Mon Sep 07 2026

Logo

પશ્ચિમ બંગાળમાં અભિષેક બેનર્જીના નજીકના સુમિત રોય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો

2026-06-21 18:21:10
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં અભિષેક બેનર્જીના નજીકના સુમિત રોય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તા પર આવ્યા બાદ ટીએમસી નેતા અને તેમના નજીકના લોકોની ગુનાહિત કેસમાં સંડોવણીની તપાસ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના નજીકના  સુમિત રોય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ પશ્ચિમ મેદિનીપુરના ડેબ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુમિત રોય જમીન પચાવી પાડવાના કેસમાં  હાલ ફરાર છે. પોલીસ અને સીઆઈડી આ મામલાની તપાસ કરી રહી છે. 

ભૂતપૂર્વ ધારાસભ્ય સુજોય હાજરાનું નામ પણ ફરિયાદમાં સામેલ

રવિવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ડેબ્રા પોલીસ સ્ટેશનમાં સુમિત રોય વિરુદ્ધ છેતરપિંડી નો  કેસ નોંધવામાં આવ્યો છે.જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે રોય છેતરપિંડી અને જમીન પડાવવાની વૃતિમાં રોકાયેલો હતો. આ કેસના સંદર્ભમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય સુજોય હાજરાનું નામ પણ ફરિયાદમાં સામેલ છે. 

તમામ દસ્તાવેજો અને તથ્યોની તપાસ

આ અંગે સીઆઇડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,  ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તમામ દસ્તાવેજો અને તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. જો જરૂર પડે તો સ્થાનિક પોલીસને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે. તેમજ  પુરાવાના આધારે બધા આરોપોની ચકાસણી કરવામાં આવશે અને કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.