Sun Sep 13 2026

Logo

વૈભવ સામે બોલર્સનું એક જ મિશન...તે કાબૂમાં નહીં રહે એટલે આક્રમણ કર્યા સિવાય છૂટકો નથીઃ હરભજન સિંહ

2026-08-14 16:24:07
Author: Ajay Motiwala
વૈભવ સામે બોલર્સનું એક જ મિશન...તે કાબૂમાં નહીં રહે એટલે આક્રમણ કર્યા સિવાય છૂટકો નથીઃ હરભજન સિંહ

નવી દિલ્હીઃ આગામી 23મી ઑગસ્ટે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોનની ટીમનું ઉપ-કપ્તાનપદ સંભાળશે એ સાથે તેની નવી કરીઅરમાં નવું પ્રકરણ શરૂ થશે, પરંતુ અત્યારે ખાસ તો તેના બૅટિંગ-અપ્રોચ પર જ આખી દુનિયાની અને વિશેષ કરીને હરીફ ટીમોના બોલર્સની નજર રહેતી હોય છે અને સ્પિન-લેજન્ડ હરભજન સિંહે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (PTI)ના પૉડકાસ્ટ પરની મુલાકાતમાં આ જ વાત કરી છે.

હરભજને કહ્યું છે કે `ક્રિકેટ જગતમાં સૂર્યવંશી (SURYAVANSHI)નો બૅટિંગ પ્રત્યેનો અભિગમ અન્યોથી સાવ નોખો છે અને જે કોઈ બોલર તેની સામે આવે તેનો અપ્રોચ વૈભવ સામે આક્રમક બનવાનો જ રહેશે, કારણકે તેમનાથી તે કાબૂમાં તો રહેવાનો જ નથી.'

બોલરના મગજમાં ડર બેસાડે છે

ભજ્જીનું એવું પણ માનવું છે કે `સૂર્યવંશી ઉંમરમાં ઘણો નાનો છે અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો કંઈ જ અનુભવ નથી એમ છતાં બોલર (BOWLER)ના મગજમાં ડર બેસાડવાની તેનામાં ક્ષમતા છે. સૂર્યવંશી અસાધારણ અને અનોખો બૅટ્સમૅન છે. તેના જેવો ખેલાડી અગાઉ મેં કદી જોયો નથી. તેની ક્ષમતા તો જુઓ...15 વર્ષની ઉંમરે તે ભલભલા બોલર્સ પર પ્રભુત્વ જમાવી શકે છે.'

બુમરાહ-કમિન્સના પ્રથમ બૉલમાં છગ્ગો

સૂર્યવંશીએ 2025ની સાલમાં 14 વર્ષની ટીનેજ વયે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, રાજસ્થાન રૉયલ્સ વતી રમીને તેણે 35 બૉલમાં ટી-20નો યંગેસ્ટ સેન્ચુરિયન બનવાની સિદ્ધિ મેળવી હતી અને આ વખતની આઇપીએલમાં તેના 776 રન તમામ ખેલાડીઓમાં સૌથી વધુ હતા. તેણે જસપ્રીત બુમરાહ અને પૅટ કમિન્સ જેવા અવ્વલ દરજ્જાના ફાસ્ટ બોલર સામે પહેલા જ બૉલમાં છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીએ આઇપીએલની પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે 80 બૉલમાં 175 રન ખડકીને આ ટૂર્નામેન્ટની ફાઇનલનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો તેમ જ ભારતને ટાઇટલ અપાવવાની સાથે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ પણ જીતી લીધો હતો. તાજેતરમાં તેણે સિનિયર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામે રમીને જ ડેબ્યૂ કર્યું હતું.

વહેલાસર વિકેટ લેવાનો મનસૂબો

ભજ્જીનું કહેવું છે કે `સૂર્યવંશીનો પ્રભાવ તો જુઓ! વિશ્વના ટોચના બોલર્સે લાંબુ વિચારવું પડે છે કે આ છોકરાને કાબૂમાં રાખવા કેવા પ્રકારનો બૉલ ફેંકવો. એકંદરે, બોલર્સનો અભિગમ આવો જોવા મળ્યો છે...સૂર્યવંશીને અંકુશમાં રાખવો ખૂબ મુશ્કેલ છે એટલે તેની સામે સફળ થવા માટે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવો અને બને એટલી જલદી તેની વિકેટ લઈ લો.'

સૂર્યવંશી સામે ભજ્જીનો અભિગમ કેવો હોત?

તમે સૂર્યવંશી સામે બોલિંગ કરી હોત તો તેની સામે તમારો અભિગમ કેવો હોત? એવું પૂછાતાં ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજને કહ્યું, `તે જે રીતે રમે છે એ મુજબ નહીં, પણ હું જે પ્રકારની બોલિંગ કરતો હતો એ અનુસાર મેં ફીલ્ડિંગ ગોઠવી હોત. તે ખૂબ જ સારો બૅટ્સમૅન છે એ દરેક સ્વીકારવું જ રહ્યું. તેની સામે ડરીને બોલિંગ કરવાનો કોઈ મતલબ નથી. એક બૉલમાં તેની સામે સફળતા ન મળે તો પછીનો બૉલ તેને કેવી રીતે આઉટ કરવો એવી માનસિકતા સાથે જ ફેંકવો જોઈએ એવું હું માનું છું.'