Fri May 01 2026

Logo

પ્રવાસીઓ માટે ખુશખબર: કરી રોડ-લોઅર પરેલ વચ્ચે ₹98 કરોડના ખર્ચે બનશે નવો કોચિંગ ડેપો, શું ફાયદો થશે

2026-04-07 16:56:24
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈના રેલ મુસાફરો માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલવેએ આગામી દિવસોમાં વધુ ટ્રેનો ચલાવવા અને હાલની સમસ્યાઓ દૂર કરવા માટે એક નવો કોચિંગ ડેપો સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ નવો ડેપો કરી રોડ અને લોઅર પરેલ વચ્ચે 98 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.

નવા ડેપોમાં ટ્રેનના કોચની જાળવણી, નિરીક્ષણ અને સફાઈ માટે બે પીટ લાઇન અને ટ્રેનોના પાર્કિંગ માટે સાત સ્ટેબલિંગ લાઇન હશે. પીટ લાઇનને 31 માર્ચે મંજૂરી આપવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ 15 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સ્ટેબલિંગ લાઇનના કામને પણ ટૂંક સમયમાં અંતિમ મંજૂરી મળે તેવી શક્યતા છે.  

હાલમાં, મુંબઈ સેન્ટ્રલ ખાતે પીટ લાઇનોની ક્ષમતા પુરી થઇ ગઈ છે, હવે નવી ટ્રેનો માટે પૂરતી જગ્યા નથી. આ બધા કારણોસર, મુંબઈ સેન્ટ્રલ અને દાદરથી લાંબા અંતરની નવી ટ્રેનો શરૂ કરવામાં મોટા અવરોધો હતો. તેથી, નવા ડેપોથી આ સમસ્યા ઉકેલાશે.

અંતરની દ્રષ્ટિએ પણ આ ડેપો મહત્વપૂર્ણ છે. આ ડેપો મુંબઈ સેન્ટ્રલથી લગભગ 2 કિમી અને દાદરથી 2.5 કિમી દૂર છે. જેથી,આ બંને ટર્મિનલો માટે અનુકૂળ રહેશે.

એટલું જ નહીં, પશ્ચિમ રેલ્વે હાલમાં વંદે ભારત, એસી લોકલ અને 15 કોચવાળી ઉપનગરીય ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહી છે. આગામી દિવસોમાં આ વધારાને પહોંચી વળવા નવો ડેપો બનાવવામાં આવી રહ્યો છે. આનાથી હાલની પીટ લાઇનો પર દબાણ ઘટશે અને નવી સેવાઓ માટે જગ્યા ઉપલબ્ધ થશે.