મૅન્ચેસ્ટરઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ મૅચની ટી-20 સિરીઝમાં બુધવારની પ્રથમ મૅચ ભારતના પ્રથમ દાવના 7/189ના સ્કોર બાદ વરસાદને લીધે નહોતી રમાઈ અને અનિર્ણીત જાહેર થઈ હતી એટલે હવે શનિવાર, ચોથી જુલાઈએ (ભારતીય સમય મુજબ સાંજે 7.00 વાગ્યાથી) મૅન્ચેસ્ટરમાં રમાનારી બીજી મૅચથી સિરીઝનો ખરો આરંભ થયો કહેવાશે અને એમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને રમવા મળશે કે કેમ એ સવાલ ફરી એક વખત સૌથી વધુ ચર્ચામાં છે.
સિલેક્ટરોએ તો ઇંગ્લૅન્ડના ટી-20 પ્રવાસ માટે 16 ખેલાડીઓની ટીમ આપી દીધી છે, પણ વૈભવ (Vaibhav)ને રમાડવો કે નહીં એનો મહત્ત્વનો નિર્ણય કૅપ્ટન શ્રેયસ ઐયર, હેડ-કોચ ગૌતમ ગંભીર અને ટીમના જ સિનિયર ખેલાડીઓથી બનેલા ટીમ મૅનેજમેન્ટે લેવાનો રહેશે. આયરલૅન્ડમાં આ જ ટીમ મૅનેજમેન્ટે વૈભવને ન રમાડીને ભૂલ કરી હતી અને એનું પરિણામ 0-2ના વાઇટવૉશથી ભોગવવું પડ્યું હતું, પરંતુ હવે ઇંગ્લૅન્ડમાં એવું ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવશે.
Durham ➔ Manchester 📍#TeamIndia on the move for 2️⃣nd #ENGvIND T20I 🚌 pic.twitter.com/XDdIUrzycE
— BCCI (@BCCI) July 3, 2026
વૈભવને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવા ટીમમાંથી એક ખેલાડીની બાદબાકી કરવી જ પડશે અને એમાં સંજુ સૅમસનનું નામ સૌથી પહેલાં લેવાઈ રહ્યું છે. આઇપીએલની છેલ્લી અમુક મૅચોથી માંડીને બુધવારની ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી-20 સુધીના સાત ટી-20 ઇનિંગ્સના આંકડા જોઈએ તો સૅમસન (Samson)ના સ્કોર આ મુજબ રહ્યા છેઃ 28, 20, 27, 0, 5, 0 અને 1.
ટીમ મૅનેજમેન્ટ વૈભવને આંતરરાષ્ટ્રીય મેદાન પર ઊતારવાની ઉતાવળ નથી કરવા માગતું અને આઇપીએલ-2026 પહેલાં ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર બૅટ્સમેનો પર ભરોસો જાળવી રાખવા માગે છે, પણ તેને ઇલેવનમાં સમાવવો જ હોય તો સૅમસન ઉપરાંત તિલક વર્માની પણ બાદબાકીની વાતો સંભળાય છે. અભિષેક શર્મા આયરલૅન્ડમાં એક ઝીરોને બાદ કરતા છેલ્લી ત્રણમાંથી બે ટી-20માં તેણે 49 રન અને 59 રન બનાવ્યા હોવાથી તેનું સ્થાન હાલ જોખમમાં નથી લાગતું.
ઇંગ્લૅન્ડની સીમ અને સ્વિંગવાળી બોલિંગવાળી પરિસ્થિતિઓએ હંમેશાં સૅમસનની પરીક્ષા લીધી છે. જો શનિવારે મૅન્ચેસ્ટરમાં પણ તે સસ્તામાં આઉટ થઈ જશે તો ટીમ મૅનેજમેન્ટનું આવી જ બનશે. તિલક વર્માનો કિસ્સો થોડો અલગ છે. તેણે ટીમમાં સતતપણે સ્થાન જાળવ્યું છે, પણ તેની પાસે જે પ્રકારની આક્રમક બૅટિંગની અપેક્ષા રાખવામાં આવી હતી એવું તે નથી રમી શક્યો.