Sun Jun 28 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-18

2026-06-28 08:13:00
Author: Anil Rawal
Article Image

 



 

 

‘ઝૈનાબ એક મદદ ચાહિયે.’ આઇબી ચીફ અભયસિંહ રાઠૌડનો રૂઆબદાર અવાજ આવ્યો

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

‘અલખ નિરંજન....’ સાંભળીને પુરોહિત ભયભીત થઇ ઉઠ્યો. સાધુ પાછળ આવ્યો. મહામુસીબતે પુરોહિતે એની સામે નજર મિલાવી. ભસ્મ કરી નાખતી સાધુની લાલ આંખો સામેથી નજર હટાવી લીધી...

 

‘લે બચ્ચા, પ્રસાદ લે કર જાના....ગોપાલેશ્વર મંદિર કા હૈ....’ સાધુએ પુરોહિતના હાથમાં પ્રસાદનું નાનું પડીકું પકડાવ્યું. પુરોહિત પડીકું લઇને ઉઠ્યો.

 

‘ચલતા હું.....’ બોલીને રીતસર દોડ્યો. સ્કૂટી ચાલુ કરીને પવનવેગે ભાગ્યો. એણે થોડે આગળ જઇને રાધાને કોલ લગાડ્યો. પણ રાધા નેટવર્કની બહાર હતી. કદાચ નેટવર્ક પકડાયું નહીં હોય એવું ધારીને બેજલમેડ જઇને ફરી કોલ લગાડ્યો. ફરી એજ નેટવર્ક એરિયા કે બાહર..નો રેકોર્ડેડ અવાજ પુરોહિતનું દિમાગ ખરાબ કરી ગયો. એ ધરમશાળાએ પહોંચ્યો. જગદીશને સંદેશો આપી દઉં કે શંકરના મંદિર ન જાય. એણે દરવાજો ખખડાવ્યો. જગદીશના નામની બૂમ મારી. સારીવારે જગદીશ નીચે આવ્યો. પુરોહિતને જોઇને આશ્ર્ચર્ય અને ચિંતા સાથે પૂછ્યું કે શું થયું?

 

‘રાધાને મળવું છે...એનો ફોન લાગતો નથી... અરજન્ટ છે.’ 

 

‘પણ એતો મારી સ્કૂટી લઇને ગઇ છે. હજી સુધી આવી નથી.’ જગદીશે પુરોહિતને ચિંતામાં નાખી દીધો.

 

ઓહ.... હવે શું કરવું. જગદીશને આ સીક્રેટ સંદેશો આપવો કે નહીં એની મુંઝવણમાં પુરોહિતે વિચાર્યું કે ના....બંને વચ્ચેની આ ગુપ્ત વાત કહેવાય નહીં. એને વચલો રસ્તો સૂજ્યો.

 

‘જગદીશ, રાધા પાછી આવે એટલે તું એને માત્ર શંકર શંભો એટલું કહેજે...એ સમજી જશે....’ અડધો ઊંઘમાં નીચે આવેલા જગદીશે હા પાડી દીધી. પુરોહિત ઘરે જઇને નિરાંતે સૂઇ ગયો.....

 

સાધુએ ચિઠ્ઠી વાંચી લીધી હતી...એણે ગુપ્તાની દુકાનમાં કામ કરતા શંકરનો મોઘમ ઉલ્લેખ ઉકેલી લીધો. ચિઠ્ઠીને તાપણામાં ફેંકી. શંકર પકડાશે તો આખો ખેલ ખતમ થઇ જશે. હવે સાધુને ઇન્તેજાર હતો ચિઠ્ઠી લેવા આવનારનો. કોણ છે જે ગુપ્તાની દુકાનમાં કામ કરતા શંકરની ગરદન સુધી પહોંચવા માગે છે.

***

રાધા મોડી રાતે શંકર મંદિર જવા બાબુજીના તબેલેથી નીકળી. પુરોહિત દાનપેટીમાં ચિઠ્ઠી નાખે પછી જ એણે શંકરના મંદિરે જવાનો નિર્ણય કર્યો હતો અને એટલે જ એ રણછોડ અને રાઘવની સાથે વાતો કરતી બેસી રહી હતી. રણછોડે એને દેશી મારવાડી ભોજન જમાડીને ખુશ કરી દીધી હતી. રસ્તો લાંબો હતો. પવન કાતિલ હતો. રસ્તો વેરાન હતો, પણ રાધાને કોઇ ભય નહતો. જગદીશની પવનપાવડી હવાને વીંઝતી....ચીરતી આગળ જઇ રહી હતી. 

