Tue May 26 2026

Logo

બંગાળમાં નવી સરકારનો સપાટો: દેશનિકાલના ડરથી ગેરકાયદે બાંગ્લાદેશીઓએ પકડી વતનની વાટ

2026-05-26 15:21:40
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળ્યો અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ને પછાડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બહુમતી મેળવીને રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. મુખ્ય પ્રધાન શુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળ રચાયેલી નવી સરકારે ચૂંટણી ટાણે બંગાળી પ્રજાને આપેલ વચનો પૈકી  ગેરકાયદે વસતા  બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારે "ઓળખો, પકડો અને દેશનિકાલ કરો"ની નીતિ અમલમાં મૂકી છે. જોકે, સરકારની કાર્યવાહીના ડરથી અનેક કથિત બાંગ્લાદેશીઓના જૂથ સરહદ પર એકઠા થવા લાગ્યા છે. 

મળતી વિગતો અનુસાર, આજે  સવારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં હકીમપુર ચેકપોઇન્ટ પર સોથી વધુ કથિત બાંગ્લાદેશીઓ એકઠા થયા હતા, તેઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પોતાના દેશમાં પાછા ફરવાની ફિરાકમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આમાંના ઘણા લોકો પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું કહેવાય છે. વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવા અને તેમના માટે હોલ્ડિંગ સેન્ટરો સ્થાપવા અંગેની તાજેતરની સરકારી જાહેરાતોને પગલે તેઓ ચેકપોઇન્ટ પર પહોંચ્યા હતા. ગેરકાયદે વસાવહતીઓની સામે સરકારે એક્શન લેવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે માલદામાં પણ પહેલું હોલ્ડિંગ સેન્ટર શરુ કર્યું છે, જ્યારે અનેક લોકોની ધરપકડ કરી છે.

આ ભીડ એવા સમયે ઉમટી રહી છે  જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન દ્વારા 'ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ' નીતિની જાહેરાત કરી છે.  બંગાળમાં ઓળખો, હટાવો અને પાછા મોકલોની નીતિની અમલવારી માટે માલદા જિલ્લામાં પહેલાં હોલ્ડિંગ સેન્ટરની સ્થાપના કરી દેવામાં આવી છે. 

તાજેતરમાં BSFના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં  મુખ્ય પ્રધાન  સુવેન્દુ અધિકારીએ તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે હવે રાજ્ય પોલીસ દ્વારા પકડાયેલા ઘુસણખોરોને લાંબી કાનૂની પ્રક્રિયાઓમાં ફસાવવાને બદલે સીધા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને સોંપવામાં આવશે. હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સમગ્ર પ્રક્રિયા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરાયેલા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 સાથે જોડાયેલી છે. 

આ નવો કાયદો ઘણા જૂના ઇમિગ્રેશન કાયદાઓને બદલે છે અને દેખરેખ અને દેશનિકાલ માટે વધુ તકનિકી રીતે અદ્યતન માળખું રજૂ કરે છે. આ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીઓને વોરંટ વિના ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનારા શંકાસ્પદોની ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.