Fri Jul 03 2026

Logo

એકસ્ટ્રા અફેર: સંજુ કે ઈશાનને બદલે વૈભવ સૂર્યવંશીને રમાડવો જરૂરી

2026-07-03 09:14:00
Author: Bharat Bharadwaj
Article Image

 

 

 

- ભરત ભારદ્વાજ

 

વૈભવ સૂર્યવંશીને ભારતની ટી-20 ટીમમાં પસંદ કરાયો ત્યારે સૌને આશા હતી કે, વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કરેલી આતશબાજી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળશે. હવે ક્રિકેટ ચાહકોને સવાલ થઈ રહ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવની આતસબાજી જોવા મળશે ખરી ? આ સવાલ થવાનું કારણ એ છે કે, ટીમ ઈન્ડિયામાં પસંદ થઈ ગયો હોવા છતાં વૈભવને બેંચ પર બેસાડી રખાય છે અને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન જ નથી મળતું.

 

વૈભવને ભારતીય ટીમમાં પસંદ કરાયો પછી આપણી ટીમ આયર્લેન્ડ સામે 2 ટી-20 મેચ રમી અને ઈંગ્લેન્ડ સામે એક ટી-20 મેચ રમી પણ વૈભવને હજુ તક મળી નથી. ક્રિકેટ ચાહકો વૈભવની જોરદાર ફટકાબાજી જોવા ઊંચાનીચા થઈ રહ્યા છે પણ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને વૈભવને હજુ રમાડવા જેવું લાગતું નથી તેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો ડેબ્યુ પાછળ ઠેલાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે બીજી ટી 20 મેચ 4 જુલાઈ એટલે કે શનિવારે રમાવાની છે ને એ પહેલાં જ વૈભવને તક આપવાની માગ શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકોથી માંડીને વિવેચકો સુધીના બધા વૈભવને તક મળવી જોઈએ એવું એકસૂરે કહી રહ્યા છે ત્યારે બીજી ટી-20માં વૈભવને તક મળે છે કે નહીં એ અત્યારે તો રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે. 

 

ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ક્રિકેટ ચાહકોની લોકલાગણી કે વિવેચકોની માગણીને આધારે નથી થતી. એ રીતે પણ ના કરી શકાય કેમ કે ટીમની પસંદગીમાં સંતુલન, વ્યૂહરચના, હરીફ ટીમની નબળાઈ ને તાકાત વગેરે બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. વૈભવને ત્રણ ટી 20માં ના રમાડાયો એ પાછળ પણ તેમાંથી કોઈ કારણ જવાબદાર હશે તેથી તેને પસંદ ના કરાયો એમ માની લઈએ પણ અત્યારે જે સંજોગો છે એ જોતાં વૈભવને તક મળે એ જરૂરી છે. વૈભવને તક આપવા માટેનું સૌથી મોટું કારણ તો આપણા ઓપનરોનો અસાતત્યપૂર્ણ દેખાવ છે. 

 

ભારતીય ટીમે આયર્લેન્ડ સામે બે અને ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડીને ઓપનિંગમાં ઉતારી હતી પણ આ જોડી જામી નથી. સંજુ સેમસને છેલ્લી ત્રણ મેચમાં 12 બોલમાં ગણીને  6 રન કર્યા છે. આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં સંજુએ 4 બોલમાં 5 રન કરેલો જ્યારે બીજી મેચમાં તો પહેલા જ બોલે ઝીરોમાં ઉડેલો. ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં પણ સંજુએ 7 બોલ રમીને 1 જ રન કરેલો. સામે અભિષેક શર્માને દેખાવ એવો ખરાબ નથી. 

 

શર્માએ ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી 20માં 24 બોલમાં 59 રનની સ્ફોટક ઈનિંગ રમી જ્યારે આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં પણ 20 બોલમાં 49 રનની તોફાની ઈનિંગ્સ રમેલી. આયર્લેન્ડ સામેની બીજી મેચમાં અભિષેક પહેલા જ બોલે ઝીરોમાં ઉડેલો પણ ત્રણ મેચમાં 44 બોલમાં 108 રન ખરાબ દેખાવ ના કરાય એ જોતાં અભિષેકને પડતો મૂકવા કારણ નથી પણ સંજુ સેમસનને પડતો મૂકીને વૈભવને ચોક્કસ તક આપી શકાય. 

 

સંજુ સેમસન અનુભવી છે એ જોતાં તેને ના કાઢવો હોય તો બીજો વિકલ્પ ઈશાન કિશનનો છે. ઈશાન કિશન અને સંજુ સેમસન વચ્ચે અત્યારે ખરાબ દેખાવની જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. સંજુએ 34 મેચમાં 12 રન કર્યા છે તો ઈશાને 13 રન કર્યો છે તેથી ઈશાન એક દોરો આગળ છે. ઈશાન કિશન ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં 2 બોલમાં એક પણ રન કર્યા વિના આઉટ થયેલો જ્યારે આયર્લેન્ડ સામેની બીજી મેચમાં 11 બોલમાં 12 રન કરીને આઉટ થયેલો. આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં તો ઈશાન 5 બોલમાં માત્ર 1 રન કરીને આઉટ થઈ ગયેલો.

