Mon Jul 20 2026

Logo

પતિની હત્યા માટે પત્નીએ જ આપી સોપારીઃ દીકરી-ભત્રીજાને સાથે મળી પતાવી નાખ્યો, પરિવાર આઘાતમાં

2026-07-19 18:16:31
Author: Devayat Khatana
Article Image

મેડિકલ સ્ટોર સંચાલક પતિને રસ્તામાંથી હટાવવા પત્નીએ જ આપી સોપારી, કારણ જાણશો તો ચોંકી જશો

વિજાપુર: મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે, જ્યાં મેડિકલ સ્ટોરના સંચાલકની મોતની ઘટના શરૂઆતમાં સામાન્ય માર્ગ અકસ્માત લાગતી હતી, પરંતુ પોલીસ તપાસમાં તે હત્યાનું કાવતરું હોવાનું બહાર આવ્યું હતું. 

મળતી માહિતી અનુસાર વિનોદભાઈ પટેલ નામના વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આનંદપુરા ચોક પાસે એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે શરૂઆતમાં આને અકસ્માત માનીને તપાસ શરૂ કરી હતી, પરંતુ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

પત્નીએ જ ભાણેજને આપી હતી સોપારી

સીસીટીવી ફૂટેજમાં જે કારે અકસ્માત સર્જ્યો હતો તે ઘટનાના ઘણા દિવસો પહેલાથી જ વિનોદભાઈ પર નજર રાખી રહી હતી. પોલીસે ટેકનિકલ પુરાવા, મોબાઈલ લોકેશન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આખો મામલો ખૂલી ગયો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ હત્યા પાછળ વિનોદભાઈની પોતાની પત્ની રીટાબેન, તેમની પુત્રી અને સગા ભાણેજ વિમલ પટેલની સંડોવણી હતી. આરોપ છે કે, પત્નીએ પતિને રસ્તામાંથી હટાવવા માટે ભાણેજને 50 હજાર રૂપિયાની સોપારી આપી હતી અને અકસ્માતનું તરકટ રચ્યું હતું.

કાવતરામાં પત્ની, દીકરી અને ભત્રીજો સામેલ

આ સમગ્ર કાવતરામાં મૃતકની પુત્રી પણ સક્રિય રીતે સામેલ હતી, જે તેના પિતાની દરેક હિલચાલ અને લોકેશનની માહિતી સીધી રીતે તેના પિતરાઈ ભાઈ વિમલ સુધી પહોંચાડતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ મુખ્ય બે કારણો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં એક તો 10 લાખ રૂપિયાનો જીવન વીમો મેળવવો અને બીજું લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદ. 

ખતરો ઘરની અંદર હોવાની ખબર નહોતી

મૃતકની બહેન સૂર્યાબેન પટેલે જણાવ્યું હતું કે, ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા અને ઘટનાના થોડા દિવસો પહેલાથી જ પરિવારનું વર્તન બદલાઈ ગયું હતું. વિનોદભાઈને પણ કોઈ અઘટિત ઘટનાનો અંદાજ આવી ગયો હતો, પરંતુ તેમને કદાચ ખ્યાલ નહોતો કે ખતરો ઘરની અંદર જ છે.

કાવતરામાં અન્ય લોકો સામેલની શંકા

આ મામલે વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે, તમામ પુરાવાઓ એકત્ર કરીને પોલીસે પત્ની રીટાબેન, પુત્રી અને ભાણેજ વિમલ પટેલની ધરપકડ કરી લીધી છે. હત્યામાં વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે. 
હાલમાં પોલીસ ત્રણેય આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરી રહી છે, જેથી આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે. એક સામાન્ય મેડિકલ સ્ટોર ચલાવનાર વ્યક્તિની ઘરના જ સભ્યો દ્વારા કરવામાં આવેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.