(અમારા પ્રતિનિધિ તરફથી)
લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભથાણ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની ગંભીર સમસ્યા સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. તંત્રની બેદરકારીના કારણે ગામલોકો દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, ગ્રામજનોના જણાવ્યા મુજબ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાના કારણે ગામમાં ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ તેમજ ચામડીના રોગો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા તેમજ જ્યાં પાઇપલાઇનમાં લીકેજ અથવા ગટરનું ભંગાણ થયું હોય તે સમારકામ કરાવવાની માંગ કરી હતી. જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.