અનવર વલિયાણી
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ પદ એ ગુજરાત અને ગુજરાતીના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે.
-ઇસ્વીસનની 15મી સદીમાં થઇ ગયેલા નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના તળાજાના રહેવાસી હતા અને નગર બ્રાહ્મણ હતા.
- કૃષ્ણ ભક્તિમાં તરબોળ નરસિંહ મહેતાએ અનેકાનેક પદો, ભજનો, પ્રભાતિયાં વગેરેની રચના કરેલ અને આજે પણ દરેક ગુજરાતી ઘર અને મંદિરોમાં તેમના ભજનો-કાવ્યો ગવાય છે.
- દરેક ભજનમંડળી કે સત્સંગમાં પણ નરસિંહ મહેતાની રચનાઓ આજે પણ લોકપ્રિય છે.
- આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એ સૌથી પ્રિય ભજન છે, અને બાપુએ આશ્રમ ભજનાવલીમાં તેનો સમાવેશ કરે છે.
- ‘કુંવરબાઇનું મામેરું’, ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ’ વગેરે જેવી અનેક નરસિંહ મહેતાની રચનાઓ આજે 21મી સદીમાં ચંદ્ર પર પગલાં માંડી આવ્યાના જમાનામાં પણ એવી જ લોકપ્રિય છે જયારે બેલગાડાનો યુગ હતો.
- વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ઉપાસના કરનાર ‘વૈષ્ણવ’ કેવો હોય અથવા કેવો વ્યક્તિ વૈષ્ણવજન કહેવાય તેનો આબેહુબ ચિતાર આ સમગ્ર પદમાં કવિએ આપ્યો છે.
- ક્રમબદ્ધ, કાવ્યના પંક્તિઓ વાંચતા જઇએ તેમ તેમ કવિ તેનાં લક્ષણો કે ખાસિયતો જણાવતા જાય છે.
- સમગ્ર રીતે જોઇએ તો પારકાની પીડા જાણી શકનાર.
- બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર,
- બીજાની નિંદા ન કરે તેવો.
- નિર્મળ મનવાળો
- અસત્ય ન બોલે અને
- પારકાની સ્ત્રીને માતાતુલ્ય માને.
- લોભ,
- કામ,
- કપટ,
- ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ કવિના મતે વૈષ્ણવજન કહેવાય છે, અને
- આવી વ્યક્તિ એ પોતે જ તીર્થરૂપ હોય છે, અને
- જેના દર્શન કરવાથી આપણો પણ બેડો પાર થઇ જાય એમ કવિ માને છે.
- વ્હાલા શ્રદ્ધાળુ વાચક બિરાદરો ! આ કાવ્યનો સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરજીએ ખૂબ સરસ રીત ગાયું છે.
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજનની પંક્તિઓ અમે રજૂ કરી છે. જેને વાચકો વાગોળતા રહેશે તો તેમના જીવનમાં એક નવી શક્તિનો સંચાર થશે અને એ ઊર્જા સકારાત્મક અમલ (કર્મ) તરફ દોરી જશે જેનો પ્રયોગ આ લખનારે પોતા પર કરીને અનુભવ્યો છે :
વૈષ્ણજન તો તેને રે કહીયે,
જે પીડ પરાઇ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ 1.
સકળ લોકોમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે,
ધન ધન જનની તેની રે .- વૈષ્ણવ 2.
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે. - વૈષ્ણવ 3.
મોહ માયા વ્યાપે નહીં જેને
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામનામ શું તાળી રે વાગી.
સકળ તિરથ તેના તનમાં રે - વૈષ્ણવ 4.
વણલોભીને કપટ રહિત છે.
કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા,
કુળ ઇકોતેર તાર્યા રે. - વૈષ્ણવ 5.
સંત સમાગમ
જવલ્લે કોઇને વ્યક્તિગત મળતા, વિદેશમાં વસતા એક સંત મહાત્માએ આશીર્વાદ આપતા આ લખનારને લોકોમાં આદર-સન્માન મેળવવા ઉપદેશ આપ્યો કે, નાનામાં નાના માણસો સાથે ઘણા જ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું, નમીને ચાલવું, સૌ પર દયા કરવી, કોઇ કાંઇ બોલ્યું ચાલ્યું હોય તેનો ખાર ન રાખવો.
પોતાની જાત પર કાબૂ રાખવો અને દિલ મોટું તથા હાથ છૂટો રાખવો.
આ પ્રમાણે આપણે સૌએ પોતપોતાના ધર્મોના અસલ સિદ્ધાંતોનું આચરણ કરવું જોઇએ કારણ કે સઘળા ધર્મોનું અસલ શિક્ષણ એક જ છે.