Tue May 05 2026

Logo

બંગાળને આ તારીખે પહેલી વાર ભાજપના CM મળશે; આ નેતા રેસમાં સૌથી આગળ

2026-05-05 13:59:00
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: તૃણમુલ કોંગ્રેસ(TMC)નો ગઢ પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીએ સર કર્યો, વિધાનસભા ચૂંટણી 2026માં રાજ્યની 294માંથી ભાજપે 206 બેઠકો કબજે કરી છે. પ્રથમવાર રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, એવામાં નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપના વડા શમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે 9 મે, શનિવારના રોજ શપથગ્રહણ સમારોહ યોજાશે. જોકે, પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાન કોણ હશે એ અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારીને મુખ્ય પ્રધાન પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે.

એક ન્યુઝ એજન્સી  સાથે વાત કરતા  શમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે રાજ્યના નવા મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે. અહેવાલ મુજબ ભાજપે આ તારીખ એટલા માટે નક્કી કરી કે આ તારીખે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે, જો કે ભાજપે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કેટલા પ્રધાનો શપથ લેશે એ પણ હજુ નક્કી નથી.

પુર જોશમાં ચર્ચાઓ ચાલશે:
અહેવાલો મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવાર અને બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન સાથે બેઠક કરી શકે છે. એવા પણ અહેવાલ છે કે  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બંગાળની રાજધાની કોલકાતા જઈ શકે છે અને ભાજપના વિધાનસભ્યો સાથે મુલાકાત કરી શકે છે.

અહેવાલ મુજબ ભાજપની રાષ્ટ્રીય સંસદીય સમિતિ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને પ્રધાન પદ માટેના નામોની યાદી તૈયાર કરશે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, નવીન અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ વચ્ચેની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવામાં આવશે. આ બેઠલમાં બંગાળના નેતાઓ અને કેન્દ્રીય નિરીક્ષકોના ઇનપુટ્સ પર ચર્ચા કરવામાં આવશે.

અહેવાલ મુજબ, શમિક ભટ્ટાચાર્ય અને સુવેન્દુ અધિકારીને આગામી થોડા દિવસોમાં દિલ્હી બોલાવવામાં આવી શકે છે. 

આ નેતાઓ પણ રેસમાં:
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાનની રેસમાં ભવાનીપુર અને નંદીગ્રામથી જીતેલા સુવેન્દુ અધિકારી સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. તેઓ 2021થી વિધાનસભામાં વિપક્ષના નેતા છે. તેમના ઉપરાંત શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજના નામ પણ ચર્ચામાં છે