કૌશિક મહેતા
ડિયર હની,
આપણા લગ્ન બાદ તારું પિયર જવું એ મને ગમતી વાત નહોતી. હા, એટલું સારું હતું કે, તારું પિયર અને તારું સાસરું એક જ શહેરમાં છે. પણ તું થોડા દિવસ પણ પિયર જતી અને મને થતું કે પછી ક્યારે આવીશ? પેલા જોક તો ઠીક છે, જેમાં પત્ની પિયર જતી હોય ત્યારે પતિ બહુ રાજી થતો હોય ...પણ સાચી વાત એ છે કે, પત્નીને પિયર ગયાને ચાર- પાંચ દિવસ થાય ત્યાં પતિને પત્નીની ગેરહાજરી સાલવા લાગે છે. મોટાભાગના પતિની હાલત લગભગ એકસરખી હોય છે , પણ લગ્નના અમુક વર્ષો વીતે પછી સ્થિતિ બદલાઈ જાય છે. પત્નીને પછી પિયર જવા માટેનું ખેંચાણ ઓછું થતું જાય છે.
તારી જ વાત કરું તો તારું પિયર આપણા ઘરથી બહુ દૂર નથી. પણ લગ્નના ત્રણ દાયકા બાદ હવે તું પિયર જવાની વાત આવે તો બહુ ઉત્સાહિત નથી હોતી. તારી મમ્મી તને કહે કે, થોડા દિવસ રોકાવા માટે કહે તો પણ તું તૈયાર નથી થતી. એકાદ દિવસ જાય કે પછી સવારે જાય ને રાતે પાછી આવી જાય છે. આને લઈને હું તારી મજાક પણ કરું છે કે, થોડા દિવસ તું માવતર જા તો મને વેકેશન જેવું મળે...પણ મુદો એ છે કે, લગ્નનાં અમુક વર્ષો પછી પત્નીને ખુદ પિયર જવું કેમ ઓછું ગમે છે?
આ મુદો, સમજવા જેવો છે -ચર્ચવા જેવો છે ...
પત્નીને શરૂઆતમાં પિયર એ ‘પોતાનું ઘર સારુ લાગે છે ને સાસરું પારકું..’ પણ સમય વીતે, બાળકો મોટા થાય, અને ઘરની જવાબદારીઓ વધે તેમ પત્ની માટે તેનું પોતાનું ઘર (સાસરું) જ તેના જીવનનું કેન્દ્ર બની જાય છે. બાળકોના અભ્યાસ, પતિની જરૂરિયાતો અને ઘરના સંચાલન વચ્ચે પિયર જવા માટે લાંબો સમય કાઢવો અઘરો બને છે.
બીજું એક કારણ એ ય છે કે, એ એક કડવું પણ સત્ય છે કે સમય જતાં પિયરમાં ભાઈઓના લગ્ન થાય છે, ભાભીઓ આવે છે.
માતા-પિતા હોય ત્યાં સુધી પિયર જવાનો હક અને ખેંચાણ વધારે હોય છે, પણ માતા-પિતાની વિદાય પછી પત્નીને લાગે છે કે હવે ભાઈ-ભાભીના જીવનમાં પોતે એક મહેમાન છે. ત્યાંની વ્યવસ્થા હવે તેની મરજી મુજબની નથી હોતી. માં-બાપ હોય ત્યારે પિયર જાવ ત્યારે મા ખબરઅંતર પૂછે, પિતા પૂછે કે કોઈ તકલીફ તો નથી ને, આજે તારું ભાવતું બનાવ્યું છે, તે જમી લીધું? ...આવું પૂછનાર માતા-પિતાના ગયા પછી કોઈ નથી હોતું. આ તફાવત પત્નીને પિયર જતા રોકે છે.
બીજી તરફ, સ્ત્રી પિયર જવાનું ઓછું કરે એનો અર્થ એ નથી કે તેને પિયર પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે, પણ એનો અર્થ એ છે કે તેણે હવે સાસરાને સંપૂર્ણપણે પોતાનું કરી લીધું છે. હવે તે અહીં મહેમાન નથી, પણ આ ઘરનો પાયો છે. મા-બાપની હાજરીમાં એને જે ઓથ અને હકની હૂંફ મળે છે તે મા-બાપના ગયા પછી ઓગળી જાય છે. માતા-પિતા હોય ત્યાં સુધી દીકરી પિયરમાં ઘરની સભ્ય તરીકે ગમે ત્યારે રસોડામાં જઈ શકે, ગમે તે ડબ્બો ખોલીને ખાઈ શકે , પણ મા-બાપ પછી એ ભાઈ-ભાભીના ઘરે એ મહેમાન બની જાય છે...
હવે એને પૂછીને કામ કરવું પડે છે અથવા તો ભાભીની મર્યાદા રાખવી પડે છે.આ ઔપચારિકતા દીકરીને અંદરથી ખૂંચે છે. ભાઈ-ભાભીનો પ્રેમ હોય તો પણ મા-બાપની જગ્યા ક્યારેય ભરાતી નથી. મા-બાપ હોય ત્યાં સુધી દીકરી પિયરમાં લાંબો સમય રોકાઈ શકે છે, પણ મા-બાપ વિના એને એમ લાગે છે કે લાંબુ રોકાવાથી ભાઈ-ભાભીને તકલીફ પડશે અથવા તેમની પ્રાઈવસીમાં દખલ થશે. આ સંકોચ તેને પિયર જતી રોકે છે.
એટલું જ નહિ, પોતાના સાસરે એક પ્રકારે બધી અનુકુળતા થઇ ગઈ હોય છે. પહેલા જે પારકું લાગતું હતું એ સાસરું હવે પોતીકું બની ગયું છે. સ્ત્રી એના ઘરની નેતા હોય છે. ઘરના દરેક ખૂણામાં એનો સ્પર્શ વર્તાય છે. પિયરમાં જે હતું એ મૂકી આવી અને સાસરામાં જે છે બધું અપનાવી લીધું અને પછી પોતાની રીતે એમાં બદલાવ પણ કરે છે. એક કમ્ફોટ ઝોન બની જાય છે સાસરું પત્ની માટે. પછી એ પોતીકું ઘર બની જાય છે. સંતાનો મોટા થતા જાય છે. એમના ઉછેરમાં સમય જતો હોય છે. આ બધું સહજ રીતે બનતું જાય છે. કોઈ સ્ત્રી જ આવું કરી શકે. પુરુષનો આ સ્વભાવ નથી.
પણ સાચું કહું તો અમુક સમયે પિયરે જવું જોઈએ. એનાથી એક જુદી ફિલ-હૂંફ મળે છે. જેમ ઘરથી દૂર ફરવા જઈએ અને થોડા રીલેક્સ થવાય છે એમ જ પત્ની એના પિયર જાય ત્યારે એને થોડી રાહત મળે છે. મા-બાપ પણ દીકરી આવે એવું ઇચ્છતા હોય છે. ભાઈ પણ બહેન વેકેશનમાં આવે એવી ઇચ્છા રાખે છે. અને સંતાનોને પણ મામાને ઘેર જવાની તાલાવેલી રહે. જોકે, હવે એ ઓછું થઇ ગયું છે. આ એક સામાજિક વ્યવસ્થા એવી હતી કે જે હવે તૂટતી જાય છે. ગમે તે કહો, પત્નીએ પિયર જવું જોઈએ. એ એના માટે તે એક હવાફેર છે.
તારો બન્ની.