ભરત ભારદ્વાજ
પશ્ચિમ બંગાળમાં સત્તા ગઈ એ સાથે જ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસમાં ડખા ચાલુ થઈ ગયા છે અને મમતા સામે જ બળવો થઈ ગયો છે. મમતા બેનરજીએ ગયા અઠવાડિયે શોભનદેવ ચેટરજીને વિધાનસભામાં વિપક્ષના નેતા અને ફિરહાદ હકીમને મુખ્ય દંડક નિમ્યા તેની સામે ઋતબ્રત બેનરજી અને સંદીપન સહાએ વાંધો લીધેલો. અકળાયેલાં મમતાએ સોમવારે બેનરજી અને સહા બંનેને તગેડી મૂકેલા.
બેનરજી-સહાની જોડીએ ડર્યા વિના મમતા સામે બાંયો ચડાવી છે અને વિધાનસભાના સ્પીકરને મળીને શોભનદેવને નહીં પણ ઋતબ્રત બેનરજીને વિપક્ષના નેતાપદે નિમવા માટે રજૂઆત કરી છે. સહા-બેેનરજીનો દાવો છે કે, પોતાની તૃણમૂલ કૉંગ્રેસ જ સાચી છે કેમ કે બહુમતી ધારાસભ્યો પોતાની સાથે છે તેથી સ્પીકરે કશું વિચાર્યા વિના બેનરજીને વિપક્ષનું નેતાપદ આપી દીધું.
ઋતબ્રત બેનરજી ને સંદીપન સહાની જોડીનો દાવો છે કે, તૃણમૂલ કૉંગ્રેસના 80માંથી 58 ધારાસભ્યોનો બેનરજીને ટેકો છે ને લોકશાહીમાં જેની પાસે બહુમતી હોય એ નેતા બને એ જોતાં બેનરજીને વિપક્ષના નેતાપદ આપવું જોઈએ. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરપદે ભાજપના રતિન્દ્ર બોઝ છે. બેનરજી-સહાએ 58 ધારાસભ્યોની સહી સાથેનો પત્ર પણ આપ્યો છે. બોઝ ધારાસભ્યોની સહીઓ સાચી છે કે નહીં તેની ચકાસણી કરીને એકાદ-બે દિવસમાં નિર્ણય લેશે.
મોટા ભાગે આ નિર્ણય બેનરજીની તરફેણમાં જ આવશે કેમ કે ભાજપ મમતા બેનરજીની મેથી મારવાની તક નહીં છોડે. આ કારણે ઋતબ્રત વિપક્ષના નેતા બને એવી પ્રબળ શક્યતા છે પણ સત્તાવાર નિર્ણય નહીં આવે ત્યાં સુધી રાજકીય ઉત્તેજનાનો માહોલ રહેશે. મમતા વિપક્ષોના મોરચા ‘ઈન્ડિયા’ની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પધારવાનાં છે ને એ પહેલાં જ તેમનું ઘર સળગ્યું છે તેથી મીડિયાને પણ આખી વાતમાં રસ પડી ગયો છે એટલે જ્યાં લગી સ્પીકર નિર્ણય નહીં સંભળાવે ત્યાં લગી આ મુદ્દો ગાજતો રહેશે.
મીડિયાના એક વર્ગે આ ઘટનાને તૃણમૂલમાં ભંગાણ ગણાવી દીધી છે તો કેટલાકે વળી મમતાની તેમની જ પાર્ટીના ધારાસભ્યોએ હકાલપટ્ટી કરી નાંખી હોવાનો દાવો પણ કરી નાંખ્યો છે. આ દાવો ખોટો છે કેમ કે આ બગાવત મમતા સામે નથી કે બગાવત કરનારાંએ તૃણમૂલથી અલગ ચોકો રચવાની જાહેરાત પણ નથી કરી કે પોતાના જૂથને અલગ માન્યતા આપવાની માગણી નથી કરી. સ્પીકર સામે કરાયેલી રજૂઆતમાં શોભનદેવને બદલે બેનરજીને વિપક્ષના નેતા બનાવવાની માગણી કરાઈ છે પણ મમતા બેનરજી જ પોતાનાં નેતા હોવાનું પણ સ્પષ્ટ કહેવાયું છે.
મતલબ કે, બેનરજી અને સહાને વાંધો શોભનદેવને વિપક્ષના નેતાનું પદ આપી દેવા સામે છે, મમતા બેનરજી તૃણમૂલનાં કર્તાહર્તા રહે તેની સામે નથી. તેનું કારણ એ કે, બંગાળમાં હજુય તૃણમૂલ મમતા બેનરજીના કારણે જ ઓળખાય છે અને સહા કે બેનરજી એવા નેતા નથી કે મમતાની જગા લઈ શકે કે ભાજપ સામે ઝીંક ઝીલી શકે. એ લોકોને એ વાત પણ સમજાઈ છે કે, ભાજપ સાથે જવામાં માલ નથી કેમ કે ભાજપને તેમની જરૂર જ નથી.
289 ધારાસભ્યોની પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપ પાસે 207 ધારાસભ્યો છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે ને જે ચૂંટાઈને આવ્યા છે એ બધાંને ઠેકાણે પાડીને ભાજપ સંતોષ નથી આપી શકતો ત્યાં આ નવા 58 ધારાસભ્યોને લઈને વૈંકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં જેવો ઘાટ કરીને ભાજપ આફત શું કરવા વહોરે ?
