Mon Jun 01 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મમતા-અભિષેક પોતે વાવેલું જ લણી રહ્યાં છે

2026-06-01 09:12:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની હાર થઈ ને ભાજપે ભવ્ય જીત ત્યારથી સતત હિંસા ચાલ્યા જ કરે છે પણ તેની ક્યાંય નોંધ નહોતી લેવાતી. શનિવારે મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભાના સાંસદ અભિષેક બેનરજી પર હુમલો થતાં અચાનક બંગાળની હિંસા પાછી રાષ્ટ્રીય સ્તરે ચમકી ગઇ. આ હુમલાને પગલે અભિષેક અને મમતા બંને ભાજપ સરકાર પર તૂટી પડ્યાં છે. 

મમતાની વાતમાં કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષોએ પણ તેમની વાતમાં હાજીયો પૂરાવ્યો છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે, અભિષેક પરના હુમલા સાથે ભાજપને કંઈ લેવાદેવા નથી. લોકોમાં તૃણમૂલ કોંગ્રેસ સામે આક્રોશ છે એ બહાર આવી રહ્યો છે અને તૃણમૂલ કૉંગ્રેસ કાગનો વાઘ કરીને રાજકારણ રમી રહ્યા છે. 

અભિષેક બેનરજી પર સોનારપુરમાં હુમલો થયો. બંગાળમાં ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસામાં મરાયેલાં અથવા તો બીજી રીતે ભોગ બનેલાં લોકોને મળવા માટે અભિષેક બેનરજી સોનારપુર ગયેલા. સોનારપુરમાં અભિષેક હિંસામાં મરાયેલા તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર સંજુ કરમાકરના કમરાબાદમાં આવેલા ઘરે જઈ રહ્યા હતા ત્યારે લોકોએ તૃણમૂલ વિરોધી નારા લગાવવા માંડ્યા. 

અભિષેક પર ઇંડા ફેંકાયાં અને ‘ચોર ચોર’ના નારા સાથે કેટલાંક લોકોએ અચાનક જ હુમલો કરી દીધો. પોલીસ તથા તૃણમૂલના કાર્યકરોએ અભિષેકને બચાવવા પ્રયત્ન કર્યો તેમાં થયેલી ઝપાઝપીમાં તેમનાં કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાં. અભિષેકની સાથે રહેલા લોકોએ તેમને હેલમેટ પહેરાવીને માંડ માંડ ટોળામાંથી બહાર કાઢ્યા પણ એ પહેલાં તેમની સારી એવી ધોલાઈ તો થઈ જ ગઈ હતી. 

મમતા બેનરજીએ ભાજપની શુભેન્દુ સરકારની સરકારના ઈશારે આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે તો અભિષેક બેનરજીએ તો પોતાને મારી નાંખવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ જ કરી નાંખ્યો છે. અભિષેક બેનરજીના કહેવા પ્રમાણે, ભાજપ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે અને પોતે હેલમેટ ના પહેરી હોત તો મારું માથુ ફાડી નાખીને મને ઉપર જ પહોંચાડી દીધો હોત. ભાજપના ગુંડા સંજુ કરમાકરનાં વૃદ્ધ માતા-પિતાને પતાવી દેશે એવો આક્ષેપ પણ અભિષેકે કર્યો છે. 

ભાજપે આ વાતને બકવાસ ગણાવી છે. ભાજપનું કહેવું છે કે, તૃણમૂલ કૉંગ્રેસના 15 વર્ષના શાસનમાં સોનારપુરમાં હાલત બદથી બદતર થઈ ગઈ છે. શહેરમાં સારા રસ્તા નથી ને પીવાનું પાણી પણ મળતું નથી તેથી લોકોમાં આક્રોશ હતો. અભિષેક તૃણમૂલ કાર્યકરોને મળવાના બહાને રાજકારણ રમવા ઊતરી પડ્યા તેથી આ આક્રોશ બહાર આવી ગયો. 

બિનસત્તાવાર રીતે ભાજપના નેતા એવો દાવો પણ કરી રહ્યા છે કે, મમતા અને અભિષેકને પેટ દુ:ખી રહ્યાં છે પણ માથું કૂટી રહ્યાં છે. આડકતરી રીતે મમતા-અભિષેકે જ અભિષેક પર હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે કેમ કે શુભેન્દુ સરકારની સરકારે મમતા બેનરજી અને અભિષેક બેનરજીને આપવામાં આવેલી ણ+ શ્રેણીની સુરક્ષાની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વધારાની સુરક્ષા પાછી બુધવાર સવારથી પાછી ખેંચી લીધી છે. 

પહેલાં કમાન્ડો સાથેની સુરક્ષાના કારણે રોલો પડતો હતો પણ હવે સામાન્ય માણસની જેમ નિકળવું પડે છે એ ગમતું નથી તેથી પોતાના જીવને ખતરો હોવાનું સાબિત કરીને સુરક્ષા પાછી મેળળવા માટે આ બધા ઉધામા છે. મમતા બેનરજી ડ્રામા ક્વીન છે એ જોતાં એ ગમે તે કરી શકે. આ સંજોગોમાં ભાજપ ચોખ્ખેચોખ્ખું નથી કહી શકતો એ વાત સાચી હોય એવું પણ બને. 

