Fri Apr 17 2026

Logo

આમાં વાંક કોનો... સંતાનનો કે વડીલનો?

2026-04-16 10:37:00
Author: Neela Sanghvi
Article Image

નીલા સંઘવી

આપણે હંમેશાં વૃદ્ધો સાથે બનતી ઘટનાઓમાં સંતાનોનો વાંક જોતા હોઈએ છીએ. જોકે હંમેશાં એવું હોતું નથી. દરેક વખતે સંતાનનો જ વાંક હોય અને વડીલો નિર્દોષ હોય, તેમની કોઈ ભૂલ ન હોય તેવું  નથી. ઘણીવાર વડીલો એવી જીદ કરતા હોય છે કે અણસમજ દાખવતા હોય છે કે પરિવારજનો ત્રાસી જાય ...

આ લો, અશોકભાઈનો જ દાખલો લો. અશોકભાઈ પત્ની આશાબહેન સાથે પુત્રનો પરિવાર પણ રહે છે. પુત્ર-પુત્રવધૂ અને તેમનાં  બે સંતાન. બન્ને સંતાન પણ યુવાવસ્થામાં પ્રવેશી ચૂક્યાં છે. છ જણનો પરિવાર બે બેડરૂમના ઘરમાં રહે છે. આ ઘરમાં તે લોકો  તાજેતરમાં જ શિફ્ટ થયા છે. આના પહેલાં એક બેડરૂમના ઘરમાં રહેતા હતા. જગ્યાની બહુ સંકડાશ પડવાને કારણ અશોકભાઈના દીકરાએ લોન લઈને બે બેડરૂમનું ઘર લીધું. એક બેડરૂમનું ઘર અશોકભાઈનું છે. આ બે બેડરૂમનું ઘર તેમના દીકરાએ લીધું છે. બધાં અહીં શિફ્ટ થઈ ગયા તેથી એક બેડરૂમનું ઘર ખાલી છે.

અશોકભાઈને પોતાનું ઘર વેચવું નથી.
એમના દીકરાના માથા પર ઘણી જવાબદારી છે. તેમના દીકરો-દીકરી ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે તેમની મોટી મોટી ફી ભરવી પડે છે. તેમના ક્લાસીસની ફી પણ લાખોમાં હોય છે. છ જણનો પરિવાર એટલે ખાવાપીવાનો, ઈલેક્ટ્રિસિટીનો બધો જ ખર્ચ ઘણા વધારે. તો પણ દીકરાની વહુ કામઢી છે, કરકસરથી જીવવાવાળી છે એટલે ઘર ચાલે છે. એમાં સંકડાશને કારણે ઘર લેવું જરૂરી હતું.  

લોન લઈને ઘર લીધું હવે લોનના ઈએમઆઈ ભરવાના. તેમાં 70 વર્ષની વય વટાવી ચૂકેલા માતા- પિતા છે એ વારેઘડીએ સાજા-માંદા થાય તો તેમની દવા તેમ જ સારવારનો ખર્ચ ઉઠાવવો પડે. અશોકભાઈ પોતે તો વર્ષોથી રિટાયર્ડ થઈ ગયા છે. એમની પાસે કંઈ ઝાઝી મૂડી કે બચત નથી. તેથી તેમનો બધો જ ખર્ચ તેમના દીકરા અજયની માથે જ છે. નવું ઘર લેવા પહેલાં અજયે પિતા અશોકભાઈને કહ્યું હતું,

‘પપ્પા, આપણે જો આ ઘર વેચી દઈએ તો ઉપર વધારે પૈસા ન નાખવા પડે અને મારે લોન ઓછી લેવી પડે.’ 

અજયની વાત સાંભળીને અશોકભાઈ ગુસ્સે થઈ ગયા હતા, ‘ના, ભાઈ ના, મારી જગ્યાનું મારું ઘર મારે વેચવું નથી. તારે મોટી જગ્યા લેવી હોય તો લે. નહીં તો અહીં શું ખોટું છે?’

‘પપ્પા, સંકડાશ પડે છે, છોકરાંઓને અભ્યાસ કરવા માટે યોગ્ય વાતાવરણ નથી મળતું.  શાંતિથી અભ્યાસ નથી કરી શકતા.’
‘એ તારો પ્રોબ્લેમ છે. તું જાણે ને તારા છોકરાં જાણે. મેં તો આ ઘર લીધું છે એમાં સૌ રહો, મારી ક્યાં ના છે? પણ ઘર વેચવાની વાત ક્યારેય ન કરતો.’

