Sun May 24 2026

Logo

ઘૂસણખોરો વિરુદ્ધ બંગાળ સરકારની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે બાંગ્લાદેશીઓને પરત મોકલવા બનશે 'સ્પેશિયલ હોલ્ડિંગ સેન્ટર'

2026-05-24 16:36:18
Author: Devayat Khatana
Article Image

કોલકાતાઃ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં બનેલી નવી સરકારે રાજ્યમાં ઘૂસણખોરો પર આકરી કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. બંગાળ સરકારે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મુસ્લિમોને તેમના વતન પરત મોકલી દેવા માટે વિશેષ હોલ્ડિંગ સેન્ટર બનાવવાનો નિર્દેશ કર્યો છે. આ નિર્ણય દ્વારા રાજ્યમાં ગેરકાયદે રીતે રહેતા લોકો પર કડક નિયંત્રણ લાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, આ અંગે સરકાર દ્વારા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને લેખિત સૂચનાઓ અને માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે. તમામ જિલ્લા અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં હોલ્ડિંગ સેન્ટર બનાવવા માટે યોગ્ય સ્થળની ઓળખ કરવા અને તાત્કાલિક અસરથી આગળની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ અપાયા છે. 
પ્રશાસનનું મુખ્ય ધ્યાન સરહદી જિલ્લાઓ અને તેવા વિસ્તારો પર છે જ્યાં ગેરકાયદે પ્રવાસીઓના છુપાયેલા હોવાની શક્યતા સૌથી વધુ છે.

આ હોલ્ડિંગ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય પકડાયેલા ઘૂસણખોરો પર ચાંપતી નજર રાખવાનો છે. હવે જ્યારે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ કે રોહિંગ્યા ઝડપાશે, ત્યારે તેમને સીધા જેલમાં મોકલવાને બદલે આ વિશેષ કેન્દ્રોમાં રાખવામાં આવશે. જ્યાં સુધી તેમની ઓળખની પુષ્ટિ ન થાય અને તેમને કાયદેસર રીતે તેમના મૂળ દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમને આ કેન્દ્રોમાં જ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યમાંથી ગેરકાયદે વસવાટ કરતાં લોકોને બહાર કાઢવાનું વચન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે જે રીતે આસામમાં ઘૂસણખોરી પર અંકુશ મેળવ્યો છે, તે જ રીતે બંગાળમાંથી પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ નાબૂદ કરવામાં આવશે. સત્તામાં આવ્યા બાદ પાર્ટી હવે પોતાના આ ચૂંટણી વાયદાને પૂર્ણ કરવા માટે સક્રિય બની છે.

અહીં એ જણાવવાનું કે ભાજપ લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે અને હવે જ્યારે સરકાર બનાવી છે ત્યારે તેના પર સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ સુવેન્દુ અધિકારીની સરકારે ભારત-બાંગ્લાદેશની સરહદ પર વાડ બનાવવા માટે બીએસએફને જમીન પણ આપી હતી, જે આ નિર્ણય તત્કાલીન સરકારે લટકાવી રાખ્યો હતો. બંગાળ સરકારે ઘૂસણખોરો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહીનું પગલું ભર્યું હોવાનું કહેવાય છે.