આ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોમાં સાચું કોણ ને ખોટું કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે કેમ કે બંને બાજુ રાજકારણીઓ જ છે પણ મમતા પોતે જે વાવ્યું એ જ લણી રહ્યાં છે તેમાં કોઈ શંકા નથી. મમતા આખી જિંદગી ગુંડાગીરીનું રાજકારણ રમ્યાં ને સત્તા મળ્યા પછી પણ બંગાળનો વિકાસ કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના બદલે ગુંડાગીરીના જોરે જ સત્તા ટકાવી રાખવાનો રસ્તો મમતાએ અપનાવ્યો. મમતાએ 2011માં ડાબેરીઓને હરાવીને બંગાળમાં સત્તા કબજે કરી પછી ડાબેરીઓને શોધી શોધીને સાફ કરી નાંખ્યા. મમતાએ પોતાની સામે પડનારા બધાંને હિંસાના જોરે ખતમ કરીને બંગાળમાં એકચક્રી શાસન સ્થાપ્યું પણ વિકાસ ના કર્યો. 

ભાજપે મમતાને તેમની જ દવાનો ડોઝ આપીને સત્તા કબજે કરી અને હવે મમતાને તેમની જ દવાનો ડોઝ આપી રહ્યો છે ત્યારે મમતાને આ દવા કડવી લાગી રહી છે. મમતા ગુંડાગીરીના રાજકારણની પેદાશ હોવાથી ફરી બેઠાં થવા માટે પણ ગુંડાગીરીનો આશરો લઈ રહ્યાં છે પણ હવે પોતે સત્તામાં નથી પણ ભાજપ સત્તામાં છે ને સત્તામાં હોય તેનાથી મોટો કોઈ ગુંડો ના હોય એ વાત મમતાને સમજાતી નથી. 

મમતાએ ડાબેરીઓની ગુંડાગીરીનો જવાબ ગુંડાગીરીથી આપીને ડાબેરીઓને ખતમ કરી નાંખ્યા પણ ડાબેરીઓની ગુંડાગીરી અને ભાજપની ગુંડાગીરીમાં ફરક છે એ વાત પણ તેમને સમજાતી નથી. ભાજપ ગુંડાગીરીની સાથે સાથે લોકોનાં કામ પણ કરે છે અને વિકાસ પણ કરે છે એ ભાજપ શાસિત દરેક રાજ્યમાં દેખાય જ છે. ભાજપ લોકોને સીધા ફાયદા કરાવે છે, મહિલાઓથી માંડીને ખેડૂતો સુધીના બધાંના ખાતામાં રોકડા જમા કરાવ્યા કરે છે તેના કારણે લોકોને ભાજપ થોડીઘણી ગુંડાગીરી કરે તેની સામે વાંધો નથી. બીજું એ કે, ભાજપની ગુંડાગીરીનો ભોગ હરીફ રાજકીય પક્ષના કાર્યકરો બનતા હશે પણ સામાન્ય લોકો બનતા નથી તેથી પણ લોકોને વાંધો નથી. 

જો કે પાકા ઘડે કાંઠા ના ચડે એ હિસાબે મમતાને આ વાત હવે આ ઉંમરે નહીં સમજાય તેથી બંગાળમાં આ પ્રકારની ઘટનાઓ વધશે. મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના પછી 21 જુલાઈ, 1996ના રોજ સચિવાલય એટલે કે રાઈટર્સ બિલ્ડિંગ તરફ કૂચ કરી ત્યારે સામ્યવાદી સરકારના ઈશારે પોલીસ અને ગુંડાઓએ મમતાને ફટકારેલાં. મમતાના સમર્થકોને પણ બેફામ ધોયેલા ને આ હિંસામાં 13 લોકો મરાયાં હતાં. 

મમતાએ સામ્યવાદીઓની ગુંડાગીરીનો ગુંડાગીરીથી જવાબ આપવા ગુંડા ટોળીઓ ઊભી કરી. સિંગૂર અને નંદીગ્રામમાં ડાબેરી પક્ષોએ ગુંડાગીરી કરીને મમતાને દબાવી દેવા પ્રયત્ન કરેલો ત્યારે મમતાએ તેનો જવાબ ગુંડાગીરીથી આપીને ડાબેરીઓના પાયા હચમચાવી દીધેલા. મમતા ફરી બેઠાં થવા માટે નંદીગ્રામ ને સિંગૂર જેવા કાંડ કરવા પ્રયત્ન કરશે એ જોતાં બંગાળમાં નજીકના ભવિષ્યમાં શાંતિ નહીં સ્થપાય. 

શુભેન્દુ સરકારની સરકારે મમતાના આ પેંતરાઓ સામે કમર કસવી પડશે. મમતાની ગુંડાગીરીને દબાવીને બંગાળની વિકાસ યાત્રાને ચાલુ રાખવી પડશે. નહિંતર બંગાળમાં સત્તા પરિવર્તનનો કોઈ ફાયદો નહીં થાય. બંગાળ પછાત જ રહી જશે.