Sat Oct 10 2026

Logo

UPI ચાર્જના વિરોધમાં ગુજરાતભરમાં 'No UPI Day': 600થી વધુ વેપારી સંગઠનો રોકડમાં જ કરશે વ્યવહાર; QR કોડ પર કાળું કપડું ઢાંક્યું

2026-10-02 07:48:00
Author: Vimal Prajapati
UPI ચાર્જના વિરોધમાં ગુજરાતભરમાં 'No UPI Day': 600થી વધુ વેપારી સંગઠનો રોકડમાં જ કરશે વ્યવહાર; QR કોડ પર કાળું કપડું ઢાંક્યું

અમદાવાદઃ ભારતમાં મોટાભાગના લોકો અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ટેવાઈ ગયાં છે. પરંતુ હવે તેના સરકારે ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ગુજરાત સહિત દેશભરના વેપારીઓ દ્વારા આજે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. જેથી આજે વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારશે નહીં તેવું જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો સામેલ થવાના છે. જેના કારણે 50 કરોડથી પણ વધારે રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર અસર થશે. આજે આ ટ્રેડર્સ યુનિયનો દ્વારા માત્ર રોકડ રૂપિયામાં જ વેપાર કરવામાં આવશે. 

15 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થઈ જશે

કેન્દ્ર સરકાર દ્વારા UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી નવા નિયમો 15 ઓક્ટોબરથી લાગુ થવાના છે. પરંતુ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો ટ્રેડર્સ યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમ પ્રમાણે 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકાનો MDR નિર્ધારિત કરવામાં આવ્યો છે, જો કે, 2000થી નીચેના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે અને પર્સન ટુ પર્સન ચાર્જ પણ ફ્રી રહેશે. પરંતુ મૂળ વિવાદ મર્ચન્ટ પેમેન્ટનો થઈ રહ્યો છે. વેપારીઓ આનો સખત વિરોધ કરી રહ્યાં છે. 

મર્ચન્ટ પેમેન્ટ લગાવેલા ચાર્જનો થઈ રહ્યો છે વિરોધ

મર્ચન્ટ પેમેન્ટ પર ચાર્જ લગાવીને સરકાર વેપારીઓને હેરાન કરવા માંગે છે તેવા આક્ષેપ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. UPIના નવા નિયમો પ્રમાણે પર્સન ટુ પર્સન રૂપિયા ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે! આ સાથે 2000 સુધી ગ્રાહક દ્વારા દુકાનદારને કરવામાં આવતી ઓનલાઈન ચૂકવણી પર પણ કોઈ ચાર્જ નહીં લાગે. જો કે, 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ટેક્સ કે ચાર્જ આપવાનો રહેશે. આ સાથે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન 75 હજાર કે તેનાથી વધારે હશે તો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 300 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. નવા નિયમ પ્રમાણે ટેલિકોમ સર્વિસ, વીમા, ઈંધણ  અને રેલવે જેવી કેટેગરીમાં 2000 થી વધુંના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શને 5 રૂપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. 

ગુજરાતના 600 થી પણ વધારે ટ્રેડર્સ યુનિયનો સામે થયા

આના વિરોધમાં આજના દિવસને ‘No UPI ડે’ જાહેર કરવામાં આવ્યો છે. આ વિરોધમાં ગુજરાતના 600 થી પણ વધારે ટ્રેડર્સ યુનિયનો સામે થયા છે. જેમાં ખાસ કરીને મોબાઈલ યુનિયન, ઓટો મોબાઈલ યુનિયન, કાપડ માર્કેટ, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન અને જ્વેલરી માર્કેટના વેપારીઓ પણ સામેલ થયાં છે. આજે આ વેપારીઓ દ્વારા QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી વિરોધ કરવામાં આવશે. આજે માત્રને માત્ર રોકડમાં જ વેપાર કરવામાં આવશે.