કોલકાતા: તાજેતરમાં તૃણમુલ કોંગ્રેસને કારમી હાર આપ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર સત્તામાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ જાહેર સ્થળો પરના ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કોલકાતા અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, બિનઅધિકૃત ફેરિયાઓ અને શેરી ફેરિયાઓને હટાવવા માટે બુલડોઝરો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ અંતર્ગત હાવડા અને શિયાળદાહ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં મોટું દબાણ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે છેક બીજા દિવસે વહેલી સવારે પૂરું થયું હતું.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના નેતૃત્વવાળી સરકારની આ કામગીરી અંગે બંગાળના પ્રધાન દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, આ તો સમગ્ર રાજ્યમાં ગેરકાયદે બાંધકામ અને દબાણો સામે વ્યાપક કાર્યવાહીની માત્ર શરૂઆત છે. ખડગપુર સદરના ધારાસભ્ય અને પ્રધાન ઘોષે લોકોને કાયદાનું પાલન કરવા અથવા કડક પગલાંનો સામનો કરવા ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું હતું કે, નવી સરકારે પ્રથમ દિવસથી જ આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે આખાયે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે બુલડોઝર ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોલકાતા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો અને બાંધકામોની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અહીં ફૂટપાથ અને રસ્તાઓ પર લારી-ગલ્લા, કામચલાઉ સ્ટોલ અને ગેરકાયદેસર એક્સટેન્શન એટલી હદે વધી ગયા છે કે જાહેર જગ્યાઓ ઓળખવી મુશ્કેલ બની ગઈ છે. આ સિવાય મંજૂરી વગર વધારાના માળ બાંધવા અને દુકાનો વધારવી જેવી પ્રવૃત્તિઓથી લોકોને હેરાનગતિ થતો હતો. ભાજપે આક્ષેપ કર્યો હતો કે TMCના દોઢ દાયકાના શાસન દરમિયાન આ ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું અને આ જ કારણે કોલકાતા હવે આ દબાણ વિરોધી ઝુંબેશનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.