Fri May 01 2026

Logo

આવાં તે કેવાં સંતાન? આ વાંચીને તમને પણ થશે: લયાનત છે એમનાં પર...

2026-03-12 11:55:00
Author: Mumbai Samachar Team
Article Image

નીલા સંઘવી

સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે. સંતાન માતા-પિતા સાથે રહેવા તૈયાર નથી. તાજેતરમાં જ એક જાણીતા એસ્ટેટ એજન્ટે કહ્યું કે, `હું હેરાન છું. દીકરો મા-બાપ સાથે રહેવા તૈયાર નથી. એક જ સોસાયટીમાં આજુબાજુના ફ્લેટમાં કે પછી ઉપર નીચેના ફ્લેટમાં અથવા એકાદ બે મકાન દૂર રહે છે. મારા ક્લાયન્ટ્સની આવી માંગ હોય છે. મા-બાપનો ત્રણ બેડરૂમનો મોટો ફ્લેટ વેચીને પરાંમાં બે નાના ફ્લેટમાં રહેવા જાય છે. પરદેશ કે પછી કામ ધંધાર્થે બીજા શહેરમાં રહેતા હોય તો ઠીક, નહીં તો સાથે રહેવા છતાં એકબીજાથી દૂર થતા જાય છે.

ચાલો, શાંતિથી છૂટા થઈ જાય ત્યાં સુધી તો ઠીક છે, મા-બાપને હેરાન ન કરે ત્યાં સુધી વાંધો નથી, પણ મા-બાપ માટે જરાય લાગણી ન હોય એ કેવી વાત છે? જે મા-બાપે આંગળી પકડીને ચાલતા શીખવ્યું, પેટે પાટા બાંધીને ઉછેર્યા તેમના માટે બિલકુલ ભાવ, માન-સન્માન કશું જ નહીં? માતા-પિતા પાસેથી બધું છીનવીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા જરાય શરમ ન આવે? જરાય ગિલ્ટી ફિલ નહીં થતું હોય? આજે એવી જ વાત વાચકો સાથે કરવી   છે.

એક વૃદ્ધાશ્રમના સંચાલક પાસેથી જાણવા મળેલી આ વાચ વાંચીને તમારી આંખમાં આંસુ ન આવે તો કહેજો. સંચાલકની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવ્યા ત્યારે સંચાલકે એટલું જ ઉમેર્યું:

`અમારા માટે આ નવી નવાઈની વાત નથી. અમારે ત્યાં તો અવારનવાર આવું બનતું જ રહે છે. સંચાલકની વાત સાંભળીને  વધારે નવાઈ લાગી. સાવ આવું? આટલી હદે સંતાનો સંસ્કાર વિહોણાં, લાગણી વિહોણાં થઈ ગયા છે?

વૃદ્ધાશ્રમના સંચાલકે જણાવ્યા મુજબ મંજુબહેનને તેમનો દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. દીકરાનું કહેવું હતું કે મંજુબહેનનો સ્વભાવ કચકચિયો છે, જેને કારણે ઘરમાં ઝઘડા થાય છે. દીકરાની વહુ સાથે જરાય ફાવતું નથી. માને ઘરમાં સાથે રાખી શકાય તેમ જ નથી. મંજુબહેનનું મોઢું પડી ગયું હતું. પતિનું અવસાન તો બે વર્ષ પહેલાં જ થઈ ગયું હતું. દીકરો ઘરમાં રાખવા તૈયાર ન હતો. વૃદ્ધાશ્રમમાં રહેવા સિવાય મંજુબહેન પાસે બીજો રસ્તો જ ક્યાં હતો? 

મંજુબહેન તો વૃદ્ધાશ્રમમાં ધીમે ધીમે સેટ થવા લાગ્યા. દીકરો કહેતો હતો મંજુબહેન કચકચિયા છે, ઝઘડાળુ છે પણ એવું તો કાંઈ હતું નહીં. મંજુબહેન વૃદ્ધાશ્રમમાં બધાંની સાથે હળીમળીને રહે છે. કોઈ સાથે કચકચ કે માથાઝીંક કરતા નથી. ભગવાનનું નામ જપે છે. વૃદ્ધાશ્રમમાં થતા કાર્યક્રમોમાં ઉમળકાથી ભાગ લે છે. 

દીકરો સાવ ખોટું બોલીને માને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. વૃદ્ધાશ્રમના સંચાલકને કાંઈ નવાઈ લાગતી નથી, કારણ કે તેમને અનુભવ છે કે આ દીકરાઓ મા-બાપને અહીં મૂકવા આવે ત્યારે મા-બાપના વાંક બતાડીને જ મૂકી જાય છે. શું કરે? પોતાના કે પોતાની પત્નીના વાંક થોડા બતાવે? મા-બાપથી પીછો છોડાવવો હોય તો આવું બધું બોલવું જ પડે.

