Wed May 06 2026

Logo

અંજારમાં તંત્રનું મેગા ડિમોલિશન: ગંગાનાકા પાસે એસ.ટી. સ્ટેન્ડની જમીન દબાણમુક્ત કરાઈ

2026-05-06 13:57:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ  અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં વર્ષોથી સરકારી જમીન પર થયેલા અતિક્રમણ પર આખરે વહીવટીતંત્રએ ધોંસ બોલાવી હતી. લાંબા સમયની રજૂઆતો બાદ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને કિંમતી સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર-ભુજ માર્ગ પર ગંગાનાકા પાસે મુસાફરોની સુવિધા માટે વર્ષો જૂનું એસ.ટી. બસ સ્ટોપ આવેલું હતું. ૨૦૦૧ના ભૂકંપ બાદ આ બસ સ્ટેશન જર્જરિત હાલતમાં હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. આ તકનો લાભ લઈ કેટલાક તત્વોએ જર્જરિત ઓરડીઓ તોડી પાડીને ત્યાં રાતોરાત પાકી દુકાનો અને કેબિનો ખડકી દીધી હતી. આ ગેરકાયદે બાંધકામ અંગે જાગૃત નાગરિકોએ પુરાવાઓ સાથે તંત્રમાં લેખિત ફરિયાદો કરી હતી.

નાગરિકોની ઉગ્ર રજૂઆતોને પગલે વહીવટીતંત્ર દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જેની મુદત પૂર્ણ થતા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક પાકી દુકાન અને બેથી ત્રણ કેબિનો જમીનદોસ્ત કરી એસ.ટી. સ્ટોપની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

શહેરમાં અન્યત્ર પણ દબાણની બદી વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી છે, ત્યારે તંત્ર માત્ર ગંગાનાકા પુરતું સીમિત ન રહીને શહેરના મુખ્ય માર્ગો અને જાહેર ચોકોમાં થયેલા અન્ય મોટા દબાણો પર ક્યારે કડક કાર્યવાહી કરશે? તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે. હાલમાં તો તંત્રની આ કામગીરીને જાગૃત નાગરિકોએ આવકારી છે.

(ઉત્સવ વૈદ્ય)