નવી દિલ્હીઃ માર્ચમાં ટી-20નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓ આઇપીએલમાં ચમક્યા, પણ ત્યાર બાદ ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સનો અચાનક રકાસ થયો અને આયરલૅન્ડમાં 0-2થી અને ઇંગ્લૅન્ડમાં 0-4થી ભારતનો ઘોર પરાજય થયો એટલે અનેક સવાલો ઊભા થયા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે હવે ખેલાડીઓને બદલે આઇપીએલ (IPL)ના માહોલને અને સિલેક્શનની પ્રક્રિયાને નિશાન બનાવ્યા છે. માંજરેકર (Manjrekar)નું એવું માનવું છે કે આઇપીએલ ભારતીય બૅટ્સમેનોની અસલી ક્ષમતા પર `ભારે મેકઅપ' લગાવી દે છે.
બૅટિંગ માટે અનુકૂળ પિચો અને પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કરવાવાળા ભારતીય ખેલાડીઓ જ્યારે વિદેશમાં સ્વિંગ, સીમ તથા ઉછાળનો સામનો કરે છે ત્યારે તેમની નબળાઈઓ સામે આવી જાય છે. સિલેક્ટરોએ હવેથી માત્ર આઇપીએલના પ્રદર્શનને આધારે ખેલાડીઓની પસંદગી ન કરવી જોઈએ. એ ખેલાડી વિદેશી ધરતી પર મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલી હદે કારગત નીવડશે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આઇપીએલના `ભારે મેકઅપ'ને આધારે ખેલાડીઓનું સિલેક્શન ન થવું જોઈએ. તેમની ક્ષમતા તેમ જ મુશ્કેલ પિચો પર કેવું રમી શકે એને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.
ગૌતમ ગંભીરે માર્ચના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયનપદ બાદ અને શ્રેયસ ઐયરે કૅપ્ટન્સીમાં નવી શરૂઆત કરી, પણ બૅક-ટુ-બૅક સિરીઝમાં નામોશી જોવી પડી.
માંજરેકરે `એક્સ' પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેનું એવું પણ માનવું છે કે `માત્ર ખેલાડીઓને જવાબદાર ગણીએ એ સમાધાનનું કોઈ સમાધાન ન કહેવાય. વિદેશમાં જોવી પડેલી આ હાર માટે ખેલાડીઓને જવાબદાર ગણવા એ તો બહુ સહેલું કહેવાય. ખરેખર તો એવા લોકોને જવાબદાર ગણવા જોઈએ જેમણે આઇપીએલને એવી બનાવી દીધી છે જેમાં ભારતીય બૅટ્સમેનો પર ભારી મેકઅપ લગાવી દે છે.' માંજરેકરનું કહેવું એ છે કે ખેલાડીઓ વાસ્તવમાં હોય એના કરતાં વધુ ઉજળી છાપ બતાવવામાં આવતી હોય છે.