Tue Oct 06 2026

Logo

4 વર્ષ બાદ કંડલા બંદરે ફરી ધમધમી ઘઉંની નિકાસ; દુબઈ મોકલવામાં આવશે 22,000 મેટ્રિક ટન  જથ્થો

2026-05-06 12:02:00
Author: Mumbai Samachar Team
4 વર્ષ બાદ કંડલા બંદરે ફરી ધમધમી ઘઉંની નિકાસ; દુબઈ મોકલવામાં આવશે 22,000 મેટ્રિક ટન  જથ્થો

ભુજઃ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પરના પ્રતિબંધો બાદ સર્જાયેલી વિકટ સ્થિતિ વચ્ચે, ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ દીનદયાલ પોર્ટ (કંડલા) ખાતેથી ઘઉંની નિકાસની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨ પછી પ્રથમ વખત કંડલા બંદરેથી દુબઈ માટે ઘઉંનો મોટો જથ્થો રવાના થવાની પ્રક્રિયા હાથ ધરાતા બંદરિય ક્ષેત્રમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મળતી વિગતો મુજબ, 'એમ.વી. અન્ના થેરેશા' નામના વિશાળ માલવાહક જહાજમાં ૨૨,૦૦૦ મેટ્રિક ટન ઘઉં ભરવાની કામગીરી આજથી વિધિવત રીતે શરૂ થઈ છે. આ નિકાસ પ્રક્રિયામાં મુખ્ય શિપર તરીકે આઈટીસી લિમિટેડ છે. અગાઉ નિકાસ પર અચાનક પ્રતિબંધ આવતા કંડલા બંદરે ઘઉંનો મોટો જથ્થો ભરાયો હતો, જેનો નિકાલ હવે શરૂ થયો છે.

આ તકે ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે આજે રૂબરૂ પોર્ટની મુલાકાત લઈને લોડિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે કાર્યરત શ્રમિકોની સુરક્ષાને સર્વોપરી ગણાવી હતી. ખાસ કરીને કચ્છની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને તેમણે શ્રમિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને કામ દરમિયાન સ્વાસ્થ્યની તકેદારી રાખવા તેમજ જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, ઘઉંની નિકાસ શરૂ થવાથી પોર્ટની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો થશે અને સંકળાયેલા હિતધારકોને મોટી આર્થિક રાહત મળશે.

(ઉત્સવ વૈદ્ય)