Fri Apr 17 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ સુફિયાના કવિ હઝરત અમીર ખુસરૂના પ્રેરણારૂપ જીવનનાં લેખાં-જોખાં

2026-04-16 10:40:00
Author: Anwar Valyani
Article Image

અનવર વલિયાણી

(ભાગ-2)

એક ઉચ્ચ કોટીના આલિમ (ઈલ્મોજ્ઞાનના માહીર) શાયર અને સુફિયાના લેખક હઝરત અમીર ખુસરૂ રહમ્લ્લાહ અલયહનો જન્મ થયો હતો તે બાદશાહી યુગ હતો અને શહેનશાહ ગ્યાસુદ્દીન બલબનનો તે રાજ્યકાળ હતો. બલબન પછી ખિલ્જી રાજાઓના યુગમાં જલાલુદ્દીન ખિલ્જી કે જેઓ એક ઈલ્મ અને અત્યંત ન્યાયપ્રિય બાદશાહ હતા. જેમણે અમીર ખુસરૂને ખાસ હોદ્દો આપી તેમના શાહી દરબારમાં સન્માનિત કર્યા હતા. 

હીજરી વર્ષ 694માં જલાલુદ્દીન ખિલ્જી, પોતાના ભત્રીજા અલ્લાઉદ્દીન ખિલ્જીના હાથે ધોકાબાજીથી માર્યા ગયા અને અલ્લાઉદ્દીન બાદશાહ બની ગયા. તેના દરબારમાં લેખકો, કવિઓ, આલિમો અને પંડિતોનો ઝમેલો રહેતો હતો. આ બધામાં હઝરત અમીર ખુસરૂની હેસિયત (મોભો) એવી હતી જાણે કે અસંખ્ય તારલાઓમાં એક ચાંદ (ચંદ્ર).

આપના પીરો મુર્શિદના મુબારક મુખમાંથી, આપને માટે જે મહોબ્બતભર્યા શબ્દો નીકળતા તે શબ્દો એક કાગળ પર લખી લેતા અને તેને ગળામાં તાવીઝ (માદળીયું) બનાવીને લટકાવી દેતા. આપ હઝરતે વસિયત કરી હતી કે આ કાગળને કબરમાં મારી જોડે દફન કરી દેજો. જેથી એ કાગળ મારી બખ્શીશ (ભેટ)નો સબક (ઉદાહરણ) બને.

માશાઅલ્લાહ! પોતાના પીરો મુર્શિદને માટે કેટલી અકીદતમંદી (આસ્થા)! શું તે જમાનો હતો! અલ્લાહવાળાઓની ખિદમત (સેવા)માં કેવા કેવા અલ્લાહવાળા લાગેલા રહેતા હતા! આજના યુગમાં, આપણને એવી તાલીમ (બોધ-શિક્ષણ) આપનારો એક વર્ગ એવો પણ નીકળ્યો છે કે જે એવું કહેતો ફરે છે કે અલ્લાહવાળાઓની દરગાહો અને આસ્તાનાઓ પર જવાથી કશું જ મળવાનું નથી. 

આવી સોચ ગુમરાહી અને અકીદા (શ્રદ્ધા)ની વિરુદ્ધ છે. પીરો, ઓલિયાઓ, અંબિયાઓના મઝાર મુબારક પર શ્રદ્ધાનાં સુમન પેશ કરવાં, તેમના વશિલાથી ખુદાવંદે કરીમ પાસે ગીરીયાજારી કરવી જાએઝ (હક-યોગ્ય) છે, અને વશિલાથી માગેલી દુઆ વ્હેલી કબૂલ થાય છે.

હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મહેબૂબે ઈલાહી રહમતુલ્લાહ અલયહ ફરમાવતા હતા કે અગર શરીઅત (ઈસ્લામી કાયદા-કાનૂન) રજા આપતી હોત તો હું અને ખુસરૂ એક જ કબરમાં રહેતા હોત. હઝરત અમીર ખુસરૂ રહમતુલ્લાહ અલયહની બાબતમાં આપ ફરમાવતા હતા કે

ગર બરાયે તર્કે તુકર્મ,
અર્રા બર તારીક નેહન્દ
તર્કે તારીક ગીરમ,
વ હરગીઝ ન ગીરમ તર્કે તુર્ક.

