તહેરાન: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવના કારણે વિશ્વ સ્તરે ગંભીર સંકટ ઊભું થયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જહાજોને પસાર નહિ થવાની માથાકૂટ પૂરી થયા બાદ હવે યમનના હૂતી વિદ્રોહીઓએ 'બાબ અલ-મંડેબ' દરિયાઈ માર્ગને બંધ કરવાની ચીમકી આપી છે, જેના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર પર ખતરો મંડરાઈ રહ્યો છે. જો આ વ્યૂહાત્મક માર્ગ બંધ કરવામાં આવશે, તો યુરોપ અને એશિયા વચ્ચેનો દરિયાઈ વેપાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે, જેની સીધી અસર અનેક દેશોના સપ્લાય ચેઈન પર પડશે.
હૂતી નેતા અબ્દુલ મલિક અલ-હૂતીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના લડાયક દળો કોઈપણ ક્ષણે કાર્યવાહી કરવા માટે સજ્જ છે. નિષ્ણાતો આ ધમકીને ઈરાનની તે રણનીતિના ભાગરૂપે જોઈ રહ્યા છે જેનો હેતુ પશ્ચિમી દેશોની આર્થિક કમર તોડવાનો છે. લાલ સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડતો આ ૨૯ કિલોમીટર પહોળો માર્ગ 'આંસુઓના દ્વાર' તરીકે ઓળખાય છે, કારણ કે સ્વેઝ નહેર તરફ જતા દરેક જહાજ માટે આ સાંકડા માર્ગ પરથી પસાર થવું ફરજિયાત છે.
આ દરિયાઈ માર્ગ બંધ થવાની સૌથી મોટી અસર તેલના ભાવ પર પડી શકે છે, કારણ કે અહીંથી દરરોજ વિશ્વના કુલ પુરવઠાનો ૩૦ ટકા એટલે કે અંદાજે ૮.૮ મિલિયન બેરલ કાચું તેલ પસાર થાય છે. જો આ રસ્તો રોકવામાં આવશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જવાની ભીતિ છે. ઇંધણના ભાવ વધવાને કારણે માત્ર પરિવહન જ મોંઘું નહીં થાય, પરંતુ સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો અને ભયાનક તબક્કો શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિક્ષેપિત થયેલા હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત રીતે ભારતીય જહાજો પસાર થવાની મંજૂરી મળી છે. LPG લઈ જઈ રહેલા ભારતીય બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે શનિવારે આ બાબતની પુષ્ટિ કરી હતી. “શિવાલિક” અને “નંદા દેવી” નામનાં આ જહાજો અંદાજે 92,700 મેટ્રિક ટન LPG લઈને મુંદ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા હોવાની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો ચોથો સૌથી મોટો અને LPGનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ છે. તેહરાન (ઈરાન) દ્વારા દરિયાઈ ટ્રાફિક પર લગભગ સંપૂર્ણ રીતે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારતને સપ્લાયમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.