Mon Oct 05 2026

Logo

કવર સ્ટોરીઃ ગાંધીજીનું ગીત ઝીણા માટે... સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય!

2026-10-02 07:41:00
Author: Hema Shastri
કવર સ્ટોરીઃ ગાંધીજીનું ગીત ઝીણા માટે... સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય!

 

હેમા શાસ્ત્રી

મોહનદાસ કરમચંદ ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા. ગાંધીજી પ્રખર રાષ્ટ્ર પુરુષ, મહાત્મા અને બાપુ તરીકે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત. બીજા ધર્મનિરપેક્ષ પાકિસ્તાનની કલ્પના કરનારા કાયદ-એ-આઝમ અને પાકિસ્તાનમાં સીમિત લોકપ્રિયતા અને પાકિસ્તાનની બહાર તો ગાંધીજીની તુલનામાં રતીભાર પણ આદર-સન્માન નહીં. બ્રિટિશ હુકૂમતના અંત સાથે ગાંધીજી અખંડ ભારત ઈચ્છતા હતા, જ્યારે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરનારા ઝીણા ભાગલાની તરફેણમાં હતા. ઝીણાએ મુસ્લિમ રાષ્ટ્રની કલ્પના સાકાર કરી, પણ આપણા દેશનો અમુક હિસ્સો છીનવીને. 1947માં આપણને સ્વતંત્રતા મળી, પણ પાકિસ્તાન લગાતાર આપણો પ્રદેશ પચાવી પાડવાની કોશિશ કરતું રહ્યું છે. 

આ વાત વિસ્તરી ચિત્રપટ સૃષ્ટિમાં પણ જોવા મળી. ફિલ્મોની દુનિયામાં પણ ચોરી-ઉઠાંતરીના કિસ્સા લોલિવૂડ (લાહોર + હોલિવૂડ) તરીકે ઓળખાતી પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેશના ભાગલા પછીના પ્રારંભિક કાળમાં જોવા મળ્યા હતા. પાકિસ્તાની સિનેમાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક બ્લોકબસ્ટર ફિલ્મોની અઘોષિત નકલ કરી છે. એક દલીલ એવી થઈ હતી કે ભાગલા પહેલાં બંનેના સિનેમા ઇતિહાસમાં સામ્ય હોવાથી લોકો જેને નકલ કે ઉઠાંતરી સમજતા હતા એ વાસ્તવમાં સાંસ્કૃતિક મૂળિયાં સમાન હોવાનું પરિણામ હતું.

જોકે, 1956માં પાકિસ્તાનમાં રિલીઝ થયેલી ‘બેદારી’ નામની ફિલ્મ તો હિન્દી ફિલ્મની બેઠી ઉઠાંતરી હતી. અને હદ તો એ વાતની હતી કે હિન્દી ફિલ્મના ગાંધીજીને સમર્પિત એક બેહદ લોકપ્રિય ગીતના શબ્દોમાં થોડો ફેરફાર કરી પાકિસ્તાનના મોહમ્મ્દ અલી ઝીણાને એ ગીત સમર્પિત કરવામાં આવ્યું હતું. જોકે, અંતે સૂંઠને ગાંગડે ઝીણાને ગાંધીજી જેવા મહાન ચીતરવાનો પ્રયાસ માથે પડ્યો, કારણ કે ફિલ્મ પર સરકારે જ પ્રતિબંધ મૂકી દીધો - મૂકવો પડ્યો.

આ વાત વિગતે જાણવી જોઈએ. 1947-1956 એ આઝાદી પછીના પ્રથમ દાયકામાં હિન્દી ફિલ્મોના નિર્માણમાં દેશભક્તિ ફિલ્મોના નિર્માણને પ્રાધાન્ય હતું. એ સમયની હિન્દી ફિલ્મોના નિર્માણમાં અગ્રેસર ફિલ્મીસ્તાન કંપનીના શશધર મુખરજીએ ‘જાગૃતિ’ (1954) ફિલ્મનું નિર્માણ કર્યું હતું. સત્યેન બોઝ દિગ્દર્શિત આ ફિલ્મ એમના જ બંગાળી ચિત્રપટ ‘પરિબર્તન’ની રિમેક હતી. 

‘જાગૃતિ’ને ખાસ્સી સફળતા મળતા પાકિસ્તાનના મેકરોની દાઢ સળકી. એ લોકો દ્વારા ‘બેદારી’ નામથી એની બેઠી નકલ કરવામાં આવી.આખેઆખી સ્ક્રિપ્ટની નકલથી આગળ વધી ‘બાપાનો માલ’ સમજી ફિલ્મના ગીત - સંગીતની પણ ઉઠાંતરી કરી. હિન્દીમાં લખાયેલા ડાયલોગનું ઉર્દૂ સંસ્કરણ કરવામાં આવ્યું. ભારતીય પ્રતીકો અને મહાનુભાવોની જગ્યાએ પાકિસ્તાની પ્રતીકો અને મહાનુભાવોને ગોઠવી દેવાનો ભદ્દો પ્રયાસ કરવામાં આવ્યો.

