વિઠ્ઠલ વઘાસિયા
એક મા માત્ર એક બાળકને જન્મ આપતી નથી, પરંતુ તે સમગ્ર સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને ઘડતી હોય છે. આથી જ માતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. આ જ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 11 એપ્રિલના રોજ ‘સલામત માતૃત્વ દિવસ’ ઉજવવામાં આવે છે.
સલામત માતૃત્વ દિવસનો મુખ્ય ઉદ્દેશ ગર્ભવતી મહિલાના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ભારતમાં હજુ પણ ઘણી જગ્યાએ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન સ્ત્રીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળતું નથી. પરિણામે માતા અને બાળક બંનેના જીવનને જોખમ રહે છે ત્યારે આ ચોક્કસ દિવસ આપણને યાદ અપાવે છે કે માતા અને બાળકનું આરોગ્ય સમાજની સૌથી મોટી જવાબદારી છે.
સલામત માતૃત્વનો અર્થ માત્ર પ્રસૂતિ દરમિયાન સલામતી પૂરતો નથી, પરંતુ ગર્ભધારણથી લઈને બાળકના જન્મ પછીના સમયગાળામાં માતાના શારીરિક, માનસિક અને પોષણ સંબંધિત આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે, જેમકે ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કાથી જ મહિલાએ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. યોગ્ય પોષણ, આયર્ન અને કેલ્શિયમ જેવી જરૂરી દવાઓ, સમયસર રસીકરણ અને ડોક્ટરની સલાહ અનુસાર જીવનશૈલી અપનાવવી જરૂરી છે.
આજના સમયમાં આરોગ્ય સેવાઓમાં ઘણો વિકાસ થયો છે, છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા લોકો સુધી યોગ્ય માહિતી અને સુવિધાઓ પહોંચતી નથી. કેટલીક અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ગરીબીના કારણે સ્ત્રીઓ આવી યોગ્ય સારવારથી વંચિત રહી જાય છે. આવા સમયે ‘સલામત માતૃત્વ દિવસ’ જેવી પહેલ લોકોમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
સરકાર અને વિવિધ સંસ્થા દ્વારા માતૃત્વને સલામત બનાવવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે, જેમકે જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વગેરે દ્વારા ગર્ભવતી મહિલાઓને આર્થિક અને આરોગ્ય સહાય આપવામાં આવે છે. આ યોજનાઓનો લાભ દરેક મહિલાએ લેવો જોઈએ, જેથી પ્રસૂતિ દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણો ન આવે.
સલામત માતૃત્વ માટે પરિવારનો સહકાર પણ એટલો જ મહત્ત્વનો છે. ગર્ભવતી મહિલાને યોગ્ય આરામ, સારો ખોરાક અને માનસિક શાંતિ મળે તે માટે પરિવારના સભ્યોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને પતિ અને સાસરીયા પક્ષે મહિલાને પ્રોત્સાહન આપવું અને તેની કાળજી લેવી જોઈએ. આ સાથે સમાજમાં પણ મહિલાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવો જરૂરી છે.
માતૃત્વ દરમિયાન સ્ત્રીને માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત રહેવું પડે છે. ઘણી વખત ગર્ભાવસ્થા દરમિયાન ચિંતા, તણાવ અને ભય જેવા પ્રશ્નો ઊભા થાય છે. આ માટે ડોક્ટરની સલાહ અને પરિવારના સમર્થન સાથે મહિલાએ આત્મવિશ્વાસ રાખવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને પ્રેમાળ વાતાવરણ સ્ત્રીને આ મુશ્કેલ સમયમાંથી સરળતાથી પસાર થવામાં મદદરૂપ બને છે.
સલામત માતૃત્વ માટે શિક્ષણ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો મહિલાઓ શિક્ષિત હશે તો તેઓ પોતાના આરોગ્ય વિશે વધુ જાગૃત રહેશે અને યોગ્ય નિર્ણયો લઈ શકશે. આથી જ સમાજમાં મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. શિક્ષિત માતા માત્ર સ્વસ્થ બાળકને જન્મ આપે છે નહીં, પરંતુ તે બાળકને પણ સારા સંસ્કારો અને શિક્ષણ આપે છે.
આ ‘સલામત માતૃત્વ દિવસ’નો એક મહત્ત્વપૂર્ણ સંદેશ એ પણ છે કે દરેક પ્રસૂતિ હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં જ થવી જોઈએ. નિષ્ણાત ડોક્ટર અને તાલીમબદ્ધ નર્સની હાજરીમાં પ્રસૂતિ થવાથી જોખમો ઘણાં ઘટે છે. ઘરેલુ પ્રસૂતિમાં અનેક જોખમો હોય છે, જે ક્યારેક ગંભીર પરિણામો આપી શકે છે.
આમ ટૂંકમાં એમ કહી શકાય કે ‘સલામત માતૃત્વ દિવસ’ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ તે એક જાગૃતિ અભિયાન છે. માતા અને બાળકનું આરોગ્ય સમગ્ર સમાજ માટે મહત્ત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિએ આ દિશામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. જો આપણે માતાઓને સુરક્ષિત અને સ્વસ્થ રાખી શકીએ, તો જ આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.