મંજુબહેન થાળે પડી ગયાં હતાં. વૃદ્ધાશ્રમમાં બધું બરાબર ચાલતું હતું. ક્યારેક ઘરની, દીકરાની, પૌત્ર-પૌત્રીઓની યાદ આવી જતી ત્યારે આંખમાં આંસુ આવી જતા હતા. મંજુબહેનને એક દીકરી પણ છે. દીકરીની, એના સંતાનોની યાદ પણ મંજુબહેનને આવે છે. પણ એ સંતાનોને ક્યારેય મંજુબહેનની યાદ આવતી નથી. કોઈ ક્યારેય તેમને ફોન કરતા નથી. 

વૃદ્ધાશ્રમમાં રહેતા કેટલાક વૃદ્ધો ઘરેથી ક્યારેક ક્યારેક પરિવારજનોના ફોન આવે છે, ક્યારેક કોઈના સંતાનો કે સગાંસંબંધી મળવા પણ આવે છે એ જોઈને મંજુબહેનને દુ:ખ થાય છે: `મને કોઈ ફોન કરતું નથી, મળવા આવતું નથી.. '. તેમને ઓછું આવે છે: ; મેં કોઈનું શું બગાડયું છે? ઊલટાની ઘરમાં હતી ત્યારે વહુને કેટલી મદદ કરતી હતી તોય એને હું ગમતી ન હતી. મેં ક્યારેય ઊંચા સાદે વહુને કશું કહ્યું નથી, તો પણ હું કેમ તેને અળખામણી લાગતી હતી.,, . આ વાત મંજુબહેનને સમજાતી  નથી. 

પછી તે પોતે જ  તારણ પર આવે છે કે તેમની પાસે ધન નથી એ જ કારણ હશે. પતિએ પૈસો, પૈસો ભેગો કરીને લીધેલ ઘર પર તો દીકરાએ કબજો કરી જ લીધો છે. મારા દાગીના વેચીને દીકરા-દીકરીને ભણાવ્યા-પરણાવ્યા. હવે મારી પાસે કાંઈ નથી. તેથી એમને હું ગમતી નથી. સ્વાર્થના સગા છે બધાં. દુ:ખને મનમાં ધરબીને મંજુબહેન પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. આમ તેમની જિંદગી ઠીક ઠીક ચાલતી હતી. ત્યાં અચાનક માંદગી આવી ચઢી. 

મંજુબહેનને કિડનીની બીમારી થઈ. ડાયાલિસિસ કરાવવું પડતું. વૃદ્ધાશ્રમમાં બધી સગવડ હતી. મંજુબહેનની સારવાર સરસ રીતે થઈ રહી હતી, પણ કાયા કૃશ થઈ ગઈ હતી. નબળાઈ આવી ગઈ હતી. વૃદ્ધાશ્રમમાં તેમના ખોરાકનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું પણ મંજુબહેન સતત પોતાનાં સંતાનોને યાદ કરતા રહેતાં. 

મરતા પહેલા એકવાર સંતાનોને મનભર જોઈ લેવાની ઈચ્છા હતી. હા, એ  મા હતી. સંતાન ગમે તેટલો ત્રાસ વર્તાવે, તોય માને સંતાનનો વાંક ન દેખાય. છોં કછોં થાય, માવતર કમાવતર ન થાય. વૃદ્ધાશ્રમમાંથી વારંવાર ફોન કરીને મંજુબહેનના બંને સંતાનને તેમની હાલત અને તેમની આખરી ઈચ્છાની જાણ કરતા ફોન કરવામાં આવ્યા, પણ બેમાંથી કોઈએ દરકાર ન કરી.

મંજુબહેનની હાલત વધારે  લથડી  ત્યારે સંચાલકે ફોન કરીને જણાવ્યું, `બસ, હવે થોડા જ કલાકની જિંદગી છે તમારી મા પાસે. આવીને મળી તો જાવ એકવાર... પણ પથ્થર જેવું કઠણ કાળજું ધરાવતા એ સંતાન ધરાર ન આવ્યા અને સંતાનોને જોવાની ઝંખના કરતી માતા સ્વર્ગે સિધાવી.

મંજુબહેનના અંતિમ સંસ્કાર માટે દીકરાને ફોન કર્યો તેણે કહ્યું, `તમારે જે કરવું હોય તે કરો, હું નહીં આવી શકું, મારી મજબૂરી છે.' એવી કોઈ મજબૂરી હશે કે મૃત્યુ પામેલી માતાને અગ્નિદાહ દેવા પુત્ર ન આવી શકે?

આપણે જેને વહાલનો દરિયો કહીએ છીએ એ દીકરીને સંચાલકે ફોન કર્યો તેણે કહ્યું, `કોણ વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યું હતું? જે આવ્યું હતું તેને જ બોલાવો. મારાથી નહીં અવાય.!' 

વહાલના દરિયા જેવી દીકરી આવું કહે એ તો કળિયુગનો જ પ્રતાપને?
હવે વધુ નહીં લખી શકાય મારાથી. આંખમાં આંસુ સાથે લખ્યું છે. તમારી આંખમાં પણ આંસુ હશે જ. આવાં સંતાનો માટે મંજુબહેન જેવી એક માએ પોતાની જિંદગી ખર્ચી નાખી?