દિવ્યકાંત પંડ્યા
દર વર્ષે પાંચ જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ (વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે) આવે ત્યારે સરકારો નવી યોજનાઓ જાહેર કરે છે, પર્યાવરણપ્રેમીઓ અભિયાન ચલાવે છે અને સોશ્યલ મીડિયામાં પૃથ્વીને બચાવવા અંગેની પોસ્ટ્સ છવાઈ જાય છે.
હકીકતમાં જોવામાં આવે તો પર્યાવરણ વિશેની સમજ ઘણા લોકોને વૈજ્ઞાનિક અહેવાલો કે સરકારી દસ્તાવેજોમાંથી નહીં, પરંતુ સિનેમામાંથી મળે છે. ફિલ્મ્સ વર્ષોથી લોકોની કલ્પનાઓને આકાર આપતી આવી છે, તેમની માનસિકતા પર અસર કરતી આવી છે અને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ શરૂ કરાવતી આવી છે. દાયકાઓથી દુનિયાભરના ફિલ્મસર્જકો પ્રકૃતિ અને માનવજાત વચ્ચેના સંબંધને પોતાની વાર્તાઓમાં રજૂ કરતા આવ્યા છે. ઘણી ફિલ્મ્સ લાલચ, કુદરતી સંસાધનોના શોષણ અને પર્યાવરણ પ્રત્યેની બેદરકારીનાં પરિણામો વિશે ચેતવણી આપે છે.
આ બધા વચ્ચે સિનેમાની સૌથી મોટી શક્તિ એ છે કે તે કૉમ્પ્લેક્સ જટિલ લાગતા વિષયોને ભાવનાત્મક અનુભવોમાં ફેરવી દે છે. કદાચ બહુ ઓછા લોકો જલવાયુ પરિવર્તન અથવા જૈવવિવિધતાના નુકસાન અંગેના લાંબા અહેવાલો વાંચે, પરંતુ જ્યારે એ જ મુદ્દાઓ પાત્રો અને તેમની લાગણીઓ દ્વારા થિયેટરમાં રજૂ થાય ત્યારે તે સીધા દિલ સુધી પહોંચે છે.
આ બાબતનું સૌથી મોટું ઉદાહરણ જેમ્સ કેમેરોનની ફિલ્મ ‘એવેટાર’ (હા, ‘અવતાર’ નહીં) છે. બહારથી જોતાં આ એક ફેન્ટેસી-ઍડ્વેન્ચર ફિલ્મ લાગે છે, પરંતુ તેની અંદર પર્યાવરણ સંબંધિત મજબૂત સંદેશ છુપાયેલો છે. ‘એવેટાર’ની ખાસ વાત એ હતી કે તેણે પર્યાવરણનો સંદેશ એવા દર્શકો સુધી પહોંચાડ્યો જે કદાચ પર્યાવરણ વિષયક કોઈ ફિલ્મ જોવા ખાસ ન જતા હોય. દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ્સમાં સ્થાન મેળવ્યા પછી તેણે સાબિત કર્યું કે પર્યાવરણ જેવા વિષયો પણ મેઈનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ બની શકે છે.
ઍનિમેશન ફિલ્મ્સે પણ પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પિક્સાર ની ‘વોલ-ઈ’ કદાચ અત્યાર સુધીની સૌથી અસરકારક પર્યાવરણીય ફિલ્મ્સમાંની એક ગણાય. કચરાના ઢગલાઓથી ઢંકાયેલી પૃથ્વીની તેની ફ્યુચર ઇમેજિનેશન એક રીતે રમૂજી પણ છે અને ચિંતાજનક પણ. કોઈ ઉપદેશ આપ્યા વગર ફિલ્મ ગ્રાહકવાદ, વધુપડતા વપરાશ અને ટેક્નૉલૉજી પર વધતી નિર્ભરતા જેવા મુદ્દાઓ પર વિચાર કરવા મજબૂર કરે છે. ફિલ્મ રિલીઝ થયાને વર્ષો વીતી ગયા હોવા છતાં કચરા અને ટકાઉ જીવનશૈલી અંગેની ચર્ચાઓમાં ‘વોલ-ઈ’નો ઉલ્લેખ હજુ પણ થાય છે. આ જ સિનેમાની અસર છે.
બીજી બાજુ, કેટલીક ફિલ્મ્સ પર્યાવરણના મુદ્દાઓને વધુ વાસ્તવિક રીતે રજૂ કરે છે. ‘એરિન બ્રોકોવિચ’ એવી જ એક ફિલ્મ છે. એક સાચી ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ એક કંપની દ્વારા પાણીના પ્રદૂષણ સામે લડાયેલા કાનૂની સંઘર્ષની વાત કરે છે. આ ફિલ્મ બતાવે છે કે પર્યાવરણનો પ્રશ્ન માત્ર બરફ ઓગળવાનો કે વરસાદી જંગલોનો જ નથી. તે સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા અને સામાન્ય લોકોના આરોગ્ય સાથે પણ સીધો સંબંધ ધરાવે છે.
