Fri May 01 2026

Logo

પંજાબને પહેલી વાર પરાજયનો દરવાજો બતાવનાર કોણ છે શુભમ દુબે?

2026-04-29 18:19:43
Author: Ajay Motiwala
Article Image

BCCI


ન્યૂ ચંડીગઢઃ શુભમ દુબે માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) નવી નથી, કારણકે તે ત્રણ વર્ષથી રાજસ્થાન રૉયલ્સ (આરઆર) વતી રમે છે, પરંતુ મંગળવારે અહીં મુલ્લાંપુરના સ્ટેડિયમમાં તે જે યાદગાર ઇનિંગ્સ રમ્યો એને લીધે આ વખતની સીઝનના ઊભરતા સિતારાઓમાં તેનું નામ પણ જોડાઈ ગયું છે. પંજાબ કિંગ્સની ટીમ મંગળવાર પહેલાં અપરાજિત રહેલી આ વખતની એકમાત્ર ટીમ હતી, રાજસ્થાન રૉયલ્સની ટીમ એને હરાવનાર પ્રથમ ટીમ બની છે અને એનો જશ ખાસ કરીને સ્પિનર યશ રાજ પુન્જા (બે વિકેટ) તેમ જ પેસ બોલર્સ જોફ્રા આર્ચર (એક વિકેટ) અને નેન્ડ્રે બર્ગર (એક વિકેટ) ઉપરાંત ઓપનર્સ યશસ્વી જયસ્વાલ (51 રન), વૈભવ સૂર્યવંશી (43 રન), ડૉનોવાન ફરેરા (બાવન અણનમ) ઉપરાંત બૅટ્સમૅન શુભમ દુબે (31 અણનમ)નો પણ સમાવેશ હતો.

5.80 કરોડ પછી હવે 80 લાખ રૂપિયા મળે છે

શુભમ બદરીપ્રસાદ દુબે 31 વર્ષનો છે. તે મહારાષ્ટ્રના યવતમાલનો છે. તે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન છે અને રણજી ટ્રોફીમાં વિદર્ભ વતી રમે છે. રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીએ તેને 80 લાખ રૂપિયામાં મેળવ્યો છે. જોકે 2024ની સીઝન પહેલાં રાજસ્થાને તેને હરાજીમાં 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમે કરીઅરમાં કુલ 41 ટી-20 મૅચમાં 
બે સેન્ચુરીની મદદથી કુલ 808 રન કર્યા છે. શુભમ દુબે (Shubhman Dubey) વિદર્ભની `બાપુના કપ' ટૂર્નામેન્ટથી ફેમસ થયો હતો. તેણે 2023ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 187.28ના સ્ટ્રાઇક-રેટથી 221 રન કર્યા હતા. તેણે 2024ની આઇપીએલમાં 173.68ના સ્ટ્રાઇક-રેટથી અને 2025ની સીઝનમાં 160.60ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા.

આક્રમક બૅટિંગથી ફરેરાને છેક સુધી સાથ આપ્યો

લગભગ 150 ટી-20 મૅચના અનુભવી સાઉથ આફ્રિકન ખેલાડી ડૉનોવાન ફરેરાને શુભમ દુબેએ રાજસ્થાનના વિજય સુધી સાથ આપ્યો હતો. શુભમે ફક્ત 12 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 31 રન કર્યા હતા અને આઉટ નહોતો થયો. તેણે પાંચમી વિકેટ માટે ફરેરા સાથે 77 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

સંગકારાએ બેહદ વખાણ કર્યા છે

રાજસ્થાનના હેડ-કોચ કુમાર સંગકારાએ શુભમ દુબેને ખૂબ જ કુશળતાવાળા બૅટ્સમૅન તરીકે ઓળખાવ્યો છે. અત્યારે સૌનું ધ્યાન વૈભવ પર છે એમાં કોઈ શંકા નથી. કારણ એ છે કે તે અદ્ભુત બૅટસમૅન છે, પણ હું મારી ટીમ પર નજર કરું છું તો મને વૈભવ ઉપરાંત યશસ્વી, રિયાન, જુરેલ, ફરેરા તેમ જ શુભમ દુબેમાં પણ ભરપૂર ટૅલન્ટ દેખાય છે. રવીન્દ્ર જાડેજા અને દાસુન શનાકા પણ ટીમના સ્તંભ છે જ. શુભમ દુબેને પંજાબ સામે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમાડવામાં આવ્યો હતો. સબસ્ટિટ્યૂટ તરીકે મૅચમાં ક્યારે અને કોના બદલે રમાડવામાં આવશે એ નક્કી નથી હોતું એટલે એ માટે આવા ખેલાડીએ હંમેશાં મનને મજબૂત રાખવું પડે છે અને મેદાન પર ઊતરવા માટે તૈયાર રહેવું પડે છે.'