ચોરીના મામલાની શરૂઆત ફિલ્મના ટાઈટલથી જ કરવામાં આવી. પાકિસ્તાની ફિલ્મનું નામ હતું ‘બેદારી’ જેનો અર્થ થાય છે જાગૃતિ. રસપ્રદ વાત એ છે કે ‘જાગૃતિ’માં દિવ્યાંગ બાળકનો રોલ કરનારા રતન કુમારે ‘બેદારી’ ફિલ્મમાં પણ એ જ બાળકનો રોલ કર્યો હતો. રતન કુમારનું અસલી નામ સૈયદ નઝીર અલી રિઝવી હતું. ‘જાગૃતિ’ રિલીઝ થયા પછી એ પાકિસ્તાન જતો રહ્યો હતો. સંભવ છે કે તેણે જ સુપરહિટ ફિલ્મની ઉઠાંતરીનો આઈડિયા આપ્યો હશે.

ઉઠાંતરીની સૌથી ચોંકાવનારી વાત હતી ગીતોની. ‘જાગૃતિ’ ફિલ્મનું ગીત ‘આઓ બચ્ચો તુમ્હે દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી’ ના કેટલાક શબ્દો બદલાવી ‘આઓ બચ્ચો તુમ્હેં કરાએં સૈર પાકિસ્તાન કી’ કરી નાખ્યું અને ગાંધીજીને સમર્પિત સુપરહિટ સોંગની જગ્યાએ મોહમ્મદ અલી ઝીણાને બેસાડી દેવા ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ને ફેરવી ‘યૂં દી હમેં આઝાદી કી દુનિયા હુઈ હૈરાન, અય કાયદ-એ-આઝમ તેરા એહસાન હી એહસાન’ કરવાની ધૃષ્ટતા કરી. 

‘બેદારી’ને પાકિસ્તાનમાં ધૂમ સફળતા મળી, પણ જ્યારે પાકિસ્તાન સેન્સર બોર્ડને ભારતીય ફિલ્મની નકલની ખબર પડી એ સાથે તાબડતોબ ‘બેદારી’ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. વાત આટલેથી પૂરી નથી થઈ જતી. આ નાપાક હરકતનો વધુ એક મણકો હજી બાકી છે.

સમય સાથે પાકિસ્તાનીઓ ‘બેદારી’ ફિલ્મનાં ગીતો ભૂલી સુધ્ધાં ગયા. પણ નકલ કરનારાઓની અકલ હજી સાબૂત હતી. વધુ એક હરકત કરવાની ધૃષ્ટતા રોકી ન શકાઈ. 40 વર્ષ પછી 1990ના દશકમાં ‘યૂં દી હમેં આઝાદી કી દુનિયા હુઈ હૈરાન’ ગીતને થોડા ફેરફાર સાથે રિમિક્સ કરી રજૂ કરવામાં આવ્યું. જોકે, કોઈએ ચાડી ખાધી કે આ ગીત તો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત ગીતની આબેહૂબ નકલ છે એટલે સેન્સર બોર્ડ સફાળું જાગ્યું અને ગીત પર ફરી મનાઈહુકમ ફરમાવી દીધો.

આ સમગ્ર મામલે પાકિસ્તાન સેન્સર બોર્ડના ભૂતપૂર્વ સભ્ય સૈયદ જી.બી. શાહ બુખારીએ પાકિસ્તાનના ફિલ્મ ઉદ્યોગ વિશે એક લેખ લખ્યો હતો , જેમાં ‘જાગૃતિ’ અને ‘બેદારી’નો પણ ઉલ્લેખ હતો. બુખારીએ લખ્યું હતું કે ‘ભારતીય ફિલ્મોની આયાત અને પ્રદર્શન પર પાકિસ્તાનમાં પ્રતિબંધ હોવાને કારણે તકનો લાભ લઈ 1956માં લાહોરના ફિલ્મ પ્રોડ્યુસરોએ ભારતીય ફિલ્મ ‘જાગૃતિ’ની કથા અને ગીતની બેઠી નકલ કરી ‘બેદારી’ નામની ફિલ્મ બનાવી નાખી.’ ભારતીય ફિલ્મો સાથે નાતો યેનકેન પ્રકારે જાળવી રાખવાની આ મથામણ જ હતી ને!