Fri Sep 04 2026

Logo

મુંઢે ઈમ્પેક્ટ: પશ્ચિમ રેલવેએ કેટરિંગ સ્ટાફ માટે યુનિફોર્મ, ગ્લવ્સ અને હેર નેટ 'ફરજિયાત' કર્યાં

2026-08-26 20:34:24
Author: Mumbai Samachar Team
મુંઢે ઈમ્પેક્ટ: પશ્ચિમ રેલવેએ કેટરિંગ સ્ટાફ માટે યુનિફોર્મ, ગ્લવ્સ અને હેર નેટ 'ફરજિયાત' કર્યાં

મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા જાળવવા ૧૦ સપ્ટેમ્બરથી નવા નિયમોનો કડક અમલ થશે

મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફૂડ ક્વોલિટી મુદ્દે એફડીએના કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પછી સમગ્ર રાજ્યના સરકારી એકમથી લઈને ખાનગી રેસ્ટોરામાં વધુ સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ફૂડ આપવા એક્ટિવ થયા છે. જોકે, રેલવે ફૂડ સ્ટોલ્સ પર સ્વચ્છતા અને દેખાવમાં સુધારો કરવાના હેતુથી વેસ્ટર્ન રેલવેએ મુંબઈ ડિવિઝનના તમામ અધિકૃત કેટરિંગ સ્ટોલ્સ અને યુનિટ્સમાં કામ કરતા કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત બનાવ્યો છે. કેટરિંગ કર્મચારીઓએ ફરજ દરમિયાન ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લવ્સ અને હેર નેટ્સ પણ પહેરવા પડશે.

રેલવે સ્ટેશનો પર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે,ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોઈસર ખાતેના એક કેટરિંગ આઉટલેટમાં સમોસાં છાપાના કાગળમાં વીંટાળીને વેચાતા હોવાનું માલૂમ પડ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. 

પશ્ચિમ રેલવેએ સમગ્ર મુંબઈ ડિવિઝનમાં કેટરિંગ યુનિટ્સ પર તપાસ વધારી દીધી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ રેલ્વે મેનેજર આદિશ પઠાનિયાએ તમામ લાઇસન્સધારક કેટરિંગ ઓપરેટરોને તેમનો સ્ટાફ નિર્ધારિત ડ્રેસ અને સ્વચ્છતાના ધોરણોનું પાલન કરે છે તે ખાતરી કરવાના નિર્દેશ આપ્યા છે.

કેટરિંગ લાઇસન્સ ધારકોને આપવામાં આવેલી સૂચનાઓ મુજબ, કર્મચારીઓએ કાળા કોલર અને કાળા બટનવાળી લાલ પોલો ટી-શર્ટ, કાળા ફૂલ-લેન્થ ટ્રાઉઝર, કાળું હાફ-એપ્રન અને કાળા પગરખાં પહેરવાના રહેશે. યુનિફોર્મ સ્વચ્છ, યોગ્ય રીતે ઇસ્ત્રી કરેલો અને સારી સ્થિતિમાં હોવો જોઈએ.

નવા નિયમો ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬થી અમલમાં આવશે અને પશ્ચિમ રેલવેએ ચેતવણી આપી છે કે તેનું પાલન ન કરવા બદલ લાઇસન્સધારક અને સંબંધિત કર્મચારી બંને સામે કાર્યવાહી થઈ શકે છે. સ્ટેશનના કમર્શિયલ મેનેજર અને કમર્શિયલ ઇન્સ્પેક્ટરોને નિરીક્ષણ દરમિયાન ગણવેશ અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે અને તેના અહેવાલો સીધા વિભાગીય કાર્યાલયને મોકલવાના રહેશે.