Fri Sep 04 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં બે લોકોના મોત

2026-05-06 21:34:59
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં બે લોકોના મોત

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસામાં બે લોકોના મોત થયા છે. આ અંગે રાજ્યના ડીજીપી સિદ્ધિનાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આસનસોલ, કૂચ બિહાર અને બરુઈપુરમાં સૌથી વધુ હિંસક ઘટનાઓ નોંધાઈ છે. નાનુર અને ન્યુટાઉનમાં હિંસાની ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે લોકોને શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી છે. 

અત્યાર સુધીમાં 433 વ્યક્તિઓની ધરપકડ

આ ઉપરાંત ડીજીપી સિદ્ધિનાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગઈકાલ સુધીમાં હિંસાના સંદર્ભમાં કુલ 200 એફઆઇઆર  નોંધાઈ છે.  પોલીસે અત્યાર સુધીમાં 433 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જ્યારે 1,100 અટકાયત કરવામાં આવી છે. સામાન્ય જનતાને અપીલ કરતા  તેમણે દરેકને કાયદો પોતાના હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે. 

 મમતા બેનર્જીનું Z+ સુરક્ષા કવચ ચાલુ રહેશે

આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોનો સમાવેશ કરતો સંયુક્ત નિયંત્રણ ખંડ પણ સ્થાપિત કરવામાં આવશે. ડીજીપીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે મમતા બેનર્જીનું Z+ સુરક્ષા કવચ ચાલુ રહેશે. તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓને અન્ય ફરજો પર ફરીથી સોંપવામાં આવી છે.