Fri May 01 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ એક્ઝિટ પોલે બંગાળમાં ભાજપને જીતાડી દીધો પણ પિક્ચર અભી બાકી હૈ

2026-05-01 08:39:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

પશ્ચિમ બંગાળમાં બુધવારે બીજા તબક્કાના મતદાન સાથે પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન પૂરું થઈ ગયું ને હવે સૌની નજર 4 મેના રોજ જાહેર થનારાં પરિણામો પર છે. આ પરિણામો શું હશે એ ખબર નથી પણ સોમવારે જાહેર થનારાં પરિણામો પહેલાં આવેલા એક્ઝિટ પોલ્સમાં તો અત્યારથી ભાજપનો જયજયકાર કરી દેવાયો છે. એક્ઝિટ પોલનો ઈતિહાસ ગરબડિયો છે છતાં તેના આધારે નેશનલ મીડિયા અને ખાસ તો ટીવી ચેનલોએ બંગાળમાંથી મમતા બેનરજીને વિદાય કરી દીધાં છે જ્યારે તમિળનાડુમાં સુપરસ્ટાર વિજયને કિંગ મેકર બનાવી દીધા છે.

મોટા ભાગના એક્ઝિટ પોલ્સની આગાહી છે કે, આસામમાં ભાજપ જીતની હેટટ્રિક કરીને સત્તા જાળવશે જ્યારે પુડ્ડુચેરીમાં પણ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએની ફરી સરકાર બનશે. તમિળનાડુમાં કૉંગ્રેસના સાથી ડીએમકે સત્તા જાળવશે જ્યારે કેરળમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળનો યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ડાબેરી મોરચાને પછાડીને સત્તા કબજે કરશે.

જો કે લોકોને સૌથી વધારે રસ પશ્ર્ચિમ બંગાળમાં શું થશે એ જાણવામાં છે. બંગાળને લગતા મોટા ભાગના એક્ઝિટ પોલમાં બંગાળમાં સત્તા પરિવર્તનની આગાહી કરાઈ છે. મતલબ કે, 15 વર્ષથી જામી પડેલાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની હાર થશે ને ભાજપ બાજી મારી જશે.

રસપ્રદ વાત એ છે કે, બધા પોલની સરેરાશ કાઢો તો મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી સરકાર રચવાની વધારે નજીક હોવાનું તારણ નિકળે છે પણ મીડિયા મમતાનાં બિસ્તરાં પોટલાં બાંધીને બેસી ગયું છે. બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે ને તેમાંથી ભાજપ મહત્તમ 171 બેઠકો જીતી શકે છે એવી આગાહી થઈ છે. સ્પષ્ટ બહુમતી માટે 148 બેઠકો જોઈએ એ જોતાં ભાજપ 171 બેઠકો જીતે તો પોતાની તાકાત પર સરકાર રચી શકે પણ આ આગાહી એક જ પોલમાં થઈ છે તેથી ભાજપ જીતશે જ એવું છાતી ઠોકીને કહી ના શકાય છતાં મીડિયા 15 વર્ષ પછી મમતાની વિદાયનું કોરસ ગાઈ રહ્યું છે.  
 
ચાર એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધારે બેઠકો મળશે એવી આગાહી થઈ છે. તેમાંથી પોલ ડાયરી એક્ઝિટ પોલની આગાહી છે કે, ભાજપને 294માંથી ભાજપને 142 થી 171 બેઠકો મળી શકે છે જ્યારે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ 99 થી 127 બેઠકો પર સમેટાઈ જશે.  કૉંગ્રેસ 3 થી 5 બેઠકો જ્યારે ડાબેરી મોરચો 2 થી 3 બેઠકો જીતશે એવી આગાહી છે.

મેટ્રિઝ એજન્સીના સર્વેમાં ભાજપને 146 થી 161 બેઠકો જ્યારે મમતા બેનરર્જીની પાર્ટીને 125થી 140 બેઠકો મળવાની આગાહી છે. ચાણક્ય સ્ટ્રેટેજીઝના એક્ઝિટ પોલમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે 150 થી 160 બેઠકો જીતશે અને તૃણમૂલ કૉંગ્રેસને 130થી 140 બેઠકો જીતશે એવી આગાહી કરાઈ છે.  પ્રજા પોલના એક્ઝિટ પોલમાં તો ભાજપને 178 થી 208 બેઠકો મળવાની આગાહી જ્યારે તૃણમૂલ કૉંગ્રેસને માત્ર 85 થી 110 બેઠકો મળશે એવો દાવો કરાયો છે.

કેટલાક એક્ઝિટ પોલ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ ફરી સત્તામાં આવશે એવી આગાહી પણ કરે છે. પીપલ્સ પલ્સના સર્વેમાં મમતાની પાર્ટીને 177થી 187 જ્યારે ભાજપને 95થી 110 બેઠકોની આગાહી કરાઈ છે. જનમત પોલ્સમાં તો તૃણમૂલ કૉંગ્રેસને 195થી 205 અને ભાજપને 80થી 90 બેઠકો મળવાની આગાહી કરાઈ છે. મતલબ કે, પાંચ-દસ બેઠકોનો ફરક પડશે, બાકી છેલ્લી ચૂંટણીમાં આવેલાં પરિણામોનું જ પુનરાવર્તન થશે.

ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ બંને માટે એક્ઝિટ પોલ ઉચાટ વધારનારા છે કેમ કે એક્ઝિટ પોલના કારણે કોને સ્પષ્ટ બહુમતી મળશે એ સ્પષ્ટ નથી. બંગાળમાં 90 ટકાથી વધારે મતદાન થયું છે. આટલું જંગી મતદાન થયું તેના કારણે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ બંને ગૂંચવાયેલાં છે કેમ કે ઊંચું મતદાન કોની તરફેણમાં થયું એ સ્પષ્ટ નથી. એક્ઝિટ પોલના કારણે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ બંનેની મૂંઝવણ વધશે. અંતિમ પરિણામો જ આ મૂંઝવણ દૂર કરી શકે ને અત્યારે તો બંને પ્રાર્થના કરતાં હશે કે પોતાની તરફેણ કરતા એક્ઝિટ પોલ સાચા પડે ને હારની આગાહી કરતા પોલ ખોટા પડે.

બંગાળમાં ભરેલું નાળિયેર છે પણ બીજાં રાજ્યોમાં ઝાઝો ગૂંચવાડો નથી. આસામમાં ભાજપ કટ્ટરવાદી હિંદુત્વનું કાર્ડ સફળતાથી ખેલી રહ્યો છે. ભાજપના નેતા બાંગ્લાદેશી મુસ્લિમોનો ડર બતાવીને ગુજરાતની જેમ જ હિંદુઓને પોતાની તરફ વાળવામાં સફળ થયો છે તેથી ભાજપ તરફી માહોલ છે ને કૉંગ્રેસ જીતે તો ચમત્કાર ગણાય એવી સ્થિતિ છે. આસામમાં 10 વર્ષના ભાજપ શાસન સામે અસંતોષ કે આક્રોશ ઊભો કરવામાં કૉંગ્રેસ નિષ્ફળ ગઈ છે તેથી આસામમાં ભાજપની જીતની હેટટ્રિકની આગાહીથી જરાય આશ્ર્ચર્ય થતું નથી.

તમિળનાડુમાં પણ ડીએમકે મજબૂત છે તેના કરતાં વધારે તો એઆઈએડીએમકે નબળી છે તેથી એમ.કે. સ્ટાઇલલિનની ફરી સત્તામાં વાપસીની વાત સાવ અધ્ધરતાલ નથી લાગતી. એઆઈએડીએમકે પાસે હવે જયલલિતાના નેતૃત્વનો કરિશ્મા નથી ને તેના નેતા લડવામાંથી ઊંચા નથી આવતા તેથી ભાજપ સાથે જોડાણ છતાં એઆઈએડીએમકે ટક્કર આપવાની સ્થિતિમાં લાગતી નથી.

સ્ટાલિને હિંદીના વિરોધના બહાને તમિળોમાં ભાષાવાદનો ઉન્માદ પેદા કર્યો છે તેનો પણ ફાયદો મળશે જ. ભાજપ હિંદુત્વની પિપૂડી વગાડ્યા કરે છે ને બીજી તરફ તેના હિંદુત્વનો વિરોધ કરતી એઆઈએડીએમકે સાથે જોડાણ કર્યું છે. તેના કારણે એઆઈએડીએમકે ને ભાજપ બંનેનું બગડશે. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર વિજયે હોહા બહુ કરી પણ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન સાથેના તેના અફેરની વાતોના કારણે તેનો પ્રભાવ કેટલો પડશે એ શંકા છે. કેટલાક એક્ઝિટ પોલમાં વિજયની પાર્ટી સત્તા મેળવશે એવી આગાહી કરે છે. વિજયની પાર્ટી ડીએમકેને પછાડીને સત્તા મેળવે તો એ મોટો ચમત્કાર હશે.

કેરળમાં પિનારાયી વિજયને છેલ્લી ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સને ખોટા પાડીને ડાબેરી મોરચાને ફરી સત્તા અપાવીને ઈતિહાસ રચેલો કેમ કે કેરળમાં વરસોથી કોઈ પાર્ટી કે મોરચો સળંગ બે વાર સત્તામાં નહોતો આવ્યો. આ વખતે પણ વિજયન એવા જ ચમત્કારની આશા રાખતા હશે પણ માહોલ જોતાં ફરી એવો ચમત્કાર થવાની શક્યતા નહિવત છે. કૉંગ્રેસે કશું જોરદાર કર્યું નથી પણ વિજયનના ભ્રષ્ટાચાર અને બીજા વિવાદોના કારણે કોંગ્રેસ માટે બગાસું ખાતાં પતાસું મળ્યા જેવો ઘાટ થઈ શકે છે.

જો કે એક્ઝિટ પોલ્સનો ઈતિહાસ બહુ વખાણવા જેવો નથી. ભારતમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા બે-ત્રણ લાખ મતદારો હોય છે ને તેમાંથી બસો-ત્રણસો મતદારોને પૂછીને કરાતા એક્ઝિટ પોલ મોટા ભાગે ખોટા જ પડે છે. આ વખતે ઈતિહાસ દોહરાવાય છે કે એક્ઝિટ પોલ સાચા પડ્યાનો ચમત્કાર થાય છે એ પણ જોઈ લઈએ.