Fri Apr 17 2026

Logo

ભાજપની ધાકથી ગુંડાઓ ફફડી ઉઠ્યા છેઃ નીતિન પટેલ

2026-04-17 09:50:00
Author: MayurKumar Patel
Article Image

મહેસાણાઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે કડીમાં ચૂંટણીસભાને સંબોધતા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ સરકારની ધાક એવી વધી છે કે ગુંડાઓ પણ ફફડી ઉઠ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ધાકથી લુખ્ખા તત્વો શાંત થયા છે.

બીજું શું બોલ્યા નીતિન પટેલ

કડીમાં ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાહુલ ગાંધી હજી સુધી અયોધ્યામાં રામ મંદિરે ગયા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પણ કોંગ્રેસના નેતાઓ આવ્યા નથી. 60 વર્ષ સુધી રાજ કરનારો પક્ષ રમણભમણ થઈ ગયો છે. ભાજપની ફૂલ ગેરંટી સામે કોંગ્રેસની નો ગેરંટી છે.

ભાજપ સરકારની ધાકથી ગુંડાઓ પણ ફફડી ઉઠ્યા

આ ઉપરાંત નીતિન પટેલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સરખાવ્યા હતા.તેમણે કહ્યું કે, આપણા સીએમ યુપીના સીએમ જેવા કડક બન્યા છે. ખોટું કરનારાને છોડવામાં આવશે નહીં. ભાજપ સરકારની ધાક એવી વધી છે કે ગુંડાઓ પણ ફફડી ઉઠ્યા છે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની ધાકથી લુખ્ખા તત્વો શાંત થયા છે.

કડીમાં જમીનોના ભાવ કરોડોમાં પહોંચ્યા

કડીના મતદારોને સંબોધતા નીતિન પટેલે કહ્યું હતું કે, કડીમાં ફોર લેન રોડ અને નર્મદાના નીર ભાજપની સરકારે પહોંચાડ્યા છે. સરકારે એવો વિકાસ કર્યો છે કે કડીમાં જમીનોના ભાવ કરોડોમાં પહોંચ્યા છે.

થોડા મહિના પહેલા પણ નીતિન પટેલે કોંગ્રેસ અને AAP પરઆકરા પ્રહારો કર્યા હતા. કડીમાં સરદાર પટેલ ગ્રુપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિરોધી રાજકીય પાર્ટીઓને નિશાને લીધી હતી. તેમણે કહ્યું, હું કોઈ રાજકીય પાર્ટીની વાત કરતો નથી. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP)ને નિશાન બનાવી હતી.  તેમણે કહ્યું 'આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે.   નીતિન પટેલે ભ્રષ્ટાચાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું – તેઓ કડીમાં કોઈ પણ પ્રકારનું ખોટું કામ થવા દેશે નહીં.