તી કરોડોમાં છે અને આ શહેર ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું હોવાથી રસ્તાઓનો વિસ્તાર કરવાનું ખૂબ જ પડકાનજનક છે. આવી સ્થિતિમાં અહીં પીક અવર્સમાં વાહનોની ગતિ ખૂબ જ મંદ પડી જાય છે અને એને કારણે લોકોની રોજિંદી મુસાફરી લાંબી અને કંટાળાજનક બની જાય છે.

ભારતના આ બે શહેરો પણ છે લિસ્ટમાં... 
ભારત માટે આ રિપોર્ટ ચિંતાજનક છે કારણ કે આપણા બે મુખ્ય શહેરો આ વૈશ્વિક યાદીમાં ટોચ પર છે. બેંગલુરુ શહેર આ લિસ્ટમાં બીજા ક્રમે છે. દેશના આઈટી હબ તરીકે ઓળખાતા આ બેંગલુરુમાં વાહનોની સંખ્યા વિસ્ફોટક રીતે વધી છે, જેના કારણે સરેરાશ સ્પીડ 17 કિલોમીટર પ્રતિ કલાકથી પણ ઓછી થઈ જાય છે. આ સિવાય સાંકડા રસ્તાઓ અને સતત ચાલતું બાંધકામ અહીંની સ્થિતિ માટેના મોટા પડકાર છે.

આઈટી હબ બેંગલુરુ સિવાય આ લિસ્ટમાં બીજું ભારતીય શહેર પુણેનો સમાવેશ પણ થાય છે. મહારાષ્ટ્રના પુણે શહેરને રાજ્યની કલ્ચરલ કેપિટલ ગણાય છે. એજ્યુકેશન અને આઈટી સેક્ટરના વિસ્તારને કારણે અહીં વાહનોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે અહીંના લોકોનો વર્ષે અંદાજે 150 કલાક ટ્રાફિક જામમાં વેડફાઈ જાય છે.

વિશ્વના અન્ય શહેરોમાં પણ છે સરખી પરિસ્થિતિ
આયર્લેન્ડની રાજધાની ડબલિન આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યાં લોકો વાર્ષિક 200 કલાક ટ્રાફિકમાં વિતાવે છે. પોલેન્ડના લોડ્ઝ અને લુબ્લિનમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને કારણે ભારે જામ રહે છે. દક્ષિણ અમેરિકામાં પેરુનું લીમા શહેર સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ગણાય છે. જ્યારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં રેલ નેટવર્ક હોવા છતાં ખાનગી વાહનોની સંખ્યાને કારણે રસ્તાઓ પર દબાણ ઘટતું નથી.

ટ્રાફિક જામની ગંભીર અસરો
વાત કરીએ ટ્રાફિક જામની ગંભીર અસરની તો ટ્રાફિક જામનો  અર્થ માત્ર મોડા પહોંચવું નથી. તેનાથી બળતણનો વપરાશ વધે છે, જેનાથી આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત, વાહનોના ધુમાડાથી વાયુ પ્રદૂષણમાં મોટો વધારો થાય છે અને સતત જામમાં રહેવાથી લોકોમાં માનસિક તણાવ અને ચીડિયાપણું વધે છે. ટ્રાફિક હવે માત્ર સ્થાનિક નહીં પણ ગ્લોબલ પ્રોબ્લેમ બની ચૂકી છે.