Sun Jul 26 2026

Logo

પશ્ચિમ બંગાળની શાળાઓમાં શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને ભણાવાશે

2026-07-06 19:12:30
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં આગામી શૈક્ષણિક સત્રથી શાળાના પાઠ્યપુસ્તકોમાં શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને ભણાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખ્યાત શિક્ષણવિદ અને રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે સીએમ સુવેન્દુ અધિકારીએ આ જાહેરાત કરી હતી.

નવી પેઢીને રાષ્ટ્રવાદી વિચારોથી પરિચિત કરાવવી એ સમયની માંગ 

આ અંગે સીએમ  સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે પશ્ચિમ બંગાળની રચના, રાષ્ટ્રવાદ પરના તેમના વિચારો, સંસદમાં તેમના ભાષણો અને કેન્દ્રીય મંત્રી અને કોલકાતા યુનિવર્સિટીના કુલપતિ તરીકેની તેમની ભૂમિકા જેવા વિષયો શીખવવા જોઇએ. તેમણે મિત્રા ઇન્સ્ટીટ્યુટના નવીનીકરણ માટે  રૂપિયા 25 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી પેઢીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના વ્યક્તિત્વ અને રાષ્ટ્રવાદી વિચારોથી પરિચિત કરાવવી એ સમયની માંગ છે.

વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવી જોઇએ 

કોલકાતામાં મિત્રા ઇન્સ્ટીટ્યુટની મુલાકાત સમયે સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે આ એ શાળા હતી જ્યાં ડૉ. મુખર્જીએ શિક્ષણ મેળવ્યું હતું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવી એ ડૉ. મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમણે ઉમેર્યું કે દેશને બધાથી ઉપર રાખવાનો સંદેશ આજે પણ એટલો જ સુસંગત છે જેટલો ડૉ. મુખર્જીના સમયમાં હતો.