***

રાધા શંકરના મંદિરે પહોંચી. એણે સ્કૂટી ચાલુ રાખી. જેથી દાનપેટીમાંથી ચિઠ્ઠી કાઢી જલ્દીથી નીકળી જવાય. સ્કૂટીનો અવાજ સાંભળીને સતર્ક સાધુએ પાછળ ઊભા રહીને નજર માંડી. એ આવનારની નજરે ચડવા માગતો નહતો..એ રાધાનું મોં જોઇ ન શક્યો. સાધુ અહીંના પડાવથી અજાણ રાધા અંદર ગઇ... એના આશ્ર્ચર્યની વચ્ચે દાનપેટી ગાયબ હતી. એને શંકા ગઇ. એણે આસપાસ જોયું. દાનપેટી ન જડી. એણે ઝડપથી નીકળી જવાનું વિચાર્યું. એ થોડે આગળ પહોંચી અને સાધુએ પાછળથી એની તરફ સનનનનનન કરતું ત્રિશૂલ ફેંક્યું. ત્રિશૂલ ખોડાઇ ગયું, રાધા આગળ નીકળી ગઇ....સાધુના આગમન અને શંકરના મંદિરમાં એના વસવાટથી બિલકુલ અજાણ રાધા ત્રિશૂલનો ઘા ચૂકી ગઇ. સાધુને ત્રિશૂલનો ઘા ચૂકી ગયાનો અને શકલ ન જોઇ શક્યાનો અફસોસ રહી ગયો, પણ એને ચિઠ્ઠી વાંચી લીધાનો સંતોષ હતો. સંતોષ અને ખુશીની ઠંડી, માદક લહેર માણવા એણે ગોપાલેશ્વર મંદિરની દિશા તરફ જોઇને ચીલમનો એક લાંબો કશ માર્યો.... જેની લાંબી ધુમ્રસેર પુરોહિતના ઘર સુધી લંબાઇ.  

***

ઇરાવતીએ પુરોહિતને નિયમ મુજબ ચાર વાગ્યે ઉઠાડ્યો. હોંકારાનો જવાબ ન મળતા ઢંઢોળ્યો. પુરોહિત બિલકુલ હલ્યો નહીં. ગાઢ નીંદરમાં હોય એમ પડી રહ્યો. ઇરાવતીને ચિંતા થઇ. એણે પુરોહિતની છાતી પર હાથ મુકીને ધબકારા ચેક કર્યા. 

પુરોહિતના ધબકારા બંધ થઇ ગયા હતા. ઇરાવતી ધબકારો ચુકી ગઇ...એનું હૃદય બેસવા લાગ્યું. એણે ચીસ પાડી. આસપાસના એક-બે પડોશીઓ દોડી આવ્યા. ઇરાવતીના કહેવાથી દેવીપ્રસાદજીને ફોન કર્યો. દેવીપ્રસાદજી આઘાત અને શંકાના ઘેરા રંગો સાથે દોડી આવ્યા. એમણે આવતા પહેલાં રાધાને કોલ કર્યો. થોડીવારમાં રાધા અને જગદીશ પણ પુરોહિતના ઘરે હતા. નાનકડું ગામ. ખબર ફેલાતા વાર ન લાગી. પુરોહિતના ઘરે વહેલી વારે પહોંચી જનારાઓમાં ગુપ્તા પણ હતો. દેવીપ્રસાદજી, રાધા અને જગદીશ બહાર શેરીના એક ખૂણામાં ઊભા રહીને વાત કરી રહ્યા હતા. 

 

‘કાલે મોડી રાતે પુરોહિતે તમને બહુ કોલ કર્યા....કોલ ન લાગ્યો એટલે ધરમશાળામાં આવેલો. ગભરાયેલો હતો. એણે કહ્યું કે રાધાને કહેજે કે શંકર શંભો...એ સમજી જશે...’

 

‘પુરોહિત શંકર શંભો બોલ્યા હતા.....? મારી સાથેની ફોન પરની વાતમાં છેલ્લે ફોન મુકતા પહેલાં પણ ત્રણવાર શંકર શંભો બોલ્યા હતા.’ રાધા વિચારવા લાગી.

