સંજય છેલ
ગાંધીની અહિંસા નબળાઈ નહીં, સક્રિય શક્તિ હતી.
- નેલ્સન મંડેલા
મારામાં રમૂજવૃત્તિ ના હોત તો મેં ક્યારનીય આત્મહત્યા કરી લીધી હોત.
-ગાંધી
દરેક ફિલ્મી હીરોની ખાસ એન્ટ્રી હોય છે. કોઈ ઘોડા પર આવે, કોઈ ધૂળ ઉડાડતી કારમાં, કોઈ મોટરસાઇકલ પર. આ હીરોની એન્ટ્રીમાં તો તેને 1893માં દક્ષિણ આફ્રિકાનાં એક સ્ટેશન પર પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં ઘસડીને ઉતારી મૂકવામાં આવ્યો! દેખાવમાં જરાય હીરો નહીં. શરમાળ સ્વભાવ, સામાન્ય અવાજ, નબળું શરીર. મોહનદાસ ગાંધી એ રાતે અપમાન ગળીને ભારત પાછા ફરી શક્યા હોત, પણ નહીં. રંગભેદ સામે લડ્યા ને બીનગોરાઓ માટે ભેદભાવભર્યા પાસપોર્ટની હોળી કરીને જગતને પહેલીવાર ‘સત્યાગ્રહ’ શબ્દ આપ્યો. અહીંથી ગાંધીની નાયક રૂપે હીરોગીરીની મૌલિક ભાષા જન્મી:
‘તમારી પાસે સત્તા છે, મારી પાસે ‘ના’ કહેવાની હિંમત છે.’
બીજા સ્ટાર્સ ખાસ કપડાં બનાવીને સ્ટાઇલ બનાવે, ગાંધીએ કપડાં ઘટાડીને ઇમેજ બનાવી!
લંડનનો સૂટ પહેરતો વકીલ પછી ધોતી, ખુલ્લું શરીર, ગોળ ચશ્માં અને લાકડી સુધી આવી ગયો.
ફિલ્મી હીરો પાસે ઘોડો, કાર કે બાઇક હોય; ગાંધીની છબી સાથે બકરી જોડાઈ ગઈ, કારણ કે બકરીનું
દૂધ પીતા. હાથમાં રિવોલ્વર નહીં પણ પાસે ચરખો. ગાંધી સામે વિલન મામૂલી નહોતા, આખું બ્રિટિશ સામ્રાજ્ય હતું, જેની પાસે સેના, પોલીસ, જેલ, કાયદો ને બંદૂકો હતાં, જ્યારે ગાંધી પાસે એકેય હથિયાર નહોતું. ગાંધીના હીરોઇઝમમાં આ ‘અસમાન શક્તિ’નો મુકાબલો જ મોટો ડ્રામા હતો.
ભારતના ચંપારણમાં 1977માં નીલની ખેતી કરતા ખેડૂતો માટે લડવા ગયા ત્યારે અંગ્રેજોએ વિસ્તાર છોડવાનો આદેશ આપ્યો, પણ ગાંધી ગયા નહીં ને સજા સ્વીકારવાની તૈયારી બતાવી. પછી ખેડા, અમદાવાદ, અસહકાર અને દાંડીયાત્રાની ભવ્ય ચળવળ, જાણે એકદમ સુપરસ્ટારની લડતની સિક્વન્સ.
ગાંધી મોટા રાજકારણને સામાન્ય માણસ સમજી શકે એમ સૌને એકઠા કરીને ભવ્ય દૃશ્યમાં ફેરવી નાખતા. બ્રિટિશ સામ્રાજ્ય સામે સાબરમતીથી દરિયા સુધી ચાલીને એક મુઠ્ઠી મીઠું ઉપાડ્યું ને સામાન્ય માણસને સમજાયું કે જાલિમ સામ્રાજ્યનો કાયદો તોડી પણ શકાય છે.
ફિલ્મી હીરોને કે આજના નેતાઓને તાળીપીટ સંવાદો જોઈએ, પણ ગાંધી માત્ર ‘કરો અથવા મરો’ કે ‘ભારત છોડો’ જેવા પંચ કહીને કરોડોને ભેગા કરી શકતા!
નોર્મલ હીરો દુશ્મનને મારે, પણ આ હીરો પોતાને જ પીડે ને ખુદને ભૂખ્યો રાખે! મજૂરોનો પ્રશ્ન હોય, અસ્પૃશ્યતા હોય કે કોમી હિંસા, શબ્દો કામ ન કરે ત્યારે ‘ઉપવાસ’ના અસરકારક હથિયાર દ્વારા પોતાનું શરીર જ દાવ પર મૂકી દે. ગાંધી માત્ર અંગ્રેજો સામે લડતા રાજકીય નેતા નહોતા- એ અસ્પૃશ્યતા, સ્વચ્છતા, ધાર્મિક એકતા, ખાદી કે ગ્રામ ઉદ્ધાર જેવા સામાજિક પ્રશ્નો પણ ઉઠાવતા.
