ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે ગત બપોરે હંગામી દ્રશ્યો સર્જાયા હતા. સુખપર-૨ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કચેરીને ઘેરો ઘાલ્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કરી ફરજમાં રૂકાવટ પહોંચાડવા બદલ ૭ નામજોગ આગેવાનો સહિત ૧૫ થી ૨૦ લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ૧૫ એપ્રિલના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં સુખપર-૨ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભુડિયા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે તાલુકા પંચાયત કચેરીએ આવ્યા હતા. આ સમયે કચેરીના ગેટ પાસે એકત્ર થયેલા કોંગ્રેસી કાર્યકરોએ અચાનક હોબાળો મચાવ્યો હતો. ટોળાએ સૂત્રોચ્ચાર કરી જાહેર શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને વાતાવરણ તંગ બનાવ્યું હતું.
ઘટનાસ્થળે બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ ટોળાને રોકવાનો પ્રયાસ કરતા કાર્યકરોએ બળપ્રયોગ કરી ધક્કામુક્કી કરી હતી. આ ઘર્ષણ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ ક્રિષાબેન કેરાઈને ધક્કો મારી નીચે પાડી દેવામાં આવતા તેમને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ફરજ પર હાજર અન્ય પોલીસકર્મી ઉર્વશી કુંદનલાલ રાજગોરે આ મામલે ફરિયાદ પક્ષ બની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હરીશ આહીર, એચ.એસ.આહીર, નરેન્દ્રસિંહ જાડેજા,રમેશ ગરવા, લાખાજી સોઢા,લાલીબેન ભાનુ આહીવાલ, રસિકબા જાડેજા તથા અન્ય ૧૫ થી ૨૦ કાર્યકરોના ટોળાં સામે ગુનો દાખલ થયો છે.
પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, બળપ્રયોગ અને શાંતિભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી ટાંકણે જ બનેલી આ ઘટનાએ કચ્છના રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
(ઉત્સવ વૈદ્ય)