અયોધ્યાઃ રામ મંદિરમાં આવેલા દાનની ચોરીનો મામલો દિવસે દિવસે અણધાર્યા વળાંક લઈ રહ્યો છે. વગર FIRએ ડાયરેક્ટ SITની રચાનાથી અનેક ભાવિકોને ચોંકાવી દીધા છે. મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ શંકાના રડારમાં છે એ વાતના માહોલ વચ્ચે રામ મંદિર ટ્રસ્ટે જ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેની સામે આક્ષેપો હતા એ હવે ફરિયાદીની ભૂમિકામાં આવી ગયા છે.
મામલો અહીંયાથી અટકતો નથી. બેંક સ્ટાફથી લઈને દાનની ગણતરી કરવા માટે આવતા સ્ટાફના યુનિફોર્મમાં ખિસ્સા નથી તો કેશથી લઈને સોના સુધીનું દાન ક્યા અદ્રશ્ય ભોંયરામાંથી ચોરાયું એ સળગતો સવાલ છે. આ બધા વચ્ચે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ પદે બિરાજમાન ચંપત રાયે અચાનક રાજીનામું ધરી દેતા મામલો વધારે ગૂંચવાયો છે.
પદ સ્વીકાર્યા પૂર્વે હતી ઘણી જવાબદારી
ચંપત રાયનું એ કામ સામે આવ્યું છે જે તેમને મહાસચીવનું પદ સ્વીકારતા પહેલા એક યોગદાન તરીકે કર્યું હતું. રાયના રાજીનામા સાથે રામ મંદિરના નિર્માણમાં એના યોગદાનની ચર્ચા થઈ રહી છે. જે વ્યક્તિ ટ્રસ્ટની સૌથી વધારે નજીક હોવાનું માનવામાં આવતા એ જ વ્યક્તિએ પદત્યાગ કરી દીધો છે. જવાબદારી સંભાળતા પહેલા તેઓ શું કરતા અને શું બોલ્યા હતા એ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ચંપત રાયનું નામ રામ મંદિર માટે થયેલા આંદોલનમાં મોખરે હતું, લાંબા સમય સુધી આંદોલન સાથે જોડાયેલું હતું. કાયદાકીય લડાઈ દરમિયાન તેમણે કેટલાક ઐતિહાસિક રેકોર્ડ, દસ્તાવેજી પુરાવા તથા અન્ય એવી ચીજવસ્તુઓને એકઠી કરી રાખી હતી જે મંદિરના સંદર્ભમાં એક પુરાવા કરતા મંદિરના હોવાપણાને વધારે મજબૂત કરતી હતી. જેનો ઉપયોગ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી વકીલોએ કર્યો હતો.
અનેક અભિયાન સાથે જોડાયેલા
વિશ્વ હિન્દુ પરિષદના સિનિયર નેતા અશોક સિંઘલના સૌથી નજીકના વ્યક્તિ મનાતા હતા. આ સાથે તેમણે રામ મંદિર સાથે જોડાયેલા કેટલાક અભિયાનમાં પણ આગળ પડતો ભાગ લીધો હતો. તેઓ ઉત્તર પ્રદેશના બ્રિજનૌર જિલ્લાના ધામપુરમાંથી કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા. એજ્યુકેશન સાથે જોડાયેલા હોવાથી અનેક એવા આયામ પર રિસર્ચનો એમનો અનુભવ રહ્યો છે. કૉલેજની નોકરી બાદ સમગ્ર જીવન સામાજિક અને સંગઠનાત્મક કામમાં સમર્પિત કરી દીધું હતું.
એજ્યુકેશન ક્ષેત્રમાંથી નીકળીને ફૂલ ટાઈમ સંગઠનાત્મક કામ સાથે જોડાયા અને છેક રામ મંદિર ટ્રસ્ટના મહાસચીવ સુધી પહોંચ્યા હતા. વર્ષ 1975માં જ્યારે ઈમરજન્સીનું એલાન થયું એ સમયે એની ધરપકડ કરવામાં આવી હતી. આ પાછળનું કારણ એ હતું કે, તેઓ સંઘમાં સક્રિય સભ્ય હતા. 18 મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ અનેક મોરચા પર કામ કરવાનો નિર્ણય કર્યો હતો.
શું કર્યું જેલમાંથી બાહર આવીને?
જેલમાંથી બાહર આવ્યા બાદ તેમણે સરકારી ટિચિંગની નોકરી છોડી ફૂલ ટાઈમ સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકેની જવાબદારી સ્વીકારી હતી. પ્રચારક બન્યા બાદ પણ અનેક એવી ઝુંબેશ ચલાવી હતી. સંઘ દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓને પણ નિષ્ઠાપૂર્ણ રીતે નિભાવી હતી. આ જ કામ અંતર્ગત વર્ષ 1991માં તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યા પહોંચીને અવધ ક્ષેત્રનું ક્ષેત્રિય સંગઠન મંત્રીનું પદ સંભાળ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ સાથે રહીને વર્ષો સુધી મોટા કહેવાતા કામ પાર પાડ્યા. કેન્દ્રીય સચિવ, સંયુક્ત મહાસચિવ, આંતરરાષ્ટ્રીય મહાસચિવ પછી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા કરી.વિશ્વ હિન્દુ પરિષદમાં લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ અને અસરકારક રણનીતિકાર હોવાથી એમની છાપ વધુ મજબૂત અને તટસ્થ બની હતી. ચંપત રાયને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી તરીકે એટલા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, કારણ કે દાયકાઓ સુધી તેમણે આંદોલન કર્યા અને આંદોલન સાથે જોડાયેલા રહ્યા હતા.
અન્ય કર્મચારી સામે સવાલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ એમ બન્ને સંસ્થાના વિચાર તેમજ કાર્યોનો બહોળો અનુભવ રહ્યો હતો. મંદિર અભિયાન સાથે જોડાયેલા રેકોર્ડ સુરક્ષિત રાખવા સંગઠનાત્મક પ્રયાસમાં એમની ભૂમિકા મોટી હતી. આ ઉપરાંત કાર્યકર્તા, સભ્ય અને અન્ય પદાધિકારીઓ સાથે એમનો તાલમેલ ઘણો સારો હતો.
આ ઉપરાંત અયોધ્યા ક્ષેત્રના દરેક પ્રાંત અને એરિયાથી તેઓ ખૂબ જાણીતા હતા. આ વખતે હવે જ્યારે તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે કેટલાક અન્ય કર્મચારીઓની ભૂમિકા ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. SITનો અંતિમ અને ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે. સમગ્ર SITની ટીમે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ ચર્ચા કરી છે. શ્રદ્ધાળુઓને લોકોને ભરોસો છે કે ચોરી કરનારા બચવાના નથી, કારણ કે આ મામલો સમગ્ર હિન્દુ સમાજને આઘાત આપનારો બની રહ્યો છે.