 

‘રાધા, આ બધું શું ચાલે છે..... આ શંકર શંભો શું છે? તું મોડી રાત સુધી ક્યાં હતી?’ દેવીપ્રસાદજી જરા ઉશ્કેરાઇ ગયા.

 

‘દેવીપ્રસાદજી, એ બધું હું તમને પછી કહીશ, પણ મને પાકી ખાતરી છે કે પુરોહિતનું મર્ડર થયું છે.’ રાધા બોલી. 

 

‘એ તો મને ફોન આવ્યો ત્યારે જ હું સમજી ગયેલો. આ ખેલમાં કઇ ઘડીએ કોનું મોત થાય કાંઇ કહેવાય નહીં?’ દેવીપ્રસાદજી બોલ્યા. 

 

‘મર્ડર કોણે કર્યું હશે?’ ડરી ગયેલા જગદીશે પૂછ્યું.

 

‘એ શોધવું પડશે.....?’ બોલીને રાધાએ એક કોલ લગાડ્યો. 

 

‘રાઘવ, પુરોહિતનું મૃત્યુ થયું છે...જલ્દી આવી જા.’ ત્યાર પછી એણે દૂર જઇને રાઘવ સાથે ગૂફ્તેગુ કરી. દેવીપ્રસાદજી અને જગદીશને વિચિત્ર લાગ્યું.

 

‘રાધા, આપણને જેની પર શંકા છે તેં એ રાઘવને જ બોલાવ્યો. આ બધું શું છે?’

 

‘દેવીપ્રસાદજી, મને માફ કરજો, પણ અત્યારે હું તમને કંઇ નહીં કહી શકું, પણ મારી પર વિશ્વાસ રાખો.’

 

‘દેવીપ્રસાદજી, તમે પુરોહિતની વાઇફને પૂછી જુઓ કે પુરોહિત રાતે બહાર ગયો હતો?’ રાધાના કહેવાથી દેવીપ્રસાદજીએ ઇરાવતીને પૂછ્યું. 

 

‘હાં, વો દો દીન સે રોઝ બાહર જાતા થા...દેર રાત વાપસ આતા થા...’ ઇરાવતીએ કહ્યું. રાધા બાજુમાં ઊભી રહીને સાંભળી રહી હતી. 

 

પુરોહિત મંદિરે જવાનો હતો.....મંદિરમાંથી દાનપેટી ગુમ થઇ ગઇ હતી. નક્કી કોઇ એનો પીછો કરતું હોવું જોઇએ. રાધા પુરોહિતના મોતની ગૂંચ ઉકેલી રહી હતી.

 

થોડીવારમાં એક એમ્બ્યુલન્સ આવી પહોંચી. એમાંથી રાઘવ અને લોકલ પોલીસ ઊતર્યા. એમ્બ્યુલન્સની પાછળ બાઇક પર રણછોડ હતો. પોલીસ, દેવીપ્રસાદજી, રાધા અને રાઘવ ઇરાવતી પાસે ગયાં.

 

‘ભાભીજી, મને લાગે હે કી પુરોહિત જિ રો ખૂન વ્યો હે. પોસ્ટમોર્ટમ કરણો લાગે.’ પોલીસે કહ્યું. 

 

‘મર્ડર...? કોણ ક્યો....? ક્યૂં કિયો....?’ ઇરાવતીએ પૂછ્યું.

 

‘પુરોહિત કા દોસ્ત રાઘવને કમ્પલેટ લિખાયા હૈ.’ પોલીસે રાઘવ અને ફાઇલ બતાવતા કહ્યું. 

 

‘દેવીપ્રસાદજી, મેરે સમજ કો બાહર હૈ યે લોગ ક્યા બોલ રહે હૈ?’ ઇરાવતીએ કહ્યું.

 

‘ઠીક કહે રહે હૈ. મને પણ પોસ્ટમોર્ટમ કરણો જરૂરી લાગે સી...’ દેવીપ્રસાદ બોલ્યા. 

 

‘મારો છોરા અને એની લુગાઇ કો અમદાવાદ સી ફોન કરણો લાગે....’ ઇરાવતી રડી રહી હતી.

 

‘પોસ્ટમોર્ટમ કે લિયે ઉદયપુર ભેજેંગેં...ફોન કર કે ઉધર બુલા લો.’ રાઘવ બોલ્યો.

 

‘ઇરાવતી, તૂ સાથ ચલી જા......મૈં બચ્ચોં કો ફોન કર દુંગા...’ દેવીપ્રસાદજીએ કહ્યું.