 

ઈશાન અને સંજુ બંનેમાંથી કોના દેખાવને ખરાબ ગણવો એ સવાલ છે તેથી બંનેમાંથી કોઈને પણ કઢાય તો પણ કોઈને ખરાબ નહીં લાગે. ક્રિકેટ ચાહકોને પણ ખોટું નહીં લાગે ને કોઈને પણ અન્યાય થયો હોય એવું નહીં લાગે. સામે સંજુ અને ઈશાનના ખરાબ દેખાવ પછી પણ બંનેને રમાડાય ને વૈભવને ના રમાડાય તો વૈભવને અન્યાય થયેલો ચોક્કસ ગણાશે તેથી હવે વૈભવ તકનો અધિકારી છે જ. સંજુ અને ઈશાન બંને પાછા વિકેટકીપર છે ને ટીમને બે વિકિટકીપરની જરૂર નથી એ જોતાં બંનેમાંથી કોઈને પણ ચોક્કસ કાઢી શકાય ને વૈભવને તક આપી શકાય. 

 

સંજુ સેમસન કે ઈશાન કિશનમાંથી કોઈ એકને પડતા મૂકવા માટે બીજું પણ નક્કર કારણ છે. ભારતની ટીમ ટી-20માં વર્લ્ડ ચેમ્પિયન છે છતાં આયર્લેન્ડ જેવી સાવ નવીસવી ટીમ સામે સળંગ બે મેચમાં હારી જવાની નાલેશી આ મહાન ટીમે નોંધાવી દીધી. ભારતની ટીમની નાલેશી માટે આપણા બેટ્સમેનની ખરાબ ને બેજવાબદાર બેટિંગ જવાબદાર છે. આ વાહિયાત બેટિંગમાં સૌથી મોટું યોગદાન સંજુ સેમસન અને ઈશાન કિશને આપ્યું છે એ જોતાં બંનેને બોધપાઠ તો મળવો જ જોઈએ કે, ટીમ જીતે ત્યારે તમે હીરો બની જાઓ છો તો ટીમ હારે ત્યારે તેની કિંમત ચૂકવવા પણ તૈયાર રહેવું પડશે. ટીમ ખરાબ દેખાવ કરે ત્યારે આખી ટીમને ના બદલી શકાય પણ સળંગ નાલેશીભરી હાર થાય ત્યારે નાલેશીભરી હારમાં સૌથી વધારે ફાળો આપનારાં પર જ તવાઈ આવશે એવો ક્લીયર કટ મેસેજ ટીમને મળવો જ જોઈએ. 

 

વૈભવને તક નથી મળતી તેના કારણે તેનામાં હતાશા પેદા થશે એ અંગે પણ વિચારવું જોઈએ. ટીમ હારી રહી હોય ને ખેલાડીઓ સારો દેખાવ ના કરતા હોય છતાં તેમને ના કઢાય ને પોતાને તક ના મળે ત્યારે 15 વર્ષના છોકરાને થોડી ઘણી હતાશા તો થાય જ. આ હતાશા કાયમી બની જાય એ પહેલાં વૈભવને રમાડવો જરૂરી છે. 

 

વૈભવને તક મળશે ત્યારે એ કેવું રમશે એ ખબર નથી પણ તેનામાં સ્ફોટક બેટિંગ કરવાની તાકાત છે તેમાં કોઈ શંકા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું દબાણ અલગ હોય છે એ જોતાં વૈભવ શરૂઆતમાં અપેક્ષા પ્રમાણેનો દેખાવ ના કરી શકે એવું બને કે પછી રવિ શાીએ કહ્યું સામેની ટીમનાં છોતરાં ફાડી નાખે એવું પણ બને. શક્યતા બંને છે ને તેમાંથી કઈ શક્યતા સાચી પડશે એ છાતી ઠોકીને કોઈ ના કહી શકે પણ કઈ શક્યતા સાચી પડે છે એ જોવા માટે પણ તક તો આપવી પડે કે નહીં ? તક જ નહીં મળે તો એ પોતાની ક્ષમતા કઈ રીતે સાબિત કરશે ? સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોને નાની ઉંમરે તક મળી ત્યારે એ બધા પહેલા જ ધડાકે તિસમારખાં સાબિત નહોતા થયા પણ તેમનામાં રહેલી ક્ષમતાનો ચમકારો બધાંને ચોક્કસ મળી ગયેલો. વૈભવના કિસ્સામાં પણ એ ચકાસણી માટે તક મળવી જરૂરી છે.