અજયની વિનવણી, સમજાવટ છતાં અશોકભાઈ એકના બે ન થયા. અને અજયે મસમોટી લોન લેવી પડી. હવે ઘરખર્ચ, દવા, ભણતર અને બેન્કના લોનના હપ્તા ભરતા ભરતા અજય હાંફી જાય છે. અશોકભાઈ બધું જુએ છે, બધું જાણે છે પણ તેમનું રુંવાડુંય ફરકતું નથી. ઉપરથી જ્યારે જુઓ ત્યારે અશોકભાઈ અજયને ઓર્ડર છોડતા હોય, મારા ચશ્માં તૂટી ગયા છે, નવા કરાવવા પડશે. પૈસા આપજે. મારા ડ્રાયફ્રૂટ ખલાસ થઈ ગયા છે લેતો આવજે. મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે, નવો લેવા પડશે પૈસા આપજે.

અજયને ખરાબ લાગે છે. એ કહે છે : ‘પપ્પાને જોઈએ છે બધું-મદદ કાંઈ નથી કરવી. પપ્પાએ ઘર વેચીને પૈસા આપ્યા હોત તો નવું ઘર તેમના જ નામ પર લેવાનો હતો, કાંઈ થોડો મારા નામ પર લેત? હું ને મારી પત્ની મમ્મી-પપ્પાનું આટલું ધ્યાન રાખીએ છીએ. જો તેમણે મદદ કરી હોત તો અમારું તેમના પ્રત્યે કેટલું માન વધી જાત? માતા-પિતાનું કરવાની મારી ફરજ હું ક્યારેય ચૂકવાનો નથી. પણ એ લોકોએ પણ મારી મુશ્કેલી સમજવી જોઈએ.’ 

ઘર-પરિવારની જવાબદારી-બોજ ઊંચકતા ઊંચક્તા અજય થાક્યો છે. તે પણ નાનો નથી. પચાસ વર્ષનો થયો. ઓફિસમાં કામ કરવા ઉપરાંત બીજી જગ્યાએ વધારાનું કામ કરી લીધું છે, ઓવરટાઈમ કરે છે. ઘરે આવે છે ત્યારે થાકીને લોથપોથ થઈ જાય છે. અજયની પત્નીને અજયની ચિંતા થાય છે પણ અશોકભાઈ તો પોતાની મસ્તીમાં મસ્ત છે. અજયની તકલીફ જોઈને તેની પત્નીએ એક વાર પોતાના સસરા અશોકભાઈને કહ્યું, ‘પપ્પા, અજય હમણાં ખૂબ થાકી જાય છે.’

‘તો હું શું કરું? એને કહે થોડું કામ ઓછું કરે, આરામ કરે.’
‘કામ ઓછું કરશે તો ખર્ચા કેવી રીતે કાઢશે, પપ્પા?’
‘તારે શું કહેવું છે, મુદ્દાની વાત કરને અશોકભાઈ ચિડાયા.’

‘પપ્પા, હું એમ કહેતી હતી કે આપણું જૂનું ઘર ખાલી પડ્યું છે તેનું મેઈન્ટેનન્સ ભરવું પડે છે. કાંઈ બગડે કરે તો રિપેર કરાવવું પડે છે અને બંધ ઘર ખરાબ થઈ જશે. ભલે તમારે ઘર વેચવું નથી તો કાંઈ નહીં, પણ ભાડે તો આપી શકાય ને? ઘરનું ભાડું આવશે તો મેઈન્ટેનન્સ એમાંથી ભરાઈ જશે અને તમારા બન્નેનો દવાદારૂનો ખર્ચ તેમાંથી નીકળી જશે તો અજયને રાહત થઈ જશે.

‘એટલે તું અમારા દવાદારૂનો ખર્ચ ગણાવવા બેઠી છે એમને? અમે કાંઈ તારી પાસેથી પૈસા નથી લેતા. અજય મારો દીકરો છે એની ફરજ છે. મા-બાપનું કરવાની એમાં તારે કાંઈ ઉપકાર જતાવવાની જરૂર નથી અને તું અને અજય બન્ને કાન ખોલીને સાંભળી લો - હું મારું ઘર નથી વેચવાનો. નથી ભાડે આપવાનો.

આપણે જાણીએ છીએ કે સંતાનને બધું આપી નથી દેવાનું પણ એમને ખરેખર જરૂર હોય ત્યારે બનતી મદદ કરવાની માતાપિતાની પણ ફરજ છે. ફક્ત કરાવવાનું અને કરવાનું કાંઈ નહીં. આવું તો ન ચાલેને?