સૂંઠના ગાંગડે ગાંધી થયેલા ઘણા વિવેચકોએ ભાજપની ચાપલૂસી કરવાના ઉત્સાહમાં ભાજપે મહારાષ્ટ્રવાળો દાવ ખેલીને બંગાળમાં મમતાનો ખેલા કરી નાંખ્યો એવો દાવો પણ કરી નાંખ્યો છે. એ લોકોને મહારાષ્ટ્ર અને બંગાળની સ્થિતિ બિલકુલ અલગ છે એ વાતની ખબર જ નથી પડતી. મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં નહોતો ને ઉદ્ધવ ઠાકરે કૉંગ્રેસ ને શરદ પવારની મહેરબાનીથી સત્તામાં ચીટકી ગયેલા તેથી ભાજપે એકનાથ શિંદેને ચડાવીને ઉદ્ધવનો ખેલ પાડી દેવો પડેલો જ્યારે બંગાળમાં તો ભાજપ સત્તામાં છે જ તેથી તેને સંદીપન સહા કે ઋતબ્રત બેનરજી જેવા કોઈની જરૂર જ નથી.
મહારાષ્ટ્રમાં ભાજપે ઉદ્ધવને ઉથલાવ્યા પછી કમને એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા પડેલા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો ત્યાં લગી 40 ધારાસભ્યો ધરાવતા શિંદેની પાલખી ઊંચકીને ભાજપે ચાલવું પડેલું. બંગાળમાં એવા કોઈ સંજોગો નથી ને ભાજપ કોઈ અવરોધ વિના પૂરાં પાંચ વર્ષ સારી રીતે શાસન ચલાવીને પોતાની સ્થિતી મજબૂત કરી શકે છે પછી સંદીપન સહા કે ઋતબ્રત બેનરજીને પંપાળવાની શું જરૂર?
આ સંજોગોમાં મમતા બેનરજીની સામે થયેલી બગાવતનો જશ ભાજપને આપવો વાસ્તવિક રીતે યોગ્ય નથી. કાલે સંદીપન સહા કે ઋતબ્રત બેનરજીની સાથેના ધારાસભ્યો ભાજપમાં જઈ શકે પણ અત્યારે તો ભાજપને આ કાંડ સાથે જોડી દેવો યોગ્ય નથી.
ભાજપ આ કાંડનો ફાયદો લેવા માટે મેદાનમાં આવ્યો છે કેમ કે મમતાનાં નેતૃત્વ સામે બહુ મોટો પડકાર ઊભો થયો છે. બંગાળમાં મમતાનું રાજકીય વર્ચસ્વ ખતમ થઈ જાય તો ભાજપને કમ સે કમ 10 વર્ષ લગી સત્તામાંથી કોઈ ના હટાવી શકે કેમ કે બંગાળમાં મમતા જેવી લડાયકતા બીજા કોઈ નેતામાં નથી.
કૉંગ્રેસ અને ડાબેરીઓ તો સાવ પતી જ ગયેલાં છે તેથી તેમાંથી તો કોઈ ભાજપને પડકાર આપી શકે એવી આશા જ ના રખાય પણ તૃણમૂલ કૉંગ્રેસમાં પણ મમતા જેવી આક્રમકતા ને ઝનૂન કોઈનામાં નથી. મમતા પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને આગળ કરીને રાજકીય વારસ બનાવવા માગે છે પણ અભિષેકમાં પણ મમતા જેવું કૌવત નથી. તૃણમૂલના બીજા નેતા તો મમતાનાં પડછાયા જેવા પણ નથી. બંગાળનાં વાઘણ કહેવાતાં મમતા પર ઉંમરની અસર વર્તાય છે પણ મમતા ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે તેથી ભાજપ તેમને સાવ પતાવી દેવામાં રસ દાખવે છે.
તૃણણૂલ કૉંગ્રેસના ડખાનું શું પરિણામ આવશે એ ખબર નથી પણ મમતા માટે આ ડખો મોટો પડકાર છે. મમતા સામે પહેલાં પણ બગાવત થયેલી પણ એ વખતે મમતા સત્તામાં હતાં તેથી પોતાની સામેના બળવાઓને દબાવીને તેમણે તૃણમૂલ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. અત્યારે મમતા પાસે સત્તા નથી ને પહેલાં જેવી શક્તિ પણ નથી તેથી મમતા શું કરે છે એ જોવાનું રહે છે.
મમતા શાણપણ દાખવીને બહુમતી ધારાસભ્યોની લાગણી સ્વીકારવાના નામે સંદીપન સહા કે ઋતબ્રત બેનરજીની વાત સ્વીકારી લે તો ઘીના ઠામમાં ઘી પડી જશે કેમ કે સંદીપન સહા કે ઋતબ્રત બેનરજી હજુય મમતાને પોતાનાં નેતા માને છે ને તેમણે મમતા સામે સીધી બગાવત નથી કરી. મમતા પહેલાંની જેમ અકડુ બનીને વર્તે તો તૃણમૂલમાં ભંગાણ પડી જાય એવું બને. હવે નક્કી મમતાએ કરવાનું છે.