દરેક હીરોની જેમ ગાંધીના સંગીતની ઓળખ હતી: નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવ જન તો તેને કહીએ રે’ અને પ્રાર્થનાસભાઓમાં ‘રઘુપતિ રાઘવ રાજારામ’. ચરખો, મીઠું, મૌન, ભજન અને ઉપવાસ જેવી સાવ સામાન્ય વસ્તુઓને આ હીરોના સ્ટાઇલ સ્ટારસ્ટેટમેંટ્સ હતા. પણ ગાંધીજીમાં ઘણાં મો.ક.ગાંધી હતા!
કોઇપણ ક્લાસિક ફિલ્મમાં હીરોની નબળાઈ કે હાર દેખાય ત્યારે જ એ પાત્ર માનવીય અને ઊંડું બને. ‘મહાત્મા’ની અંદરનો મોહનદાસ ગૂંચવાયેલો હતો. કસ્તુરબા સાથે પ્રેમ હતો, પણ યુવાની માં અધિકારભાવ પણ હતો. પછી બંગાળી લેખિકા સંગીતકાર સરલાદેવી ચૌધુરાણી સાથે ગાઢ ભાવનાત્મક નિકટતા થઈ ને એક તબક્કે ગાંધીએ સરલાદેવીને ‘આધ્યાત્મિક પત્ની’ કહેલા. અહીં મહાત્માની પાછળ આકર્ષણ અને આત્મસંયમ વચ્ચે સંઘર્ષ કરતો હાડચામનો માણસ છે.ગાંધીના બ્રહ્મચર્યની કસોટી માટે ગાંધીએ યુવાન સ્ત્રીઓ સાથે નિર્વસ્ત્ર એક જ પથારીમાં સૂવાના ‘ખતરનાક’ પ્રયોગ કર્યા. ગાંધી માટે એ આત્મપરીક્ષા હતી, પરંતુ આજેય એ વાત પર પ્રશ્નો ઉઠતા રહે છે.
આખો દેશ જેને ‘બાપુ’ કહેતો એ મહાત્મા ગાંધીનો મોટો પુત્ર હરિલાલ બેરિસ્ટર બનવા માગતો હતો, પરંતુ પિતાના આદર્શો ને પુત્રની ઇચ્છાઓ વચ્ચે અંતર વધ્યું. પછી દારૂ, આર્થિક મુશ્કેલીઓ અને વેરવિખેર જીવન. દેશનો બાપુ, ખુદના દીકરા સુધી કેમ ન પહોંચી શક્યો? ‘ગાંધી, માય ફાધર’ ફિલ્મમાં આ જ કરુણતા દર્શાવી છે.
ગાંધીની પોલિટિકલ પટકથામાં બીજા પાત્રોયે જેવાંતેવાં નહોતા. સરદાર પટેલ વ્યવહારુ ને મજબૂત સહયોદ્ધા હતા. જવાહરલાલ નહેરુ પ્રિય, પરંતુ આધુનિક ભારત વિશે જુદું જ વિચારતા સાથી અને રાજકીય વારસદાર. સુભાષચંદ્ર બોઝને આઝાદી ગાંધી જેટલી જ વહાલી હતી, ગાંધી માટે પૂજ્યભાવપ્રેમ હતો, પરંતુ રસ્તો જુદો હતો. ડૉ. આંબેડકરના ઘર્ષણમાં અસ્પૃશ્યતા બંનેને અસ્વીકાર્ય હતી, પરંતુ આંબેડકર દલિતોની મુક્તિને માત્ર હૃદયપરિવર્તન નહીં, રાજકીય પ્રતિનિધિત્વ ને કાનૂની અધિકારોનો પ્રશ્ન માનતા હતા. એટલે એ મુદ્દે આંબેડકર ગાંધીમાં મતભેદ હતા જે ગાંધી ઉપવાસ સુધી ગયેલા. હિંદુવાદીઓ અને ઝીણા સામે તો અંત સુધી લડતા રહ્યા.
