વડોદરાઃ વડોદરા સહિત ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 76 બેઠકમાંથી ભાજપે 69, કોંગ્રેસે 6 અને અન્યને એક બેઠક મળી હતી. જોકે ભાજપની સુનામીમાં પણ શ્રીવાસ્તવ બ્રધર્સનો દબદબો જોવા મળ્યો હતો.
વડોદરામાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની વ્યૂહરચના છતાં શ્રીવાસ્તવ બ્રધર્સ (ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને મધુ શ્રીવાસ્તવ)એ પોતાનો દમ બતાવ્યો હતો. કોંગ્રેસની ટિકિટ પર વોર્ડ 16થી ચંદ્રકાતે 10મી વખત જીત હાંસલ કરી હતી. જ્યારે 2022માં ગુજરાત વિધાસનભાની ચૂંટણીથી ભાજપે સાઈડલાઈન કરેલા મધુ શ્રીવાસ્તવની બે દીકરીઓ પૈકી એક કોર્પોરેશન ચૂંટણી જીતી હતી.
દીપા શ્રીવાસ્તવનો ક્યાંથી થયો વિજય
મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવનો વોર્ડ 14થી વિજય થયો હતો. તેમની સાથે કોંગ્રેસના એક અન્ય ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ પણ વિજેતા બન્યા હતા. 2021માં વોર્ડ 14માં તમામ ચાર સીટ પર ભાજપ જીત્યું હતું. ભાજપના ગઢમાં જ મધુ શ્રીવાસ્તવની દીકરીએ ગાબડું પાડ્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણી સુધી મધુ શ્રીવાસ્તવ ભાજપ સાથે હતા, પરંતુ ભાજપે ટિકિટ ન આપતાં છેડો ફાડ્યો હતો.
મધુ શ્રીવાસ્વતની બીજી દીકરી ક્યાંથી લડી હતી ચૂંટણી
મધુ શ્રીવાસ્તવ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવે વોર્ડ 15માં પણ જોર લગાવ્યું હતું. પરંતુ વોર્ડ 15માં ભાજપમાં બળવો કરીને ચર્ચામાં આવેલા આશીષ જોષીનો વિજય થયો હતો. આ વોર્ડમાં તેની સાથે મધુ શ્રીવાસ્તવની બીજી પુત્રી નીલમ પણ મેદાનમાં હતી.
વડોદરામાં બંને ભાઈઓ ઉત્તર ભારતીયોમાં છે લોકપ્રિય
મધુશ્રી વાસ્તવ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ બંને ભાઈઓ વડોદરામાં ઉત્તર ભારતીયોમાં લોકપ્રિય છે. મધુ શ્રીવાસ્તવ બે વખત કોર્પોરેટર, એક વખત અપક્ષ ધારાસભ્ય અને પાંચ વખત ભાજપમાંથી ધારાસભ્ય રહી ચુક્યા છે.
વડોદરામાં ભાજપે આ રીતે બચાવ્યો ગઢ
વડોદરામાં ભાજપે કોર્પોરેટરો પ્રત્યે નારાજગી પારખીને 44 સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપી હતી. સંઘ અને સ્વચ્છ છબી રાખનારાને મદાનમાં ઉતાર્યા હતા. કાંટાની ટક્કરવાળા વોર્ડમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, અધ્યક્ષે સીધી કમાન સંભાળી હતી. આ ઉપરાંત અંતિમ સમયે પ્રબુદ્ધ લોકો સાથે ઈન્ફ્લૂએંસરને જોડ્યા હતા.
વડોદરામાં કોંગ્રેસે જીતવા ઘણું જોર લગાવ્યું હતું પરંતુ 2021 જેટલી સીટ પણ મેળવી શકી નહોતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 7 સીટ મળી હતી. જ્યારે આ વર્ષે 1 બેઠક મળી હતી. જોકે સૌથી વધુ ચોંકાવનારું પરિણામ વોર્ડ 1નું રહ્યું હતું. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતની પત્ની અમી રાવતની હાર થઈ હતી.