હોલિવૂડ વારંવાર પર્યાવરણ સંબંધિત વિષયો તરફ પાછું ફરતું રહ્યું છે. ‘ધ ડે આફ્ટર ટુમોરો’એ જલવાયુ પરિવર્તનને એક વિશાળ આપત્તિની ફિલ્મના સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તેનાં વૈજ્ઞાનિક તથ્યો અંગે ચર્ચાઓ થઈ હતી, પરંતુ એ વાત નકારી શકાય નહીં કે આ ફિલ્મે જલવાયુ પરિવર્તનને મુખ્ય પ્રવાહની ચર્ચાનો વિષય બનાવવામાં મદદ કરી હતી. તાજેતરમાં આવેલી ‘ડોન્ટ લુક અપ’એ વ્યંગાત્મક રીતે બતાવ્યું કે માનવ સમાજ કેવી રીતે પોતાના અસ્તિત્વ માટેનાં જોખમોને અવગણે છે.
વિશ્વ સિનેમામાં પણ પર્યાવરણ અંગેની અનેક યાદગાર ફિલ્મ્સ જોવા મળે છે. જાપાનની એનિમેશન ક્લાસિક ‘પ્રિન્સેસ મોનોનોકે’ ઔદ્યોગિક વિકાસ અને કુદરતના સંરક્ષણ વચ્ચેના સંઘર્ષને અત્યંત સંવેદનશીલ રીતે રજૂ કરે છે. દિગ્દર્શક હાયાઓ મિયાઝાકીની બીજી ફિલ્મ ‘નૌસિકા ઑફ ધ વેલી ઑફ ધ વિન્ડ’માં પણ માનવજાત અને કુદરત વચ્ચેના સંબંધને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે.
આજ રીતે ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સે તો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિમાં સીધી અસર પેદા કરી છે. ‘એન ઇનકન્વિનિયન્ટ ટ્રુથ’એ એન્વાયર્નમેન્ટ અંગેની ચર્ચાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ ‘માય ઑક્ટોપસ ટીચર’, ‘સીસ્પિરસી’ અને ડેવિડ એટનબરોની ‘અ લાઇફ ઑન અવર પ્લેનેટ’ જેવી ફિલ્મ્સે લોકોને ફરી કુદરતી વિશ્વ સાથે ઇમોશનલી જોડ્યા છે. આ ફિલ્મ્સ સાબિત કરે છે કે પર્યાવરણ અંગે વાત કરવા માટે હંમેશાં કલ્પિત દુનિયા કે વિનાશકારી દૃશ્યોની જરૂર નથી પડતી. ઘણીવાર કુદરતની સુંદરતા અને તેની નાજુકતા બતાવવી જ પૂરતી હોય છે.
આ બધા વચ્ચે ભારતીય સિનેમાએ પર્યાવરણના મુદ્દાઓને પ્રમાણમાં ઓછું સ્થાન આપ્યું છે, પરંતુ જ્યારે આપ્યું છે ત્યારે અસરકારક રીતે આપ્યું છે. ‘કડવી હવા’એ જલવાયુ પરિવર્તનના કારણે પ્રભાવિત થતા સામાન્ય લોકોની વાત કરી હતી. આ ફિલ્મે બતાવ્યું કે પર્યાવરણ માત્ર વૈશ્વિક ચર્ચાનો વિષય નથી, પરંતુ ગામડાંઓ અને ખેડૂતોના જીવનને અસર કરતી વાસ્તવિક સમસ્યા છે.
‘શેરની’એ વન્યજીવન સંરક્ષણ, સરકારી તંત્ર અને વિકાસ વચ્ચેના જટિલ સંબંધોને રજૂ કર્યા હતા.
આ વિશ્વ પર્યાવરણ દિવસે એ વાત યાદ રાખવાની જરૂર છે કે દરેક મોટું પરિવર્તન કલ્પના અને વિચારથી શરૂ થાય છે. તેની પાછળ સિનેમા હોઈ શકે છે. તેમ છતાં સિનેમાની શક્તિને સમજવી જરૂરી છે. માત્ર ફિલ્મ્સ જોઈને દુનિયા બદલાઈ જતી નથી. ‘એવેટાર’ જોવાથી કોઈ વ્યક્તિ પર્યાવરણપ્રેમી બની શકે, પણ વાસ્તવિક પરિવર્તન માટે નીતિઓ, શિક્ષણ, સામાજિક આંદોલનો અને સામૂહિક પ્રયાસોની જરૂર પડે છે, પરંતુ ફિલ્મ્સ એક અલગ અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે લોકોની સમસ્યાઓને જોવાની દૃષ્ટિ બદલે છે.
લાસ્ટ શૉટ
‘પૃથ્વી એ એવી એકમાત્ર વસ્તુ છે જે આપણા બધા માટે સમાન છે.’ વેન્ડેલ બેરી