અર્થ: જો મારી પેશાની (કપાળ) પર આરો મૂકી દેવામાં આવે અને કહેવામાં આવે કે તારા તુર્કને છોડી દે, તો હું મારી પેશાનીને છોડી દઈશ, પણ મારા તુર્કને નહીં છોડું.

હઝરત અમીર ખુસરૂ રહમતુલ્લાહ અલયહને પોતાના પીરો મુર્શદ માટે કેટલી મહોબ્બત, અકીદત (આસ્થા) અને દીવાનગી હતી તેનો એક દાખલો બહુ જ હયરત અંગેઝ (આશ્ર્ચર્યકારક) છે.

બન્યું એવું કે એક વખત હઝરત નિઝામુદ્દીન અવલિયાની ખિદમત (સેવા)માં એક ભૂખ્યો નાગો ફકીર આવ્યો અને સવાલ કર્યો. હઝરત ખ્વાજાએ તેને પોતાના બંને જોડા આપી દીધા. એ બાદ એક સરાયમાં, હઝરત અમીર ખુસરૂ પોતાના લાવ લશ્કર સાથે અને ખાદિમો (સેવકો) સાથે મુકામ (પડાવ) નાખીને પડ્યા હતા. (ખુસરૂ પોતે બાદશાહના મોટા અધિકારી પદે હતા.) પેલો ફકીર કે જેને ખ્વાજાએ પોતાના પગરખાં આપ્યા હતા તે આ તરફ આવી ચઢ્યો. હઝરત અમીર ખુસરૂ રહમતુલ્લાહ અલયહ પોતાના ખાદિમો (સેવકો)ને કહેવા લાગ્યા કે - ‘બુયે શેખ મી આયદ’. અર્થ: શેખની ખુશ્બુ આવી રહી છે.

ખાદિમોએ તલાશ (શોધ) કરી તો માલમ પડ્યું કે આ સરાયમાં એક ફકીર આવીને  પડ્યો છે અને ખ્વાજાના દરબારે થઈને આવ્યો છે. આપ હઝરતે એ ફકીરને બોલાવ્યો, પૂછપરછ કરતાં તેણે સઘળી હકીકત કહી બતાવી. અમીર ખુસરૂએ કહ્યું કે આ જોડા મને આપી દે અને તેના બદલામાં આ તમામ સામાન, માલમત્તા તથા ખાદિમો (સેવકો) બધું લઈ લે. પેલો પ્રથમ તો મજાક સમજ્યો, પરંતુ પછી સોદો થઈ જ ગયો. આ જોડાને પોતાના ફેંટામાં વીંટીને અમીર ખુસરૂ હઝરત નિઝામુદ્દીન અવલિયા રહમતુલ્લાહ અલયહના દરબારમાં હાજર થયા અને હકીકત કહી બતાવી. હઝરત મહેબૂબે ઈલાહી હસ્યા અને ફરમાવ્યું કે, ‘અય ખુસરૂ! આ જોડા આપે બહુ જ સસ્તા ભાવે ખરીદ્યા.’

હઝરત અમીર ખુસરૂ ઉત્તમ કવિ, સારા લેખક અને ઉચ્ચ આલિમ-વિદ્વાન જ્ઞાની હોવા ઉપરાંત તેઓ બાદશાહોના પ્રિય પણ હતા. રમુજીપણું પણ આપના સ્વભાવમાં હોઈને ઈતિહાસકારો આપના વિશે શું લખે છે તેમ જ આપની વફાત (અવસાન) સંબંધી રસપ્રદ માહિતી આ લેખના ત્રીજા અને છેલ્લા ભાગનાં આવતા અંકમાં જાણીશું અને આપ હઝરતના નેક જીવન પરથી ઈલ્મોજ્ઞાન હાંસલ કરીશું.

સાપ્તાહિક સંદેશ:
શરીરને પોતાના તાબામાં રાખો, તેને મનમાની કરવા દેશો નહીં, નહીં તો તે વધુને વધુ માગણી કરશે.
નાદાનને હોંશિયાર ના સમજો અને સમજદાર દેખાતા મૂર્ખથી બચતા રહો.
એવું સાચું પણ ના બોલો કે જુઠ્ઠું દેખાય.
જે વસ્તુ ખરીદી ન શકાય તેને વેચો નહીં.
જહોજલાલી અને જાહેરી માલમિલકત માટે દિલ મેલું ના કરો.
ગુનો કરીને અભિમાન ના કરો.
દરેક વ્યક્તિની રોટી ના ખાવ, પરંતુ રોટી દરેકને આપો.