સિનેમાએ પણ ગાંધીને અનેક રીતે જોયા છે. એટનબરોની ‘ગાંધી’માં બેન કિંગ્સલેનો મહાત્મા મહાકાવ્યનો નાયક બન્યો ને ફિલ્મે આઠ ઓસ્કર જીત્યા. ‘ધ મેકિંગ ઑફ ધ મહાત્મા’એ દક્ષિણ આફ્રિકાનો મોહનદાસ શોધ્યો, ગાંધી, ભારતમાં પ્રતિબંધિત ‘નાઇન અવર્સ ટુ રામા’એ હત્યારા ગોડસે પર નજર ફેરવી ને ‘લગે રહો મુન્નાભાઈ’એ મહાત્માને ઇતિહાસની બોરિંગ બુક્સમાંથી બહાર કાઢીને નવી પેઢીને ‘ગાંધીગીરી’ આપી. હજી વેબસિરીઝ ને આવનારી ફિલ્મોમાં ગાંધી ‘પ્રગટ’ થતાં જ રહેશે.
પણ ગાંધી જેવા ખૂબ આદરણીય, મેદની એકઠી કરતા લોકનાયક કે અકલ્પનીય સુપરસ્ટારની સૌથી મોટી કરુણતા તેમની જીતમાં નહીં, તેની હારમાં છે. 1946માં પ.બંગાળના નોઆખાલીમાં હિન્દુ-મુસ્લિમ હિંસામાં ગામો સળગી રહ્યાં હતાં. બ્રિટિશરો સામે અહિંસાથી જીતનાર માણસ હવે પોતાના જ દેશવાસીઓને એકબીજાને મારતા કાપતા લાચારીથી જોઈ રહ્યો હતો. 77 વર્ષના ગાંધી કોઈ સેના કે સત્તા વગર ગામેગામ દંગાઓ અટકાવવા પગપાળા ફર્યા, લોકોએ પથ્થરો ફેંક્યા, માર્ગમાં કાચ વેર્યા, મળમૂત્રથી નવડાવ્યા, પણ ગાંધી ચાલતા રહ્યા.
હીરો ગાંધીની કથાનો ક્લાઇમેક્સ પણ એક્શન પેક: 15 ઑગસ્ટ 1947એ દિલ્હી ઉજવણીમાં ઝગમગતું હતું, પરંતુ આઝાદીના હીરો ગાંધી પશ્ર્ચિમ બંગાળમાં રખડતા હતા. જાન્યુ.1948માં હિંદુ-મુસ્લિમોના આગેવાનોએ શાંતિનું વચન આપ્યું ત્યારે બાપુએ ઉપવાસ છોડ્યા. 20 જાન્યુઆરીએ તેમની પ્રાર્થનાસભામાં બૉમ્બ ફાટ્યો, બચી ગયા. 10 દિવસ પછી, 30 જાન્યુઆરીની સાંજે પ્રાર્થનાસભાની ભીડને ધકેલીને નાથુરામ ગોડસેએ ત્રણ ગોળીઓ ચલાવી.
વાર્તાની શરૂઆતમાં એક માણસને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો ને તે ફરી ઊભો થયો હતો, જયારે અંતે ત્રણ ગોળી બાદ આ હીરો ફરી ઊભો થઇ શક્યો નહીં. આજીવન અહિંસાનો ઉપાસક, જેનો અંત હિંસાથી થયો.
ગાંધી હીરો કે મહાત્મા હતા કે નિષ્ફળ મહાપુરુષ? છેલ્લે છેલ્લે ખુદ ગાંધી પોતાને ‘78 વરસનો નકામા બુઢો’ કહેતા, પણ સત્યને શોધવા મથતા અને સત્યના પ્રયોગોમાં અને પછી પણ સાવ ઇમાનદારીથી પોતાની ખુદની નબળાઇ, લાચારી બધું જ સાચેસાચું લખનાર એકમાત્ર મહાન ગુજરાતી-ભારતીય લેખક પણ હતા. ‘કડું કપાયું, કરજ ફિટ્યું’ જેવાં ચોટદાર વાક્યો- સિનેમેટિક સાદી ટૂંકા લેખનથી આખી કૃત્રિમ સાહિત્યિક ભાષાને બદલી નાખી. દેશભરમાં ‘ગાંધી સાહિત્ય’ લખાયું ‘ગાંધી ચિત્રો’ રચાયા.
પોરબંદરનો એ શરમાળ છોકરો આજે ભારતની ઓળખ છે. માર્ટિન લ્યુથર જુનિયરે કે નેલ્સન મંડેલાએ ગાંધીની અહિંસક લડાઇમાંથી જ સંઘર્ષનો માર્ગ શોધ્યો એટલે ગાંધીને અમિતાભ, શાહરુખ કે રાજેશ ખન્ના કરતાં ‘મોટો સુપરસ્ટાર’ કહી શકાય, જો કાલ્પનિક સિનેમેટિક સરખામણી થાય તો!
બીજા સુપરસ્ટાર્સ પાસે સિનેમાનો પડદો હોય છે, પણ ગાંધીનો પડદો તો આખા ઇતિહાસનો વિશાળ પટ છે!