Tue Jun 16 2026

Logo

જગન્નાથ પૂરીમાં કેમ પૂજાય છે ભગવાનની અધૂરી મૂર્તિઓ?  જાણો શું છે રોચક ઇતિહાસ....

2026-06-16 18:36:11
Author: Devayat Khatana
Article Image

પુરી: ઓડિશાના પૂરીમાં દર વર્ષે અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય અને વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ રથયાત્રા ઉત્સવની ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે. આ પાવન અવસરે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો દિવ્ય શ્રૃંગાર કરીને તેમને વિશાળ રથોમાં બિરાજમાન કરવામાં આવે છે. આ અલૌકિક ઉત્સવનો લ્હાવો લેવા અને ભગવાનના રથની દોરી ખેંચીને પુણ્યનું ભાથું ભરવા માટે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. મોક્ષ નગરી ગણાતા જગન્નાથ પૂરીના આ મંદિર સાથે અનેક આશ્ચર્યજનક માન્યતાઓ અને રહસ્યો જોડાયેલા છે. આ રહસ્યોમાં સૌથી મોટું કૌતુક એ છે કે મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ હસ્ત-ચરણ વગરની એટલે કે અધૂરી છે, જેની સદીઓથી સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પૂજા થાય છે.

આ અધૂરી મૂર્તિઓ પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. એકવાર પ્રભુ શ્રીકૃષ્ણ નિદ્રામાં રાધારાણીનું નામ પુકારવા લાગ્યા, જેથી ઉત્સુક બનેલી રાણીઓની જીદ પર માતા રોહિણી તેમને કૃષ્ણ-રાધાની લીલા સંભળાવવા તૈયાર થયા. કોઈ અંદર ન આવે તે માટે સુભદ્રાને દ્વાર પર પહેરો આપવા ઊભા રાખવામાં આવ્યા. થોડી જ વારમાં ત્યાં શ્રીકૃષ્ણ અને બલરામ આવ્યા, પરંતુ સુભદ્રાએ તેમને દ્વાર પર જ રોકી રાખ્યા. જોકે, અંદરથી આવતી રાધા-કૃષ્ણની પ્રેમકથાના દિવ્ય અવાજમાં ત્રણેય ભાઈ-બહેન એટલા લીન થઈ ગયા કે ભક્તિભાવના અતિરેકમાં તેમના હાથ-પગ અદ્રશ્ય થવા લાગ્યા અને શરીર સંકોચાઈ ગયું. આ અવસ્થા જોઈ દેવર્ષિ નારદે ભગવાનને પ્રાર્થના કરી કે તમે સામાન્ય જનતાના કલ્યાણ માટે પૃથ્વી પર હંમેશા આ જ ભાવ-સ્વરૂપે બિરાજમાન રહો, જેનો ભગવાને સ્વીકાર કર્યો.

આ વચનને પૂરું કરવા માટે પાછળથી રાજા ઇન્દ્રદ્યુમ્નની વિનંતી પર ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરીને મૂર્તિઓ બનાવવા આવ્યા. તેમણે રાજા સમક્ષ શરત મૂકી કે તેઓ 21 દિવસમાં એક બંધ ઓરડામાં એકલા જ મૂર્તિઓ તૈયાર કરશે અને આ દરમિયાન કોઈએ દરવાજો ખોલવો નહીં. રાજાએ શરત સ્વીકારી અને ઓરડામાંથી રોજ હથોડી-છેણીનો અવાજ આવતો રહ્યો. 

જો કે એક દિવસ અચાનક અવાજ આવતો બંધ થઈ જતાં રાજા ચિંતિત થઈ ગયા કે ક્યાંક વૃદ્ધ કારીગરને કંઈ થયું તો નથી ને! વ્યાકુળતામાં રાજા શરત ભૂલી ગયા અને ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો. તે જ ક્ષણે ભગવાન વિશ્વકર્મા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને ઓરડામાં ત્રણેય મૂર્તિઓ અધૂરી જ રહી ગઈ. રાજાને પશ્ચાતાપ થયો, પણ તેને પ્રભુની ઈચ્છા માનીને જગન્નાથજી, સુભદ્રા અને બલભદ્રની એ જ અધૂરી મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરી દીધી હતી. આ કારણે જ જગન્નાથ પૂરીમાં ભગવાનની મૂર્તિઓ હસ્ત-ચરણ વગરની જ છે અને તેની જ પૂજા કરવામાં આવે છે.