Tue Apr 21 2026

Logo

મેલ મેટર્સઃ પુરુષને તેની ચાળીસીમાં સૌથી વધુ ડર શેનો સતાવે છે?

2026-03-12 11:47:00
Author: Mumbai Samachar Team
Article Image

અંકિત દેસાઈ

ચાળીસીનો ઉંબરો ઓળંગ્યા પછી પુરૂષના જીવનમાં એક અજીબ પ્રકારનો ખાલીપો અને એક અજાણ્યો ભય પ્રવેશી જતો  હોય છે. 20 કે 30 વર્ષની ઉંમરે જે જગત જીતી લેવાની જીદ હતી, તે 40 વર્ષે પહોંચતા સુધીમાં સ્થિરતા અને જવાબદારીઓના ગઠબંધનમાં ફેરવાઈ જાય છે. 

આ અવસ્થાએ પહોંચેલા પુરૂષ માટે સૌથી મોટો ડર કયો? શું તે આર્થિક અસલામતી છે? શું તે વધતી જતી ઉંમર અને ઘટતી જતી શારીરિક ક્ષમતા છે કે પછી સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય છે? 

જો ઊંડાણપૂર્વક વિચારવામાં આવે તો આ તમામ ભયની ઉપર એક એવો ડર બેઠો છે જેની ચર્ચા અવારનવાર થતી નથી, પણ તે હરક્ષણે હૃદયના કોઈ ખૂણે ધબકતો રહે છે અને તે છે પોતાના માતા-પિતાને ગુમાવવાનો ડર.

ચાળીસીમાં પ્રવેશતા પુરૂષ માટે માતા-પિતા માત્ર વડીલો નથી હોતા, પરંતુ તે તેના જીવનનું છેલ્લું સુરક્ષા કવચ (Safety Net) હોય છે. આ તે ઉંમર છે જ્યારે પુરૂષ પોતે પિતા બની ગયો હોય છે, તેનાં સંતાન સ્કૂલે જતા થયા હોય છે અને તેની પત્ની સાથે તે ઘરના રથને ખેંચી રહ્યો હોય છે. જગતની નજરમાં તે હવે `ઘરનો મોભી' છે, પણ તેની પોતાની નજરમાં તે હજી પણ એક દીકરો છે, જેની પાસે પાછા વળીને જોવાની જગ્યા તેના માતા-પિતાનું ઘર છે. 

જ્યારે માતા-પિતાની તબિયત લથડવાનું શરૂ થાય અથવા તેમના ચહેરા પર કરચલીઓ અને ચાલમાં લથડિયું દેખાવા લાગે ત્યારે 40 વર્ષના પુરૂષને પહેલીવાર એવો અહેસાસ થાય છે કે તેની ઉપરથી `છત્ર' ઓછું થઈ રહ્યું છે. 

આ ડર મૃત્યુનો એટલો નથી હોતો, જેટલો અનાથ થઈ જવાની લાગણીનો હોય છે. ભલે તે પોતે પચાસ માણસોને સંભાળતો મેનેજર હોય કે મોટો ઉદ્યોગપતિ હોય, પણ માતા-પિતાની ગેરહાજરી તેને એ સત્ય સમજાવે છે કે હવે તે પંક્તિમાં પ્રથમ હરોળમાં આવી ગયો છે. હવે તેની ઉપર કોઈ નથી જે તેને ભૂલ કરે તો ઠપકો આપે અથવા મુશ્કેલીમાં કહે કે `તું ચિંતા ન કર, હું બેઠો છું ને!'

આવા ડરની પાછળ એક પસ્તાવો પણ છુપાયેલો હોય છે. 20 થી 30 વર્ષની ઉંમર દરમિયાન જ્યારે કરિયર બનાવવાની દોડધામ હતી ત્યારે કદાચ તે માતા-પિતાને પૂરતો સમય આપી શક્યો નહોતો. ચાળીસીએ પહોંચ્યા પછી જ્યારે આર્થિક સ્થિરતા આવે છે અને સંતાનો થોડા મોટાં થાય છે ત્યારે તેને ઈચ્છા થાય છે કે તે માતા-પિતા સાથે નિરાંતે બેસીને વાતો કરે, તેમને દુનિયા ફેરવે અને તેમના જૂના શોખ પૂરા કરે, પરંતુ બરાબર આ જ સમયે માતા-પિતાની ઉંમર તેમને શારીરિક રીતે અશક્ત બનાવી દેતી હોય છે. 

આથી, પુરૂષને એવો ડર સતાવે છે કે શું તે પૂરતો સમય મેળવી શકશે? શું તે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકશે? આ મથામણ ચાળીસીના પુરૂષને સતત અજંપામાં રાખે છે. ઘણીવાર ઓફિસમાં બેઠો હોય ત્યારે અચાનક ઘરેથી ફોન આવે અને હૃદયના ધબકારા વધી જાય તે આ ડરનું જીવતું-જાગતું પ્રમાણ છે.

