Fri May 15 2026

Logo

બીજાની તકલીફ સમજ્યા વગરની જીદ શા માટે...?

2026-05-14 10:31:00
Author: Neela Sanghavi
Article Image

નીલા સંઘવી

હમણાં જ આપણે ‘મધર્સ ડે’ ઊજવ્યો. જોકે આવા બધા ‘ડે’ વિદેશમાં ઊજવાતા હોય છે. તેમનું જોઈને આપણે પણ આવા ‘ડે’ ઊજવવાનું શરૂ કર્યું છે. આપણે તો વર્ષોથી માતૃત્વને- માતાને ઊજવીએ છીએ તેથી જ તો કવિ શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર લખે છે.

‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જાડે સખી! નહીં જડે રે લોલ.’

‘જનની’, ‘માતા’નું મહત્ત્વ આપણાં જીવનમાં અદકેરું છે. ‘મા’ને પોતાના સંતાન પર એટલો પ્રેમ હોય છે કે માતા હંમેશાં ઇચ્છે છે કે તેનું સંતાન તેને રોજ મળવા આવે અથવા તો બની શકે તેટલી વધારે વખત પોતાની સાથે વિતાવે.

માતાની આ ‘ચાહ’ હોય છે, પણ આજના સમયમાં તે શક્ય નથી. સંતાનો પણ બહુ વ્યસ્ત છે, સતત સ્ટ્રેસમાં છે. માને એ વાત સમજાતી નથી. તેને એવું લાગે છે કે મારાં દીકરા/દીકરીને મારી સાથે લેવા દેવા નથી. તેમને મારી કાંઈ પડી નથી. તે બધા તો પોતાની જિંદગીમાં મોજ મજા કરી રહ્યા છે. તેમને માની યાદ આવતી નથી.   

સરલાબહેન એક એવી જ માતા છે. તેમનું એક માત્ર સંતાન એટલે સલોની. સલોની 15 વર્ષની થઈ ત્યારે જ  પિતાનો સ્વર્ગવાસ થયેલો. ત્યાર બાદ સરલાબહેને જ સલોનીને બહુ પ્રેમથી એકલા હાથે ઉછેરી હતી. ભણાવીગણાવીને સારા ઘેર પરણાવેલી. સરલાબહેન રહે ભાવનગરની બાજુના નાના ગામમાં અને દીકરીને પરણાવી મુંબઈ.

સલોની મુંબઈમાં રહેતા મધ્યવર્ગ પરિવારના સૂરજ સાથે પરણી હતી. બન્ને જૉબ કરતાં, સૂરજ પણ શિક્ષિત હતો તેથી સારી નોકરી હતી અને સલોની સ્કૂલમાં શિક્ષિકા હતી. તેમને એક દીકરી, એક દીકરો એમ બે સંતાન. સલોની અને એના પતિની આવક ઠીકઠાક હતી પણ કહેવાય છે ને કે ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ એમ બે સંતાનના ભણવાનો ખર્ચ, મુંબઈની રહેણીકરણી બધું મળીને ખર્ચ કરતા જેટલી આવક આવતી તે બધી સ્વાહા થઈ જતી હતી. 

સલોનીના ખભે બેવડો ભાર હતો. ઘર-પરિવાર-વર-વ્યવહાર-બાળકો બધું સંભાળતાં સંભાળતાં નોકરી કરવાની. તેની પાસે એક મિનિટનો સમય ન રહેતો. આ બધાં કામની સમતુલા જાળવતાં જાળવતાં રાત પડે ત્યારે સલોની હાંફી જતી. આવા ટાઇટ સમયપત્રક વચ્ચે રોજ પોતાની જ માતા સાથે વાત કરી શકવાનું શક્ય ન હતું. બે-ચાર દિવસે એકવાર મા સાથે વાત કરી શકાય એ પણ થોડીવાર... એમાં સરલાબાને ઓછું આવી જતું. કદીક કદીક સરલાબહેન થોડા સાજાંમાંદાં થાય ત્યારે સલોનીને ફોન કરતાં અને સલોની થોડા દિવસ ભાવનગર પોતાની પાસે આવીને રહે તેવી જીદ કરતાં. 

સલોની માને સમજાવવાનો પ્રયત્ન કરતી કે તે આવી શકે તેમ નથી. વળી નોકરીમાં રજા પણ લઈ શકે તેમ નથી. રજા  લે  તો પગાર કપાય તે એને પોષાય તેમ નથી. પણ સરલાબહેનને આવી વાતો સમજાતી ન હતી. તેમની તો એક જ જીદ હતી કે પોતે એકલાં છે અને જગતમાં પોતાનું કહી શકાય તેવી એક માત્ર દીકરી જ છે તો તેણે વર્ષમાં બે-ત્રણ વાર પોતાને મળવા આવવું જ જોઈએ. તે સલોનીને પોતાની પાસે ગામમાં આવવાનો આગ્રહ કરતાં રહેતાં તેને કારણે સલોનીને વધારે સ્ટ્રેસ થતું. આના કારણે સલોની બીમાર પડી. તાવ ઊતરવાનું નામ લેતો ન હતો. સૂરજે સરલા બહેનને ફોન કર્યો. 

દીકરીના ઘરે ન રહેવાય, તેના ઘરનું પાણી ન પીવાય તેવી માન્યતા ધરાવતાં સરલાબહેન દીકરીની બીમારીના સમાચાર સાંભળીને મુંબઈ દોડી આવ્યાં. બે-ત્રણ દિવસ દીકરીની સુશ્રુષા કરીને ઊભી કરી દીધી. સલોની પાછી પોતાની રુટિન લાઈફ જીવવા લાગી. સરલાબહેન બધું જોતાં. સવારના સાડાપાંચ વાગે ઊઠેલી સલોની રાત્રે બાર વાગે સૂવા પામતી. આખા ઘરની વ્યવસ્થા સંભાળીને નોકરી કરતી પોતાની દીકરીનો સંઘર્ષ સરલાબહેને જોયો. 

હવે તેમને સમજણ પડી ગઈ કે આટલા વ્યસ્ત સમયપત્રકમાં જીવતી પોતાની દીકરી કઈ રીતે ગામમાં પોતાને મળવા વારંવાર આવી શકે? ! છતાંયે વર્ષમાં એકવાર વેકેશનમાં સમય ચોરીને પણ આવવાની કોશિશ સલોની કરતી હતી તે સરલાબહેનને યાદ આવ્યું અને તેમને પસ્તાવો થવા લાગ્યો કે પોતે પોતાની દીકરીની તકલીફ સમજ્યા વગર જીદ કરતાં રહ્યાં. થોડા દિવસ દીકરી પાસે રોકાઈને સરલાબહેન પોતાને ગામ જવા રવાના થયા ત્યારે જતાં જતાં કહ્યું, 

‘સલોની બેટા, મને માફ કરજે. તારી તકલીફ સમજવા વગર તને બોલાવ બોલાવ કરતી રહી તેને લીધે તારા સ્ટ્રેસમાં વધારો થયો. અને દીકરીના ઘરે રહેવાય નહીં એવી ખોટી માન્યતાને કારણે તને બોલાવતી રહી. હવે જીદ નહીં કરું. તને મળવાનું મન થશે ત્યારે હું જ આવી જઈશ.

માની વાત સાંભળીને સલોની માને ભેટી પડી.