***

રાઘવે રાધાના કોલ પછી તરત જ એના અમદાવાદ એટીએસના ચીફ બાદલ મલિકને ફોન કરીને આખી હકીકતથી વાકેફ કરી દીધા હતા. બાદલ મલિકે તાબડતોબ બેજલમેડ લોકલ પોલીસને જરૂરી કાર્યવાહી કરીને પુરોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની ગોઠવણ કરી આપી હતી. 

 

રાધાને પુરોહિતના મોતનો સંતાપ હતો. રાધા માટે પુરોહિત ગુપ્ત માહિતી મેળવી આપનારી કોઇ એસેટથી વિશેષ હતો. પુરોહિતનું બલિદાન એને ડંખતું હતું. પરંતુ એને દુ:ખ અને શોકમગ્ન થઇને બેસી રહેવું પાલવે એમ નહતું. રાધાની દ્રષ્ટીએ ગોપાલેશ્વર મંદિર પર ઘાતકી હુમલો ઝળુંબી રહ્યો હોવાની વાતને પુરોહિતના મોતથી પુષ્ટિ મળી હતી. કોઇક તો છે જેણે પુરોહિતને માર્ગમાંથી હટાવ્યો છે. કદાચ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આ રહસ્ય પરથી પરદો ઊંચકે. રાધા વિચારી રહી હતી.   

 

‘દેવીપ્રસાદજી, થેન્ક યુ. તમે ઝડપથી પરિસ્થિતિ પામી જઇને મામલો સંભાળી લીધો. આ પોસ્ટમોર્ટમ આપણને ઘાતકી હુમલાખોરો સુધી લઇ જવામાં મદદ કરશે.’ રાધાએ કહ્યું.

 

‘રાઘવ કોણ છે....?’ દેવીપ્રસાદે ક્યારનો મનમાં ધરબી રાખેલો સવાલ કર્યો.

 

‘એટીએસ અમદાવાદનો જાંબાઝ જવાન હરિસિંગ રાજપૂત છે. તમે મારા અને એના મોં પરના નિશાન ન જોયાં. ગઇ રાતે અમારી વચ્ચેના લાંબા જંગ પછી રહસ્ય ખુલ્યું. રાઘવ આપણી સાથે રહીને મદદ કરશે.’ 

 

‘શંકર શંભોનો મતલભ શું હશે...એણે કહેલું કે રાધા સમજી જશે....’ જગદીશે કહ્યું.

 

‘હું પણ એ જ વિચાર કરું છું. શંકર શંભો શબ્દનો ભેદ ઉકેલવો પડશે...પોસ્ટમોર્ટમ અને શંકર શંભો જ આપણને પુરોહિતના કાતિલ સુધી લઇ જશે.’

***

ઝૈનાબના મોબાઇલ પર એક વિચિત્ર રીંગ વાગી. રીંગટોન પરથી એ સમજી ગઇ કે કોનો કોલ છે. એણે ઉપાડ્યો નહીં. રીંગ વાગી ગઇ. ઝૈનાબ ઝડપથી ઓફિસની લિફ્ટ પકડીને નીચે ઊતરી. બાજુના કોફી હાઉસમાં જઇને નિરાંતે બેસીને કોલબેક કર્યો. 

‘ઝૈનાબ, એક મદદ ચાહિયે.’ આઇબી ચીફ અભયસિંહ રાઠૌડનો રૂઆબદાર અવાજ આવ્યો.

 

‘હુકુમ કિજિયે...’ ઝૈનાબ ધીમેથી બોલી. 

 

‘કલ દોપહર લંચ સે પહેલે તુમ અબ જહાં બૈઠી હો...ઉસી કોફી હાઉસ મેં તુમ્હે બ્રાઉન હેટ પહેના હુઆ એક બંદા મિલેગા.....બાકી કામ વો તુમ્હે સમજાયેગા.’ કહીને એમણે ફોન કાપી નાખ્યો.

 

ઇન્ટેલિજન્સ બ્યૂરો માટે કામ કરતી અભયસિંહ રાઠૌડની ખાસ ખુફિયા જાસૂસ ઝૈનાબ કોફી હાઉસના કાઉન્ટર પર બેઠેલા કેશિયરને સ્માઇલ આપીને પાછી ઓફિસમાં જતી રહી. 

 

           (ક્રમશ:)