વળી, આ ડર માત્ર ભાવનાત્મક નથી, પણ તે અસ્તિત્વના સંઘર્ષ સાથે જોડાયેલો છે. માતા કે પિતાનું જવું એ પુરુષ માટે તેની બાળપણની છેલ્લી કડી તૂટવા સમાન છે. જ્યાં સુધી માતા-પિતા જીવિત હોય છે  ત્યાં સુધી પુરૂષને લાગે છે કે તે હજી નાનો છે. તેમની વિદાય તેને અચાનક `વૃદ્ધત્વ'ની નજીક લાવીને મૂકી દે છે. તેને અહેસાસ થાય છે કે હવે પછી તેનો વારો જ છે. આ સત્યનો સ્વીકાર કરવો 40 વર્ષના પુરૂષ માટે ખૂબ જ કપરૂ હોય છે. 

તે પોતાના સંતાનો માટે આદર્શ પિતા બનવાની મથામણ કરતો હોય છે, પણ તેની અંદર રહેલો નાનો બાળક હજી પણ પિતાના માર્ગદર્શનની અને માતાના હાથના જમવાની આશા રાખતો હોય છે. જ્યારે આ સ્ત્રોત સુકાવા લાગે ત્યારે તે એકલતા અનુભવવા લાગે છે. આ એકલતા તેને ભીડમાં પણ સતાવે છે.

સમાજમાં પુરુષને હંમેશાં `પથ્થર' જેવો મજબૂત રહેવાની તાલીમ આપવામાં આવે છે. તે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકતો નથી. પિતાની માંદગી વખતે હોસ્પિટલના બિલ ભરવાથી લઈને ડોક્ટરો સાથે વાત કરવા સુધીની તમામ દોડધામમાં તે મક્કમ દેખાય છે, પણ અંદરખાને તે ધ્રૂજતો હોય છે. તેને ડર લાગે છે કે જો પિતાને કંઈ થઈ જશે તો ઘરની પરંપરાઓ કોણ સાચવશે? 

તહેવારોમાં વડીલની ખોટ કોણ પૂરશે? અને સૌથી મહત્ત્વનું, તેની ભૂલોને માફ કરનાં નિ:સ્વાર્થ હૃદય બીજે ક્યાં મળશે? પત્ની અને બાળકો સાથેનો પ્રેમ શરતી હોઈ શકે છે અથવા તેમાં અપેક્ષાઓ હોય છે, પણ માતા-પિતાનો પ્રેમ એકમાત્ર એવી જગા છે જ્યાં તેણે કશું સાબિત કરવાનું હોતું નથી. આ `બિનશરતી સ્વીકાર'ના આશ્રયસ્થાનને ગુમાવવાનો ડર જ તેને સૌથી વધુ પીડે છે.

ચાળીસીના ગાળામાં આસપાસના મિત્રો કે સંબંધીઓનાં માતા-પિતાના નિધનના સમાચાર અવારનવાર મળતા રહે છે. આ સમાચાર પુરૂષ માટે માત્ર માહિતી નથી હોતા, પણ એક ચેતવણી જેવા હોય છે. તે દરેક અંતિમ સંસ્કારમાં પોતાની જાતને ઊભેલી જુએ છે. 

 

તે વિચારે છે કે જ્યારે તેના પર આ પહાડ તૂટી પડશે ત્યારે તે કેવી રીતે સંભાળશે? ઘણીવાર પુરૂષ આ ડરને છુપાવવા માટે વધુ પડતા કામમાં ડૂબી જાય છે અથવા ગુસ્સામાં પરિવર્તિત થઈ જાય છે, પણ મૂળમાં તો તે અસુરક્ષાની લાગણી જ હોય છે. માતા-પિતાની સેવા કરવામાં જે સંતોષ મળે છે તેની સામે તેમને ગુમાવવાની કલ્પના જ હૃદયને કંપાવી દે તેવી હોય છે.

ચાળીસીના પુરુષ માટે માતા-પિતાને ખોવાનો ડર એ માત્ર એક વ્યક્તિને ગુમાવવાનો ડર નથી, પણ તે તેની જિંદગીના સૌથી નિખાલસ અને પવિત્ર પ્રકરણના અંતનો ડર છે. તે પોતાની ઓળખ, પોતાનો ભૂતકાળ અને પોતાની સુરક્ષાના અંતિમ કિલ્લાને બચાવી રાખવાની એક નિષ્ફળ પણ ભાવનાત્મક લડાઈ લડતો હોય છે. 

આ ડર તેને અંદરથી નરમ બનાવે છે અને કદાચ એટલે જ આ ઉંમરે પહોંચ્યા પછી પુષ પોતાના પિતા સાથે વધુ નિકટતા અનુભવવા લાગે છે અને તેમની વાતોમાં સચ્ચાઈ દેખાવા લાગે છે. 

જીવનની ભાગદોડમાં ભલે ગમે તેટલી સિદ્ધિઓ મળે, પણ માતા-પિતાના આશીર્વાદનો હાથ હટી જવાનો ભય એ જ પુરૂષના જીવનનો સૌથી મોટો માનસિક સંઘર્ષ બની રહે છે. આ ડરમાંથી મુક્તિ નથી, પણ માતા-પિતા સાથે વિતાવેલી દરેક ક્ષણને જીવી લેવી એ જ તેનો એકમાત્ર વ્યવહારુ ઉપાય છે.