Wed Jun 10 2026

Logo

અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, ગુજરાત સહિત 8 રાજ્યમાં હીટવેવનું એલર્ટ

2026-04-14 08:36:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ-નવી દિલ્હીઃ  એપ્રિલની મધ્યમાં દેશના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. મેદાની વિસ્તારો અને મધ્ય ભારતમાં સમય પહેલા જ લૂ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગ અનુસાર, આ સપ્તાહે ગરમી અને બફારો લોકોને પરેશાન કરી શકે છે. સમગ્ર ભારતમાં તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. દિલ્હીમાં 17 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. જ્યારે દેશના અન્ય હિસ્સામાં ભેજવાળું અને બફારાવાળું હવામાન રહેવાની આશા છે. હવામાન વિભાગે ગુજરાત સહિત 8 રાજ્યમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

ગુજરાતમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 41 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ભૂજમાં 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.5માં ડિગ્રી, ડિસામાં 40.2 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી અને અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કયા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

હવામાન વિભાગે 14, 15, 16 એપ્રિલે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મરાઠાવાડામાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. ગઈકાલે દેશમાં સૌથી વધારે તાપમાન 43.1 ડિગ્રી એકોલામાં નોંધાયું હતું.

હવામાન વિભાગ પ્રમાણે, 18 એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢ સહિત મધ્ય ભારતના હિસ્સામાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ સુધી ઓડિશા, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ગરમી તથા ભેજનો અનુભવ થઈ શકે છે. આ સપ્તાહે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ આવું જ હવામાન રહી શકે છે.

ગઈકાલે હવામાન વિભાગે વર્ષ 2026ના ચોમાસાને લઈને ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતા થોડું 'સુસ્ત' રહી શકે છે.  આઈએમડીના અનુમાન મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં લોન્ગ પીરિયડ એવરેજના માત્ર 92 ટકા વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે વરસાદમાં 8 ટકા જેટલી ઘટ જોવા મળી શકે છે, જેને હવામાનની ભાષામાં 'સામાન્ય કરતા ઓછો' વરસાદ માનવામાં આવે છે.

વરસાદમાં આ ઘટાડા માટે મુખ્યત્વે 'અલ-નીનો' જવાબદાર હોવાનું મનાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં ચોમાસા દરમિયાન અલ-નીનો સક્રિય થવાની સંભાવના છે, જે વરસાદને નબળો પાડવા માટેનું મુખ્ય પરિબળ બની શકે છે.