નવી દિલ્હીઃ થોડા વર્ષોથી આઇપીએલને કારણે ભારતીય સિલેક્ટરો પાસે ખેલાડીઓ પસંદ કરવા એટલા બધા સારા વિકલ્પો હોય છે કે વાત જવા દો અને એવું શનિવારે પણ બન્યું જેમાં પસંદગીકારોએ આગામી એશિયન ગેમ્સ (Asian Games)ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે જાહેર કરેલા 30 સંભવિતોના નામમાં ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશીનો સમાવેશ કર્યો છે, પણ એમાં કેટલાક જાણીતા ખેલાડીઓના નામ નથી. જોકે એ માટે એક ખાસ કારણ છે.
એવું નથી કે ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટેસ્ટ તથા વન-ડે સુકાની શુભમન ગિલને સિલેક્ટરો આ ટીમમાં સમાવવા નહોતા માગતા, પરંતુ જે સમયગાળામાં જાપાનમાં એશિયન ગેમ્સ યોજાવાની છે એ જ અરસામાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની સિરીઝો પણ રમાવાની છે એટલે પસંદગીકારોએ સૂર્યકુમાર (Suryakumar) અને ગિલ (Gill)ને એશિયન ગેમ્સના સંભવિતોમાં સામેલ નથી કર્યા. આ યાદી ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)ને સોંપવામાં આવી છે.
સૂર્યા લાંબા ગાળાની યોજનાની બહાર
જાપાનના નાગોયામાં 19મી સપ્ટેમ્બરથી ચોથી ઑક્ટોબર સુધી એશિયન ગેમ્સ રમાશે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ વન-ડે અને પાંચ ટી-20ની સિરીઝ 27મી સપ્ટેમ્બરથી 17મી ઑક્ટોબર સુધી યોજાશે. બન્ને ઇવેન્ટ એક જ અરસામાં હોવાથી બીસીસીઆઇએ બે અલગ ટીમ બનાવવી પડે એમ છે અને એટલે 30 સંભવિત ખેલાડીઓમાં સૂર્યા તથા ગિલને સામેલ નથી કરાયા. 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ તથા 2028નો ટી-20 વર્લ્ડ કપ ધ્યાનમાં લઈએ તો સૂર્યકુમાર સિલેક્ટરોની લાંબા સમયગાળાની યોજનામાં ફિટ બેસે એમ નથી અને એ કારણસર જ સૂર્યાને એશિયન ગેમ્સ માટેના સંભવિતોમાં નથી સમાવવામાં આવ્યો. જોકે હાર્દિક પંડ્યા અને રિષભ પંત આ સ્ક્વૉડમાં છે.
કૅપ્ટન્સી માટે ચાર ખેલાડી દાવેદાર
એશિયના ગેમ્સ માટેના 30 સંભવિત ખેલાડીઓમાં કૅપ્ટન્સી સંભાળી શકે એવા ચાર પ્લેયર (શ્રેયસ ઐયર, સંજુ સૅમસન, ઇશાન કિશન, તિલક વર્મા) છે. આ ટીમમાં બુમરાહ પણ છે, પણ તેનું લક્ષ્ય 2027નો વન-ડે રમવાનું હશે એટલે એશિયન ગેમ્સમાં કદાચ ન પણ રમે.
2022માં ગાયકવાડના સુકાનમાં ગોલ્ડ મેડલ
ઋતુરાજ ગાયકવાડ પણ આ લિસ્ટમાં છે. 2022ની એશિયન ગેમ્સમાં ભારતે ગાયકવાડના નેતૃત્વમાં ક્રિકેટની ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એ એશિયન ગેમ્સ ચીનમાં રમાઈ હતી અને એમાં ભારત ગોલ્ડ મેડલ, અફઘાનિસ્તાન સિલ્વર અને બાંગ્લાદેશ બ્રૉન્ઝ જીત્યુ હતું.
એશિયન ગેમ્સ માટેના 30 સંભવિત ખેલાડીઓઃ
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન, સંજુ સૅમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નીતીશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, આયુષ બદોની, અનુકૂલ રૉય, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ખલીલ અહમદ, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, શાહબાઝ અહમદ, શિવમ દુબે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા, યશ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદર.