Thu Jul 23 2026

Logo

કાલે પાણી માટે આજે પાણીથી 'પરેશાન': વરસાદને કારણે મુંબઈથી પાલઘર અને પુણે વિખૂટા પડ્યાં, જાણો લેટેસ્ટ અપડેટ

2026-07-06 16:13:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈમાં વરસાદે લીધો 13નો ભોગ, ફડણવીસે સંભાળી કમાન, કરી આ અપીલ

મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર પરાના વિસ્તાર અને મેટ્રો પોલિટન રિજનમાં ભારે વરસાદ અને ચક્રવાતને કારણે સમગ્ર જનજીવન પર અસર પડી છે, જે મુંબઈગરા ગઈકાલ સુધી પાણીની સમસ્યાથી પીડાતા હતા, પરંતુ હવે ઠેરઠેર ભરાયેલા પાણીથી પરેશાન છે. બીજી બાજુ આ જ પાણીને કારણે મુંબઈમાં ચર્ચગેટથી લઈ વિરાર દહાણુ અને સીએસએમટીથી લઈને કર્જત-ખપોલી અને પુણેના રેલ-રોડ ટ્રાફિકને ગંભીર અસર પડી છે, પરિણામે ટ્રેનમાં મુસાફરી કર્યા વિના પ્રવાસીઓની હાલાકી વધી છે.

આજે ખરાબ હવામાનને કારણે સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરવામાં આવ્યા પછી રાજ્યના વિધાનસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રુમમાં પણ બેઠક યોજી હતી. બીજી બાજુ ખાનગી કંપનીમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી. છેલ્લા બે દિવસથી પડી રહેલા અતિશય ભારે વરસાદને કારણે રેલ-રોડ અને હવાઈ સેવા પર પણ અસર પડી છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં વરસાદ સંબંધિત સમસ્યાને કારણે 13 લોકોનાં મોત થયા છે, જેમાં ભૂસ્ખલન અને ઝાડ પડવાના કિસ્સાનો વધુ સમાવેશ થાય છે. 

થાણે અને પાલઘરમાં વરસાદી આફત
રાજ્યના અનેક હિસ્સામાં ભારે વરસાદ, પાણી ભરાઈ જવાની સાથે ભૂસ્ખલનને કારણે રોડ, રેલવે અને હવાઈ સેવા પર અસર થઈ છે. મહારાષ્ટ્ર સરકારે સમીક્ષા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. કેબિનેટ મંત્રી ગિરિશ મહાજને કહ્યું હતું કે રાજ્યના અનેક શહેરોમાં કલાકના 70થી 90 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે અનેક શહેરો માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે, જ્યારે લોકોને ખાસ પર્યટનસ્થળે નહીં જવાનો અનુરોધ કર્યો છે, જ્યારે જરુરી હોય એ સ્થળે જવાનો અનુરોધ કર્યો છે.

હવાઈ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી
ભારે વરસાદને કારણે હવાઈ સેવા પર પણ ગંભીર અસર પડી છે. વિઝિબિલિટી ઘટી જવાને કારણે ફ્લાઈટ્સ સર્વિસ પણ મોડી છે. એર ઈન્ડિયાએ મુંબઈ અને દિલ્હી જનારી ફ્લાઈટના પ્રવાસીઓ માટે એડવાઝરી જારી કરી હતી. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટના સંચાલનમાં અસર થઈ છે, તેથી પ્રવાસીઓએ પણ નિર્ધારિત ફ્લાઈટ્સના શેડ્યૂલને ધ્યાનમાં રાખીને નીકળવાની અપીલ કરી છે.

લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર
સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ચર્ચગેટ વસઈ-વિરાર સુધી લોકલ ટ્રેન દોડાવાતી નથી, પરિણામે પ્રવાસીઓને મોટો ફટકો પડ્યો છે. બીજી બાજુ મધ્ય રેલવેમાં કાંજુરમાર્ગ અને ભાંડુપ સ્ટેશનની વચ્ચે ઓવરહેડ વાયરમાં પ્લાસ્ટિકનો ટુકડો ભરાઈ જવાથી ટ્રેનસેવા પર અસર પડી હતી. ભારે વરસાદ અને પવનને કારણે પશ્ચિમ રેલવેમાં અનેક ટ્રેનો પણ રિસ્ટ્રિક્ટ સ્પીડમાં દોડાવાય છે, જેથી ચર્ચગેટ આવનારી ટ્રેનો અડધો કલાકની આસપાસ મોડી દોડે છે. ઉપરાંત, લાંબા અંતરની અનેક મેલ-એક્સપ્રેસ ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ કરતા નજીકના સ્થળોથી પ્રવાસીઓને બસ મારફત પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. 

મુંબઈ-પુણે ટ્રેન વ્યવહાર ઠપ
મધ્ય રેલવેમાં મુંબઈ સીએસએમટીથી પુણે-લોનાવલાની ટ્રેનસેવા પર અસર પડી છે. રેલવે ટ્રેક પર ભૂસ્ખલનને કારણે મુંબઈ-પુણેનો ટ્રેનવ્યવહાર સ્થગતિ કરવામાં આવ્યો હોવાથી મુંબઈથી પુણે વિખુંટું પડ્યું છે. ભૂસ્ખલનને કારણે 17 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 31 ટ્રેન ડાઈવર્ટ કરી છે. અઢાર ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જ્યારે ચાર ટ્રેનને રિશેડ્યૂલ કરી છે. આજની મોટા ભાગની મુંબઈ-પુણે ટ્રેનોને રદ કરી છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

લોનાવલામાં 24 કલાકમાં 625 મિલિમીટર વરસાદ ખાબક્યો
વસઈ-વિરાર, મધુબન સહિત આસપાસના વિસ્તારો વરસાદી પાણીથી જળબંબાકાર બન્યા છે. રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબા નદી સહિત અન્ય નદીઓ ખતરાના નિશાના પર વહી રહી છે. મુંબઈ ગોવા હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકસેવા પર અસર થઈ છે. જાણીતા અષ્ટવિનાયક શ્રી બલ્લાલેશ્વર મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાને કારણે મંદિર પરિસર જળમગ્ન બન્યો છે. લોનાવલામાં 24 કલાકમાં 625 મિલિમીટર વરસાદ ખાબક્યો છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કરી આ અપીલ
મુંબઈ અને આસપાસના ઉપનગરમાં પડી રહેલા ભારે વરસાદ અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને મહત્ત્વની અપીલ કરી હતી. મુખ્ય પ્રધાને એજન્સીઓને વરસાદ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે તત્પર રહેવા આદેશ આપ્યો હતો. નાગરિકોને પણ જરુરિયાત હોય તો બહાર નીકળવાનો અનુરોધ કર્યો હતો, જ્યારે બિનજરુરી બહાર નીકળવાનો અનુરોધ કર્યો છે.