નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી ખતમ થયા બાદ રાજકીય નિવેદનની મૌસમ ખીલી ઊઠી છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, જેમ જેમ ચૂંટણી આગળ વધી એમ તૃણમૂલ કોંગ્રેસનું મનોબળ અને સમર્થન ઘટતું ગયું છે. જ્યારે ચૂંટણી કોઈ પ્રકારની હિંસા વગર ખતમ થઈ ગઈ એ સમયે મમતા દીદીની પાર્ટી બેચેન બની ગઈ હતી. એક્ઝિટ પોલના પરિણામ બાદ પાર્ટીનું સંતુલન બગડ્યું છે,હવે તેઓ ચૂંટણી પંચની જે પ્રક્રિયા છે એના પર સવાલ કરી રહ્યા છે.
દર વખતે રાહત નથી મળતી
તૃણમૂલ કોંગ્રેસે વારંવાર કોર્ટનો દરવાજો ખખડાવ્યો, પણ દર વખતે રાહત ન મળી. આજે પણ એમની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર ભરોસો નથી. પણ એમની રાજ્ય સરકારના કર્મચારીઓ પર ભરોસો છે. આઈપેક કેસમાં જ્યારે દરોડ પડ્યા એ દરમિયાન મમતા ત્યાં પહોંચ્યા હતા, આનાથી એ સવાલ ઊભો થાય છે કે, એમને એમની જ સિસ્ટમ પર કોઈ પ્રકારનો ભરોસો નથી. પ્રજાને હવે મમતા બેનર્જી પર ભરોસો નથી. ડર અને હિંસાના સહારે તે સત્તા બનાવી રાખવા માગે છે. આ પ્રયાસ હવે નબળા પડી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસને જે બંધારણીય સંસ્થાઓ છે એમના પર ભરોસો નથી.
બે મોટા નેતાની પ્રતિષ્ઠા દાવ પર
પશ્ચિમ બંગાળમાં હવે રાજકીય સમીકરણ કરતા સવાલ વધારે ઊભા થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન બાદ હવે સૌની નજર 4 મેના રોજ જાહેર થનારા પરિણામો પર છે. રાજ્યની કુલ 294 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 29 એપ્રિલના રોજ યોજાયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલીક ગેરરીતિઓની ફરિયાદોને પગલે, ચૂંટણી પંચે આજે 2 મેના રોજ દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર અને મગરાહટ પશ્ચિમના 15 બૂથ પર ફરીથી મતદાન કરાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નોંધપાત્ર મતદાન નોંધાયું છે. મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી જેવા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે, ત્યારે એક્ઝિટ પોલના અનુમાનો અને મજબૂત મતદાનની ટકાવારીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.