Thu May 07 2026

Logo

1970માં આશા ભોસલેના આ બૅડમિન્ટન આધારિત ગીતે ધૂમ મચાવી હતી

2026-04-12 18:23:18
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ બૉલિવૂડમાં રમત પર આધારિત બહુ ઓછા ગીત (Song) બન્યા છે અને એમાંનું એક ગીત છે, `હમજોલી'નું સૉન્ગ. આશા ભોસલે (Asha Bhosle)એ 1970ના દાયકામાં મોહમ્મદ રફી સાથે ગાયેલાં `હમજોલી' ફિલ્મના ગીતે ધૂમ મચાવી દીધી હતી અને હજી આજે પણ અસંખ્ય સંગીતપ્રેમીને એ સૉન્ગની શરૂઆતની લાઇનો કંઠસ્થ હશે જ. 

સંગીતપ્રેમીઓના હૈયા ડોલાવતું `ઢલ ગયા દિન...હો ગઈ રાત...જાને દો...જાના હૈ...' ગીત જિતેન્દ્ર અને લીના ચંદાવરકર પર આધારિત હતું. ગીતકાર આનંદ બક્ષી દ્વારા લિખિત એ ગીતમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું મધુર સંગીત હતું.

`હમજોલી' ફિલ્મમાં કુલ છ ગીત હતા, પરંતુ બૅડમિન્ટન પર આધારિત આ સૉન્ગ સૌથી લોકપ્રિય બન્યું હતું. જિતેન્દ્ર એ ગીતમાં સફેદ ડ્રેસમાં સજ્જ હતો અને લીના ચંદાવરકર ગુલાબી ડ્રેસમાં હતી. આ ગીત લોકપ્રિય થયું એની સાથે ભારતમાં અસંખ્ય લોકોએ બૅડમિન્ટન રમવાનું શરૂ કરી દીધું હતું.

એ ફિલ્મ 1970માં રિલીઝ થઈ હતી. જિતેન્દ્ર ત્યારે 12 વર્ષથી ફિલ્મોમાં અભિનય કરતો હતો, પણ લીના ચંદાવરકર ત્યારે બે વર્ષથી જ બૉલિવૂડમાં પ્રવેશી હતી અને `હમજોલી'ના આ ગીતે તેને જોત જોતામાં લોકપ્રિય બનાવી દીધી હતી. સ્ટાઇલભાઈ જીતુભાઈનો ફૅનબેઝ ત્યારે ખૂબ વધી ગયો હતો.