Tue Jul 07 2026

Logo

સિલેક્ટરો સૅમસનને કેમ ઝિમ્બાબ્વેના પ્રવાસે નથી મોકલવાના?

2026-07-07 16:24:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ સંજુ સૅમસન માર્ચ મહિનાના ટી-20 વર્લ્ડ કપનો સુપરસ્ટાર બૅટ્સમૅન હતો, પરંતુ આયરલૅન્ડમાં ફ્લૉપ જવાને કારણે તેને ઇંગ્લૅન્ડમાં સિરીઝની બીજી ટી-20માં પડતો મૂકવામાં આવ્યો અને હવે તો ઝિમ્બાબ્વે (Zimbabwe) પ્રવાસની ટીમમાં પણ સામેલ નથી કરવામાં આવ્યો એટલે તેની બૅક-ટુ-બૅક બાદબાકીનો મુદ્દો ચર્ચાસ્પદ થયો છે એવામાં આ નિર્ણય વિશે એક કારણ ધ્યાનમાં આવ્યું છે.

ઓપનિંગ બૅટ્સમૅન સૅમસન (Samson) સહિત છ ખેલાડીને ઝિમ્બાબ્વેના ટી-20 પ્રવાસે નથી મોકલવાના. બીજા પાંચ ખેલાડીમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વૉશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈનો સમાવેશ છે. ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ પ્રવાસ પછી ચાર જ દિવસ બાદ ઝિમ્બાબ્વેના હરારેમાં સિરીઝ શરૂ થશે જેમાં 23, 25 અને 26મી જુલાઈએ ટી-20 રમાશે.

સૅમસને માર્ચના વિશ્વ કપની છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં અનુક્રમે અણનમ 97, 89 અને 89 રન બનાવ્યા હતા, પણ ત્યાર બાદ હવે આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ સામેની કુલ ત્રણ મૅચમાં તેના સ્કોર 5, 0 અને 1 છે. આ જોતાં હમણાં તેને ટી-20 ટીમથી દૂર કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા હતી, પણ એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ આ જ મહિને ઝિમ્બાબ્વેમાં રમાનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝમાં સિલેક્ટરો બે સિનિયર વિકેટકીપર-બૅટ્સમેનને નહોતા મોકલવા માગતા એટલે તેમણે સૅમસનની ટીમમાંથી બાદબાકી કરવાનો નિર્ણય લીધો.

જોકે સૅમસનને સપ્ટેમ્બરમાં જાપાનમાં રમાનારી એશિયન ગેમ્સ માટેની ટીમમાં સમાવવામાં આવ્યો જ છે એટલે તેને સાવ અવગણવામાં નથી આવ્યો. ઝિમ્બાબ્વેની ટૂર પર ઇશાન કિશન અને નવા વિકેટકીપર-બૅટ્સમૅન પ્રભસિમરન સિંહને મોકલવામાં આવશે. પ્રભસિમરન છેલ્લી બે આઇપીએલ સીઝનમાં પંજાબ કિંગ્સ વતી ઘણું સારું રમ્યો છે. તે ગયા મહિને શ્રીલંકામાં ઇન્ડિયા-એ વતી પણ સારું રમ્યો હતો.